- દુકાન બહાર ખુલ્લામાં રહેતી માબાપ વગરની બાળકીને દત્તક લીધી હતી
- કોર્ટે પીડિતાને 6.25 લાખ આપવાનો આદેશ કર્યો
- ફરિયાદના આધારે પંડાલમ પોલીસે કેસ દાખલ કરીને તપાસ કરી હતી
કેરળના દક્ષિણ જિલ્લાના અદૂરમાં એક ફાસ્ટ ટ્રેક વિશેષ અદાલતે પંડાલમના કુરમપાલાના મૂળ નિવાસી 63 વર્ષીય થોમસ સેમ્યુઅલને એક બાળકી સાથે દુષ્કર્મ કરવાના ગુનાસર 106 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. કોર્ટે દોષિતને 6.25 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. જજ એ. સમીરે આદેશમાં કહ્યું કે રોકડ દંડ ન ભરે તો સેમ્યુઅલે ત્રણ વર્ષ બે મહિનાની વધારાની જેલ ભોગવવાની રહેશે. આ રકમ પડોશી રાજ્ય તામિલનાડુમાં રહેતી 12 વર્ષીય પીડિતાને ચૂકવવાની રહેશે. પોલીસ અનુસાર દોષિતે કુલ 20 વર્ષ જેલમાં રહેવું પડશે, કેમ કે બધી સજા એકસાથે ગણાશે. ઉલ્લેખનીય છે કે આરોપીએ થોડાંક વર્ષ પહેલાં જે બાળકીને દત્તક લીધી હતી તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. પોલીસ અનુસાર થોડાં વર્ષ પહેલાં માતાપિતા દ્વારા છોડી દેવાયા બાદ બાળકી પોતાનાં બે ભાઈબહેન અને દાદી સાથે સ્થાનિક દુકાનના આગળના ભાગમાં રહેતી હતી. તેમની દુર્દશા અંગે જાણ્યા બાદ બાળ કલ્યાણ પેનલે તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા પગલાં ભર્યાં હતાં. તેના આધારે ત્રણ સ્થાનિક પરિવારોએ ત્રણે બાળકોને દત્તક લીધાં હતાં અને તેમને સુરક્ષિત જીવન આપવાનું વચન આપ્યું હતું. પીડિત બાળકીને સેમ્યુઅલ અને તેનાં પત્નીએ દત્તક લીધી હતી, જેમને કોઈ સંતાન નહોતું. પોલીસે કહ્યું કે બાળકીને દત્તક લીધા બાદ તે જ્યારે સેમ્યુઅલના ઘરે પહોંચી ત્યારે તેણે તેની સાથે કથિત દુર્વ્યવહાર કરવો શરૂ કરી દીધો હતો. માર્ચ 2022થી મે 2022 દરમિયાન એક વર્ષના ગાળામાં સેમ્યુઅલે બાળકીને ધમકી આપીને ક્રૂર દુષ્કર્મ કર્યું અને યાતના આપી હતી.
દુષ્કર્મની જાણ કઈ રીતે થઈ?
થોડા સમય પછી પોતાની પત્ની એક દુર્ઘટનાનો ભોગ બન્યા બાદ તેના નબળા સ્વાસ્થ્યને આધાર બનાવીને સેમ્યુઅલે બાળ કલ્યાણ પેનલને બાળકી પાછી લઈ જવા વિનંતી કરી હતી. બાદમાં આ બાળકીને અન્ય એક પરિવારે દત્તક લીધી હતી. આ પરિવારને બાળકીએ પોતાની સાથે થયેલા યૌન ઉત્પીડન અંગે જાણ કરી હતી. તેની ફરિયાદના આધારે પંડાલમ પોલીસે કેસ દાખલ કરીને ઊંડી તપાસ કરી હતી.
વિશેષ અદાલતનો ચુકાદો
કેરળના દક્ષિણ જિલ્લાના અદૂરની ફાસ્ટટ્રેક અદાલતમાં આ કેસ ચાલી જતાં જજ એ. સમીરે થોમસ સેમ્યુલને તેના ગુનાની ગંભીરતાને જોતાં 106 વર્ષની આકરી સજા ફટકારી હતી. સાથે જ અદાલતે આદેશ કર્યો કે સેમ્યુઅલ પીડિત બાળકીને 6.25 લાખ રૂપિયા દંડ પેટે આપવાના રહેશે. જો આ દંડન ભરે તો સેમ્યુઅલે વધારાની ત્રણ વર્ષ અને બે મહિનાની સજા ભોગવવાની રહેશે.