- નડિયાદમાં શખ્સે જીવન ટૂંકાવ્યું
- સુસાઈડ નોટમાં કુલ 14 લોકો પર કર્યો આક્ષેપ
- ખેતરમાં બેભાન હાલતમાં મળી આવ્યા મૃતક
નડિયાદ તાલુકાના દાવડા ગામે પથુખાડ વિસ્તારમાં એક વ્યક્તિએ તેના સમાજના લોકોના ત્રાસથી કંટાળીને આત્મઘાતી પગલું ભર્યું છે. વ્યક્તિએ કોઈ ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો છે. જોકે આ પહેલા મૃતકે સ્યૂસાઈડ નોટ લખી હતી. જેમાં તેણે પોતાના સમાજના પ્રમુખ-ઉપપ્રમુખ, કમીટી સભ્યો મળી કુલ 14 લોકોએ મરવા મજબૂર કર્યો હોવાનું જણાવ્યું છે. સમાજના પ્રમુખ-ઉપપ્રમુખ, કમીટી સભ્યોએ મૃતકને સમાજના પ્રસંગોમાં નહીં બોલાવતા અને ત્રાસ આપતા હોવાનું સ્યૂસાઈડ નોટમાં લખી આપઘાત કર્યો છે. આ બનાવ સંદર્ભે વસો પોલીસ મથકે દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો છે.
નડિયાદ તાલુકાના દાવડા ગામે પથુખાડ વિસ્તારમાં 51 વર્ષિય મફતભાઈ ચંદુભાઈ પરમાર રહે છે. તેઓ 3 ભાઈઓ અને 5 બહેન છે. સૌથી નાનાભાઈ કનુભાઈ ચંદુભાઈ પરમાર છે. ગત 15મી ડિસેમ્બરના રોજ આ મફતભાઈની માતા ગજરાબેનને જાણ થઈ હતી કે, તેમનો નાનો પુત્ર કનુભાઈ પરમાર ભાટવાળા ખેતરમાંથી રીક્ષા ચલાવી આવતા હતા ત્યારે ખેતરમાં ઊધો પડેલ હાલતમાં છે. જેથી ગજરાબેન તુરંત દોડી આવ્યા હતા અને કનુભાઈ બેભાન હોય નજીકમાંથી ઝેરી દવાની બોટલ પણ હતી. આ ઉપરાંત કનુભાઈના મોઢામાંથી સફેદ પ્રવાહી પણ નીકળતુ હોય ચોક્કસ દવા પી લીધી હોવાનું જાણવા મળ્યું હતું.
આ બાદ ગજરાબેને તુરંત આસપાસના વ્યક્તિઓની મદદ મેળવી કનુભાઈને ખેતરમાંથી બહાર કાઢ્યા હતા. અને અન્ય રીક્ષા મારફતે પોતાના ઘરે લાવ્યા હતા. બાદમાં મોટા પુત્ર અને ઘરના અન્ય સભ્યોને જાણ કરતા મફતભાઈએ તુરંત 108 એમ્બ્યુલન્સને જાણ કરી નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. આ બાદ ટૂંકી સારવાર દરમિયાન કનુભાઈ મરણ ગયા હતા. જે બાદ વસો પોલીસને જાણ કરવામાં આવતા વસો પોલીસે પીએમ કરાવી મૃતદેહ પરિવારજનોને સોંપ્યો હતો.
પોલીસે મૃતક કનુભાઈ પરમારનો મોબાઇલ કબ્જે કર્યો હતો અને બનાવ વાળી જગ્યાએ પહોંચી પંચનામું કર્યુ હતુ. આ દરમિયાન અહીયા હાજર કનુભાઈની રીક્ષા હોય સ્ટેરીંગ વાળા ખાનામાંથી એક સ્યૂસાઈડ નોટ મળી આવી હતી. જેમાં કનુભાઈએ 14 વ્યક્તિઓના નામ જોગ કહ્યું કે આ મારા સમાજના પ્રમુખ-ઉપપ્રમુખ, કમીટી સભ્યો છે. આ તમામે ‘હુ સમાજ ભેગો કરુ તેમ છતાં મને સમાજમાં લેવાની મંજૂરી આપતા ન હોય અને કમિટી બનાવી ત્રાસ આપી રહ્યા છે, મારા સગાભાઈના દીકરાનુ લગ્ન કર્યુ તોય સમાજવાળાએ ધમકી આપી મારા છોકરાને બોલાયા નહીં એટલી હદ કરી ત્રાસ આપતાં હુ મરી જવાનું પસંદ કરુ છુ, તેવી મારા કુટુંબને જાણ કરુ છુ’ તેમ લખ્યું હતું. જેથી આ સંદર્ભે મૃતકના મોટાભાઈ મફતભાઈ પરમારે ઉપરોક્ત 14 વ્યક્તિઓ સામે નામજોગ વસો પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે દુષ્પ્રેરણનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બબુભાઈ ભાથીભાઈ પરમાર, અરવિંદભાઈ ચંદુભાઈ મકવાણા, મંગળભાઈ ડાહ્યાભાઈ પરમાર, ફુલાભાઈ નાથાભાઈ પરમાર, રમણભાઈ મોતીભાઈ પરમાર, નટુભાઈ મંગળભાઈ પરમાર, ફતેસિંગ રાયસીંગભાઇ પરમાર, બુધાભાઈ મોતીભાઈ પરમાર, બુધાભાઈ ધીરાભાઈ પરમાર, રમેશભાઈ બબુભાઈ પરમાર, રવિન્દ્રભાઈ અરવિંદભાઈ મકવાણા, બાબુભાઈ ભાવાભાઈ, જીવાભાઇ મંગળભાઈ અને રાયસીંગભાઇ ગોતાભાઇ (તમામ રહે.દાવડા) આ તમામ સામે ફરિયાદ નોંધાઈ છે. મૃતકે પોતાના મોબાઈલ ફોનમાં પણ સ્યૂસાઈડ નોટનો ફોટો પાડી દીધો હતો.


