- રામમંદિરના ઉદ્ઘાટનની તૈયારીઓની સાથે દુનિયભરના રામભક્તોમાં ઉત્સાહ
- અમેરિકામાં વસતા રામ ભક્તો કરી રહ્યા છે પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી
- હ્યુસ્ટનમાં 2000થી વધુ રામ ભક્તોએ કાઢી વિશાળ કાર રેલી
અયોધ્યામાં રામમંદિરના ઉદ્ઘાટનની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. 22 જાન્યુઆરીએ થનાર પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમને લઈને રામનગરી અયોધ્યાને સોળ શણગારે સજાવવામાં આવી છે. ત્યારે રામના આગમનનો ઉત્સાહ માત્ર દેશમાં જ નહીં પરંતુ દેશની બહાર વિદેશોમાં સ્થાયી થયેલા રામ ભક્તોમાં પણ જોવા મળી રહ્યો છે. અમેરિકાના હ્યુસ્ટનમાં રવિવારે હિન્દુ અમેરિકન સમુદાયના સભ્યો દ્વારા ભજન-કીર્તન અને જય શ્રી રામના સૂત્રોચ્ચાર વચ્ચે વિશાળ કાર રેલી કાઢી હતી. આ રેલી રસ્તામાં આવતા 11 મંદિરોએ રોકાઈ હતી.
શ્રી મીનાક્ષી મંદિર વહીવટી તંત્રને 22 જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનાર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ થવા માટે અમેરિકાના વિશ્વ હિન્દુ પરિષદ (VHP) તરફથી ઔપચારિક આમંત્રણ પણ આપવામાં આવ્યું છે.
રામમંદિર, ભારતીય અને અમેરિકન ધ્વજની તસવીરો વાળા ભગવા બેનર લઈને 500થી વધુ લોકોએ 216 કારો સાથે વિશાળ કાર રેલી કાઢી હતી. આ રેલીએ 100 માઈલનો રસ્તો પસાર કર્યો હતો. રેલીને હ્યુસ્ટનના સમજસેવી જુગલ મલાનીએ શ્રી મીનાક્ષી મંદિરથી લીલી ઝંડી બતાવી ફ્લેગ ઓફ કરાવ્યું હતું અને આ રેલીનું રિચમંડના શ્રી શરદ અંબા મંદિર ખાતે બપોરે સમાપન થયું હતું.
2000થી વધુ લોકો થયા રેલીમાં સામેલ
હ્યુસ્ટનના વ્યસ્ત રસ્તાઓને પાર કરતાં એક ટ્રકના નેતૃત્વમાં રેલી કાઢવામાં આવી હતી. જય શ્રી રામના સૂત્રોચ્ચારની ગુંજની સાથે કાઢવામાં આવેલ રેલી 6 કલાકમાં 11 મંદિરોમાં રોકાણ કરીને ગંતવ્ય સ્થાને પહોંચી હતી. લગભગ 200 થી વધુ યુવાનો, વડીલો સહિત શ્રદ્ધાળુઓએ મંદિરોમાં ભજનોની સાથે શોભાયાત્રાનું સ્વાગત કર્યું હતું. મંદિરમાં હાજર દરેક વ્યક્તિ ‘જય શ્રી રામ’ના સૂત્રોચ્ચાર અને શંકનાદથી મંત્રમુગ્ધ થતાં જોવા મળ્યા હતા. લિવિંગ પ્લેનેટ ફાઉન્ડેશનના સંસ્થાપક કુસુમ વ્યાસનું કહેવું છે કે રામ ભક્તોની સાથે આ ક્ષણનો અનુભવ કરવો ખૂબ જ આનંદદાયક હતું.
ભક્તિ અને પ્રેમની ક્ષણ
હ્યુસ્ટનના સ્વયંસેવકો અચલેશ અમર, ઉમંગ મહેતા અને અરુણ મુંદ્રાએ પ્રથમ વખત આવી રેલીનું આયોજન કર્યું હતું. VHPના સભ્ય અમરે જણાવ્યું હતું કે ભગવાન શ્રી રામ હ્યુસ્ટનવાસીઓના હૃદયમાં વસે છે. કાર રેલીમાં ભાગ લેનારાઓ માટે વિવિધ મંદિરોમાં એકઠા થયેલા 2,500 થી વધુ ભક્તો દ્વારા દર્શાવવામાં આવેલ ભક્તિ અને પ્રેમ અભિભૂત કરી દેનાર હતો.
હ્યુસ્ટન પહોંચ્યા શ્રી રામ
તો, ઉમંગ મહેતા કહે છે કે માહોલ ભક્તિ અને પ્રેમથી ભરપૂર હતો. એવું લાગી રહ્યું હતું કે શ્રી રામ પોતે હ્યુસ્ટન આવી પહોંચ્યા છે. અરુણ મુંદ્રા કહે છે કે મંદિર વહીવટને એક સુંદર આમંત્રણ ભેટ કરવામાં આવ્યું છે. આ ભેટમાં VHP તરફથી ઔપચારિક આમંત્રણમ અયોધ્યાથી પવિત્ર ચોખા, રામ પરિવાર, ગંગાજળ, સુંદરકાંડની એક પ્રતિ અને કેટલીક મીઠાઈઓ પણ છે. તેમણે કહ્યું કે આ બધુ મંદિરને ભવ્ય શ્રી રામલલા મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેવા અનુરોધ કરતાં આપવામાં આવ્યું છે.


