- રાવણટેકરીના ગોડાઉનમાંથી ગેરકાયદે 34,055 કિલો ચોખાનો જથ્થો ઝડપાયો
- 38 લાખ ઉપરાંતનો મુદ્દામાલ ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી
- કેટલા સમયથી આ રેકેટ ચાલી રહ્યું છે તે દિશામાં તપાસ હાથ ધરી છે
બનાસકાંઠા જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા ગરીબોને આપવામાં આવતું અનાજ સસ્તામાં ખરીદી લઈ અને નફો રળી લઈ બારોબાર વેચી મારવાનું કૌભાંડ આચરી ગરીબોના પેટ પર પાટું મારનારાઓ સામે જિલ્લા કલેકટરે કડક કાર્યવાહી કરવાની સુચના આપતા પુરવઠા અધિકારી કે.કે.ચૌધરી અને સપ્લાય ઈન્સ્પેકટરની ટીમે દાંતાના રાવણટેકરી વિસ્તારમાં આવેલ ગોડાઉનમાંથી 34,055 કિલો ચોખાનો જથ્થો તેમજ 5 વાહનો ઝડપી લઈ અને મેમણ ઈલિયાસ જાનમહંમદ ( રહે,ભાંખરી તા.દાંતા)વાળા સામે કાર્યવાહી હાથ ધરી છે.બનાસકાંઠા જિલ્લામાં ગરીબોને આપવામાં આવતુ અનાજ દુકાનમાંથી આપ્યા બાદ તે અનાજ લેવા માટે છકડા તેમજ ડાલામાં ફરી ફરી ગામે ગામથી ઉઘરાણું કરી અને સસ્તામાં ખરીદી લઈ અને તે અનાજ ગોડાઉનમાં ભેગું કરી અને ફેકટરીઓમાં સપ્લાય કરવામાં આવી રહ્યું હોવાનું પુરવઠા વિભાગને ધ્યાનમાં આવતા આ અંગે જિલ્લા પુરવઠા અધિકારી કે.કે.ચૌધરી અને તેમની ટીમે દાંતામાં અંબાજી રોડ પર આવેલ રાવણટેકરી પાસે આવેલ ગોડાઉનમાં તપાસ કરતા ચોખાના કટ્ટા ટ્રક ઠલવાયી રહ્યા હતા તેમજ એક નમકીન કંપનીની ગાડી પણ ત્યાં મળી આવી હતી અને ગોડાઉનમાં તપાસ કરતા ચોખાનો જથ્થો મોટા પ્રમાણમાં મળી આવતા તે અંગે ખરીદીના બિલો અને પુરાવા માંગતા ગોડાઉનના માલિક ઈલિયાસભાઈ જાનમહંમદ મેમણ કોઈ સંતોષકારક જવાબ ન આપી શકતા ઉપરોકત ચોખાનો 34,055 કિલો ચોખાનો જથ્થો તેમજ પ વાહનો સહિતનો 38.60 લાખનો મુદ્દામાલ કબ્જે લઈ અને ચોખા ક્યાંથી લાવવામાં આવ્યા અને કઈ ફેકટરીમાં આપવામાં આવતા અને કેટલા સમયથી આ રેકેટ ચાલી રહ્યું છે તે દિશામાં તપાસ હાથ ધરી છે.


