વન વિભાગે સિંહણને પાંજરે પુરવા અલગ અલગ જગ્યાએ પીજરા ગોઠવ્યા
અમરેલી જિલ્લામાં દિન-પ્રતિદિન વન્યપ્રાણીઓનો આતંક વધતો જાય છે. છેલ્લાં ૬ મહિનામાં સિંહ-દીપડાએ બાળકને ફાડી ખાધાની ઘટના અનેકવાર બનવા પામી છે. ત્યારે ફરી એકવાર સાવરકુંડલાના લુવારા ગામની સીમમાં બાળક સાંજના સમયે રમતો હતો ત્યારે એક સિંહણ આવી ચડી હતી અને આ બાળક કંઈ સમજે તે પહેલા તો સિંહણે બાળક પર હુમલો કરી દીધો હતો. જે બાદ બાળકને દૂર સુરજવડી નદી કાંઠે સિંહણ લઈ ગઈ હતી. બીજી તરફ બાળકના પરિવારજનોને જાણ થતાં જ વનવિભાગને જાણ કરવામાં આવી હતી. જેને પગલે વનવિભાગની ટીમો દોડી આવી હતું. સિંહણ શોધવા માટે વનવિભાગે ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન સિંહણનું લોકેશન મેળવ્યું હતું. ઉપરાંત તે જ વિસ્તારમાં સિંહણના ૨ બચ્ચા પણ હતા. જેના કારણે વનવિભાગમાં ભારે દોડધામ મચી હતી. વનવિભાગ દ્વારા આખી રાત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે વન વિભાગને બાળકના કેટલાક અવશેષો મળ્યા હતા. જેથી માસૂમ બાળકનો મૃતદેહ મોડી રાતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં પીએમ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ખેતીકામ કરતા પરિવારના માસૂમ બાળકને સિંહો ફાડી ખાધો હતો, જેથી પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. વનવિભાગે પંચનામાની કામગીરી કરી પરિવારના નિવેદનો લઈ કાર્યવાહી હાથ ધરી હતી. સાવરકુંડલા રેન્જ વનવિભાગની ટીમે સિંહણનું લોકેશન મેળવી લીધું હતું. જોકે, ૨ સિંહબાળ પણ નજીકના વિસ્તારમાં જ હતા જેના કારણે રેસ્ક્યુ ઓપરેશન રાતભર ચાલ્યું હતું. વનવિભાગની ટીમોએ અલગ અલગ વિસ્તારમાં પાંજરા ગોઠવી સિંહણને પાંજરે પુરવા માટેની કવાયત શરૂ કરી હતી. આખી રાત ઓપરેશન ચાલ્યા બાદ વનવિભાગની ટીમને વહેલી સવારે સફળતા મળી હતી અને સવારે ૫ વાગ્યા આસપાસ સિંહણ અને ૨ બચ્ચાને પાંજરે પુર્યા હતા. આમ, અમરેલી જિલ્લામાં સિંહ-દીપડા હવે માનવીઓ પર હુમલા કરતા હોવાથી જંગલ વિસ્તાર નજીક રહેતા લોકોમાં ભારે ભયનો માહોલ છવાયો છે.


