- અસહ્ય ગરમીમાંથી લોકોએ હાશકારો અનુભવ્યો તો ખેડૂતોના જીવ તાળવે ચોંટયા
- ચૂંટણી એજન્ટોના શામિયાણા અને ખેડૂતોનો સૂકો ઘાસચારો પલળ્યો
- સામાન્ય ઝાપટા બાદ વરસાદ બંધ થતા ખેડૂતોએ રાહત અનુભવી હતી
યાત્રાધામ અંબાજીમાં આજે બપોરે બે વાગ્યા બાદ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો જેમો ધીમીધારે વરસાદી ઝાપટું પડતાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ થોડા સમય માટે સર્જાયો હતો.મતદાન કરવા આવેલા મતદારોમાં વાતાવરણના પલટાથી પ્રસરેલ ઠંડકથી આનંદની લાગણી જન્મી હતી ચૂંટણી એજન્ટો માટે બનાવાયેલા સમીયાણા પણ વરસાદી પાણીથી પલળી ગયા હતા. અંબાજી પંથકમાં છેલ્લા બે દિવસથી અસહ્ય ગરમી બાદ આજે વાતાવરણમાં પલટા સાથે વરસાદી માહોલ સર્જાતા થોડા સમય માટે ઠંડક પ્રસરી હતી અંબાજીના કેટલાક અંતરિયાળ વિસ્તારોમાં રહેતા ખેડૂતો દ્વારા ખેતરોમાં રખાયેલ ઘાસચારો પલળી જવાની ચિંતા જન્મી હતી જોકે સામાન્ય ઝાપટા બાદ વરસાદ બંધ થતા ખેડૂતોએ રાહત અનુભવી હતી.
અંબાજી પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ગરમી અને હીટ વેવની આગાહી વચ્ચે અંબાજીમાં એકાએક વરસાદી ઝાપડાથી રોડ રસ્તા ભીંજાયા હતા. એક તરફ્ સમગ્ર રાજ્યમાં હિટ વેવની આગાહીને લઈને રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે ગરમી જોવા મળી રહી છે ત્યાં આજે ગુજરાતમાં ત્રીજા ચરણનું મતદાન પણ યોજાઈ રહ્યું છે.


