- હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે ડિજિટલ મેપ બનાવ્યો
- પહાડી વિસ્તારોમાં અકસ્માતની શક્યતા ઘણી ઘટી જશે
- દરેક એરક્રાફ્ટમાં લગાવાશે ‘મેડ ઇન ઇન્ડિયા’ ડિજિટલ મેપ
ભારત તેની વ્યૂહાત્મક ક્ષમતાઓમાં સતત વધારો કરી રહ્યું છે. આવી સ્થિતિમાં તેમનું ધ્યાન ઉપકરણોને વધુ સારું બનાવવા પર કેન્દ્રિત છે. આ જ કારણ છે કે હવે ફાઇટર પ્લેનમાં મેન્યુઅલ મેપની જગ્યાએ ડિજિટલ મેપ હશે. આ ડિજિટલ મેપ ફાઈટર એરક્રાફ્ટ ઉડતા પાઈલટ્સ માટે ઘણી મુશ્કેલીઓ હળવી કરશે. તેના દ્વારા પાયલોટ જાણી શકશે કે તે કયા લોકેશન પર છે. આ ઉપરાંત આ ડિજિટલ મેપ પહાડી વિસ્તારોમાં પાયલોટની મુસાફરીને પણ સરળ બનાવશે. આ નકશાની વિશેષતા એ છે કે તેની સાથે હવે કોઈ પાઈલટ ભૂલથી પણ સરહદ પાર નહીં કરે.
જૈશના આતંકવાદી કેમ્પ બાલાકોટને નષ્ટ કર્યા પછી, જ્યારે પાકિસ્તાનના લડાકુ વિમાનોએ ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે ભારતીય વાયુસેનાએ જડબાતોડ જવાબ આપ્યો. બંને વાયુસેનાના લડવૈયાઓ વચ્ચે આકાશમાં ડોગ ફાઈટ પણ થઈ હતી. આ દરમિયાન ગ્રુપ કેપ્ટન અભિનંદને પાકિસ્તાનના F-16 ફાઈટર પ્લેનનો પીછો કરતા LOC પાર કરી લીધી હતી. હવે આવું ન થાય તે માટે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે ડિજિટલ મેપ બનાવ્યો છે.
પહાડી વિસ્તારોમાં પાયલોટને કરશે એલર્ટ
હવે જ્યારે પાયલોટ ઉડાન ભરશે, ત્યારે તેની સામે કોકપિટ ડિસ્પ્લે પર એક નકશો હશે. તેના નેવિગેશનની મદદથી પાયલોટ જાણી શકશે કે તેનું લોકેશન ક્યાં છે અને તે કઈ દિશામાં આગળ વધી રહ્યો છે. આ લોકલ મેપ માત્ર વિસ્તાર જ જણાવતો નહિ હોય પરંતુ તે એ પણ માહિતી આપે છે કે જો પાયલોટ પહાડી વિસ્તારમાં હોય તો તે તેણે પહેલેથી એલર્ટ કરે છે. આ સિસ્ટમ એ પણ જણાવે છે કે એરક્રાફ્ટને કેટલી ઉંચાઈએ રાખવાનું છે અને તે કેટલું નીચે જઈ શકે છે. જેના કારણે પહાડી વિસ્તારોમાં અકસ્માતની શક્યતા ઘણી ઘટી જાય છે.
દરેક એરક્રાફ્ટમાં લગાવાશે ‘મેડ ઇન ઇન્ડિયા’ ડિજિટલ મેપ
હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના એન્જિનિયરિંગ અને આરએન્ડડી ડિરેક્ટર ડીકે સુનિલે જણાવ્યું હતું કે જેમ જેમ એરક્રાફ્ટ આગળ વધે છે તેમ ડિજિટલ મેપ પણ મૂવ થાય છે. તેનાથી જાણી શકાય છે કે તમે ક્યાં છો અને તમારું પ્લેન ક્યાં છે. તેમણે જણાવ્યું કે ડિજિટલ મેપના સોફ્ટવેર અને હાર્ડવેર બધા દેશમાં જ બનેલા છે. દરેક એરક્રાફ્ટમાં આ ઇન્સ્ટોલ કરવામાં આવશે. વાસ્તવમાં, સરળ દેખાતો નકશો વાયુસેના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે, જો કે, આ પ્રકારના ડિજિટલ નકશા પહેલા વિદેશમાં બનતા હતા, પરંતુ હવે તે દેશમાં બનવા લાગ્યા છે. આ ઘણી મોટી સિદ્ધિ કહી શકાય.


