- બંને પક્ષો જાહેરમાં ગુંડાગીરી પર ઊતર્યા, લાકડીઓ અને હથિયારોથી સામસામે હુમલો, ચાર ઈજાગ્રસ્ત
- કોર્પોરેટરના ભાઈએ ડરાવવા માટે ફાયરિંગ કર્યું, કોઈને ઈજા ન થઈ, ઈસનપુર પોલીસમાં ફરિયાદ
- બીજા લોકોના પણ નિવેદન લેવામાં આવી રહ્યા છે , સાગરીતો સામે ગુનો નોંધીને તપાસ શરૂ
શાહઆલમમાં દરગાહ પાસે બહેરામપુરાના કોંગ્રેસના કોર્પોરેટર અને તેમના ભાઈ વચ્ચે જમીન બાબતે ઘણા સમયથી ઝઘડા ચાલી રહ્યા હતા. રવિવારે સાંજે જમીનની બાબતે બંને ભાઈ વચ્ચે ફરીથી ઝઘડો થયો હતો અને બંને ભાઇઓએ પોત પોતાના માણસોને બોલાવ્યા હતા. બાદમાં બંને પક્ષોના લોકો હાથમાં લાકડીઓ અને હથિયારો લઈને આવ્યા હતા. જે બાદ બંને પક્ષો વચ્ચે મારામારી થઈ હતી. તેમજ કોર્પોરેટરના ભાઇએ ડરાવવા માટે જમીન પર બે રાઉન્ડ ફાયરિંગ પણ થયું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. જોકે ફાયરિંગમાં કોઇ પણ વ્યક્તિને ઇજા થઇ ન હતી. ત્યારે મારામારીમાં ચાર લોકોને ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયા છે. ઇસનપુર પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
શાહઆલમમાં મૂસામિયા શાહઆલમ દરગાહવાળાની એક જમીન બહેરામપુરામાં રહેતા કોંગ્રેસના કોર્પોરેટર તસ્લીમ આલમ તિર્મિઝી અને તેમના ભાઇ નીકી આલમ તિર્મઝીએ ખરીદી હતી. આ વિવાદ 27 વર્ષથી ચાલી રહ્યો હતો. જેમાં ગત 23 જાન્યુઆરીએ બંને સમાધાન થયું હતું. જોકે રવિવારે સાંજે ફરીથી બંને ભાઇવચ્ચે ઝઘડો થતાં બંનેએ પોતપોતાના માણસોને બોલાવ્યા હતા. જે બાદ બંને પક્ષો હથિયારો સાથે રોડ પર મારામારી કરવા લાગ્યા હતા. દરમિયાન નીકી પિસ્તોલ લઇને આવ્યો અને બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં ફઈક આલમ તિર્મિઝી, તાજુમલ આલમ, મોહનિસ તીર્મિઝીને ઇજાઓ પહોંચી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.
ફાયરિંગ અંગે FSLના રિપોર્ટ બાદ જાણી શકાશે : ACP
આ અંગે એસીપી મિલાપ પટેલે જણાવ્યું હતું કે, શાહઆલમ દરગાહની પાછળ આવેલી જમીન બાબતે બંને ભાઈઓ વચ્ચે ઝઘડો થયો હતો. પોલીસને જાણ થતાં પોલીસ તાત્કાલીક પહોંચી હતી અને સમગ્ર વિસ્તારમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે. જે લોકોની સંડોવણી છે તેમની તપાસ શરૂ કરી છે. આ સિવાય ઇજાગ્રસ્તોના તેમજ અન્ય વ્યક્તિઓના નિવેદન મેળવવામાં આવી રહ્યાં છે. બીજા લોકોના પણ નિવેદન લેવામાં આવી રહ્યા છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ જોતા એક પિસ્તોલ જેવું હથિયાર જણાઇ આવ્યું છે. ફયરિંગ થયું છે કે કેમ એફ્એસએલ ચકાસણી બાદ જ જાણી શકાશે. હથિયારનો ઘટનામાં ઉપયોગ થયાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યા બાદ આરોપી અને તેના સાગરીતો સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરાઇ છે.


