- EOWમાં વારંવાર ધક્કા ખાધા છતાં ફરિયાદ ન લેવાતા આપઘાત કર્યાની ચર્ચા
- એક PIએ રજૂઆત સાંભળ્યા વગર જ તેની પર ગુસ્સે થતાં મહિલાને મનમાં લાગી આવ્યું
- અધિકારીએ સમગ્ર ઘટનાની જાણ કોઈને ન થાય તે માટે અનેક પ્રયાસો કર્યા
ગાયકવાડ હવેલી વિસ્તારમાં આવેલા ક્રાઇમ બ્રાન્ચ કેમ્પસમાં ગુરુવાર બપોરે એક મહિલા તબીબની રહસ્યમય રીતે લાશ મળતા પોલીસબેડામાં દોડધામ મચી ગઈ હતી. આ મહિલા તબીબ ઈકોનોમિક ઓફેન્સ વિગ (EOW)માં અનેક વખત પોતાની ફરિયાદ નોંધાવવા માટે અધિકારીઓને મળવા જતાં હતાં, પરંતુ અધિકારીઓ કોઇ જવાબ આપતા ન હતા. આથી કંટાળીને મહિલાએ ક્રાઇમ બ્રાન્ચના કેમ્પસમાં વસંત રજત બંધુત્વ સ્મારક પાસે બેસીને પગમાં ઇન્જેક્શન મારીને આપઘાત કર્યો હોવાની શંકા સેવાઇ રહી છે. પોલીસે મહિલાની ડેડબોડીને પોસ્ટમોર્ટમ માટે VS હોસ્પિટલ મોકલી આપી હતી. આ અંગે ગાયકવાડ પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. અગાઉ ક્રાઇમ બ્રાન્ચમાં એક આરોપીએ પોલીસ કોન્સ્ટેબલની હત્યા કરી હતી ત્યારે પણ CCTV ફૂટેજ બંધ હતા. આ વખતે અરજદારનું ભેદી મોત થતાં ક્રાઇમ બ્રાન્ચની આબરૂ બચાવવા માટે ઉચ્ચ અધિકારીએ સમગ્ર ઘટનાની જાણ કોઈને ન થાય તે માટે અનેક પ્રયાસો કર્યા હતા.
મૃતક અંગે અધિકારીઓએ તપાસ કરતા, મૂળ બાલાસિનોરના વિરપુરની અને હાલમાં નહેરુનગર પાસે પીજીમાં રહેતી ડૉ. વૈશાલીબેન જોષી હોવાનું સામે આવ્યું છે. પોલીસબેડામાં ચાલતી ચર્ચા મુજબ, મૃતક વૈશાલીબેન પોતાની ફરિયાદ નોંધાવવા માટે EOW બ્રાન્ચમાં અનેક વખત ધક્કા ખાઇને થાક્યા હતા. પરંતુ EOWના એક પીઆઇએ મહિલાની રજૂઆત સાંભળ્યા વગર જ ધમકી આપી રહ્યા હોય તે રીતે બૂમાબૂમ કરીને ઓફિસમાંથી તગેડી મૂક્યા હતા. આથી તબીબે પગમાં ઇન્જેક્શન મારીને આપઘાત કર્યાનું ચર્ચાઇ રહ્યુ છે.


