સાંઢીયા પુલના કામમાં ફરી રોદો નાખતું રેલવે તંત્ર : કામ ઠપ
સાંઢિયા પુલ તોડવામાં રેલવે તંત્રનું ગ્રહણ મંજુરી ન મળતા પ્રારંભે જ કામ ઘોંચમાં
રાજકોટના જામનગર રોડ પર આવેલ સાંઢીયાની જગ્યાએ ૬૨.૬૦ કરોડના ખર્ચે ફોર લેન બનાવવાનું કામ ફરી એકવખત ઘોંચમાં પડ્યુ છે. ડાયવર્ઝનનું કોકળું ઉકેલાયુ તો હવે રેલવે તંત્રની બાબુશાહીનું ગ્રહણ લાગ્યુ છે. પુલ નીચે જ્યાથી રેલવે ટ્રેક પસાર થાય છે તેની ઉપર અને આજુબાજુના એ ભાગમાં ભાંગ તૂટ કરવાની મંજૂરી રેલવે તંત્રમાં અટવાતા બ્રિજ તોડવાનું કામ મોડુ શરૂ થશે અને છેવટે નવા બ્રિજનું કામ પણ મોડુ પુરુ થશે તેમા શંકાને કોઇ સ્થાન નથી.
શહેરના સૌથી જુનો સાંઢિયા પુલ લાગશે. આ સાંઢીયો પુલ ૧૯૭૭માં પીડબલ્યુડી દ્વારા નિર્માણ કરવામાં આવ્યો હતો. ચાર દાયકાથી લોકો અને વાહનોની અવરજવરના કારણે તેની અનેકવાર મરામત પણ કરવામાં આવી હતી. અંતે ગયા વર્ષે રેલવે દ્વારા તેને અસલામત જાહેર કરાયા બાદ ભારે વાહનો માટે પ્રવેશબંધી કરવામાં આવી હતી. એ પછી થોડા દિવસ પહેલા સાંઢિયા પુલ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામા આવ્યા બાદ સાંઢીયા પુલના બદલે વૈકલ્પિક રસ્તા માટે બ્રીજની પાસેથી ભોમેશ્વરથી જામનગર રોડ થઇને વાહન વ્યવહારનો રૂટ નક્કી કરવામાં આવ્યો છે. તો બીજો વિકલ્પ રેલનગર અન્ડરબ્રિજ અથવા પોપટપરાના નાલામાંથી થઇને ડાયવર્ઝન કાઢવામા આવ્યુ છે.
પુલ તોડવાનું કામ ચાલુ મહિનાના પ્રારંભમાં જ શરૂ થવાનું હતુ. મનપાએ સંપૂર્ણ તૈયારી પણ કરી લીધી છે. ત્યા સુધી કે, રેલવે તંત્રને ચુકવવાના પૈસા પણ આપી દીધા છે ત્યા ફરી એક મોટુ ગ્રહણ આવ્યુ છે. પુલ તોડવા માટે હજુ સુધી રેલવે તંત્રની મંજૂરી મળી નથી. કારણમાં એવુ જાણવા મળ્યુ છે કે, જ્યાથી રેલવે ટ્રેક પસાર થાય છે તેની ઉપરના અને આજુબાજુના ભાગને તોડવા માટે બ્રિજની ડિઝાઇન સાથે રાખીને રેલવેની ઇજનેરી ટીમને પણ સાથે રાખવાની થાય છે. તેની મંજૂરી ફરજિયાત છે. જે હજુ સુધી રેલવે તંત્ર દ્વારા આપવામા આવી નથી.