- ફટાકડા બજારમાં લાગી આગ
- અચાનક આગ ભભૂકતા લોકોમાં અફરાતફરી
- પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો
ભાવનગર જિલ્લાના ગારિયાધારના ફટાકડા બજારમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. અહીં ફટાકડા બજારમાં અચાનક જ ફટાકડાઓનું વેચાણ કરતી લારીઓમાં આગ લાગવાની ઘટના બની હતી. જેના પગલે ફાયર બ્રિગેડની ટીમો પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગને મહામહેનતે કાબૂમાં લીધી હતી.
ભાવનગર જિલ્લાના ગારિયાધાર શહેરમાં આવેલ મેઈન બજારમાં કાળી ચૌદશના દિવસે દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. અહીં અચાનક જ કોઈ અગમ્ય કારણોસર ફટાકડા વેચતી લારીઓમાં આગ લાગી જે પછીથી ફેલાઈને અનેક અન્ય લારીઓમાં પણ ફેલાઈ ગઈ હતી. જેના કારણે અનેક લારીઓ આ આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી સાથે જ એક વ્યક્તિનું બાઈક પણ આગની ચપેટમાં આવી ગયું હોવાનું જાણવા મળ્યું હતું. અચાનક જ આગ લાગવાના પગલે બજારમાં ફટાકડા વેચતા વેપારીઓ અને ગ્રાહકોમાં અફરાતફરી મચી ગઈ હતી.
મહત્વનું છે કે આ મામલે સૂચના મળતાં જ ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. આ આગમાં ઘણી લારીઓ બળીને ભસ્મીભૂત થઈ ગઈ હતી અને બાઈક પણ સળગી ગયું હતું. જો કે આગને મહામહેનતે ફાયર વિભાગના સ્ટાફે કાબૂમાં લીધી હતી. જેના પછી આ મામલે જાણકારી મળતાં જ પોલીસ સ્ટાફ પણ તપાસ માટે ઘટનાસ્થળે પહોંચ્યો હતો.
નોંધનીય છે કે આ મામલે એક જાણકારી એવી પણ સામે આવી હતી કે આશ્રમ રોડ પરના વિસ્તારમાં રહેણાંક વિસ્તાર આવેલો છે. જ્યાં અનધિકૃત રીતે લારી ગલ્લા રાખીને ફટાકડાનું ઈલિગલ વેચાણ કરવામાં આવી રહ્યું હતું. આ આગની ઘટનામાં અનેક લારીઓ અને બાઈક બળીને ખાખ થયું હતું જો કે આ આગ આસપાસના રહેણાંક વિસ્તારમાં ફેલાઈ હોત તો બહુ મોટી જાનહાનિ થઈ શકે તેમ હતી. આ મામલે સ્થાનિકોમાં પોલીસ વિભાગ અને તંત્રની સામે રોષની લાગણી હતી. તેમનો પ્રશ્ન હતો કે અનધિકૃત રીતે ઉભા લારી ગલ્લાઓ પર પોલીસ એક્શન કેમ નથી લેતી.


