- બ્રાન્ડેડ વસ્તુઓ ખરીદવા માટે છેતરપિંડી આચરતો
- જુદી જુદી બેંકના 21 ATM કાર્ડ મળ્યા
- ગુજરાત, મહારાષ્ટ્ર અને ઓરિસ્સા સહિત દેશભરમાં 25થી વધુ ગુના આચર્યાનું ખુલ્યું
દેશના જુદા-જુદા રાજ્યોમાં એટીએમ મશીનમાં જઈને વ્યક્તિઓને રૂપિયા ઉપાડવામાં મદદ કરવાનું કહીને એટીએમ કાર્ડ બદલીને અન્ય એટીએમ મશીનમાંથી રૂપિયા ઉપાડીને ઠગાઈ આચરતો આંતરરાજ્ય ચોરને પોલીસે લાલ દરવાજા પાસેથી ઝડપી પાડયો છે, જેમાં આરોપી પાસેથી પોલીસે જુદી-જુદી બેન્કના કુલ 21 એટીએમ કાર્ડ સાથે કુલ રૂ. 1.04 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ત્યારે આરોપીની પૂછપરછ કરતા મોજશોખ માટે એટીએમ કાર્ડથી બ્રાન્ડેડ વસ્તુઓની ખરીદી કરી લેતો હતો. ત્યારે આરોપી સામે મહારાષ્ટ્ર, ઓરિસ્સા, ગુજરાતમાં 25થી વધુ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.
અમદાવાદ તેમજ ગાંધીનગરમાં એટીએમ મશીનમાં ગયેલા લોકોને મદદ કરવાના બહાને કાર્ડ બદલીને ઠગાઈ કરતા ઓરિસ્સાના સંભવ આચાર્યને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડયો છે, જેમાં તેની પાસેથી પોલીસે અલગ અલગ બેંકના કુલ 21 એટીએમ કાર્ડ, મોબાઇલ ફોન સહિત કુલ રૂ.1.04 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીની પૂછપરછ કરતા તેને દેશભરમાં આવા અનેક ગુનાઓ આચર્યા હોવાની કબૂલાત કરી હતી. સાથે જ તેને બ્રાન્ડેડ વસ્તુઓ ખરીદવાનો શોખ હોવાથી તે લોકો સાથે ઠગાઇ કરતો હોવાનું સામે આવ્યું છે. આરોપી ઓરિસ્સામાં 18 તથા મહારાષ્ટ્રના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં છ ગુનાઓમાં અગાઉ ઝડપાઇ ચૂક્યો છે.


