- અમેરિકાના વસેલા ભારતીયો કરશે વિશાળ રેલીનું આયોજન
- 400 ગાડીઓ દક્ષિણ બેથી આઇકોનિક ગોલ્ડન ગેટ બ્રિજ સુધી જશે
- ‘કેલિફોર્નિયા ઈન્ડિયન્સ’ જુથ દ્વારા કરાયું ભવ્ય આયોજન
ભારતીય-અમેરિકન પ્રવાસી અયોધ્યામાં રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમની ઉજવણી કરવાની તૈયારીઓ કરી રહ્યા છે. જેના માટે દેશભરમાં કાર રેલીઓનું આયોજન કરવાની યોજના છે. ‘કેલિફોર્નિયા ઈન્ડિયન્સ’ જુથ ‘ભગવાન શ્રી રામ જીના ઘર વાપસી’ની ઉજવણી કરવા માટે 20 જાન્યુઆરીએ એક ખાસ કાર રેલીનું આયોજન કરવા જઈ રહ્યું છે. આયોજકોએ જણાવ્યું હતું કે રેલીમાં 400 થી વધુ કાર ભાગ લેશે. આ ગાડીઓ દક્ષિણ બેથી આઇકોનિક ગોલ્ડન ગેટ બ્રિજ સુધી રેલી કાઢશે.
આયોજકોએ એક પ્રેસ રીલીઝમાં કહ્યું છે કે ભારતના આધુનિક ઇતિહાસમાં સૌથી મોટી અને ગૌરવપૂર્ણ ઘટનાની ઉજવણી કરવા માટે નોર્થ કેલિફોર્નિયામાં વસવાટ કરી રહેલા ભારતીયો એક સાથે આવી રહ્યા છે. સમગ્ર અમેરિકાના સ્થાનિક મંદિરો અને પ્રવાસી સંગઠનો 22 જાન્યુઆરી પહેલા વિશેષ કાર્યક્રમ આયોજિત કરવાની યોજના બનાવી રહ્યા છે.
છેલ્લા કેટલાક સપ્તાહોથી વોશિંગ્ટન, શિકાગો અને અન્ય અમેરિકી શહેરોમાં કાર રેલીઓ આયોજિત કરવામાં આવી રહી છે. આયોજકોએ જણાવ્યું કે રોહિત શર્મા, મણિ કીરણ, પરમ દેસાઈ, દૈપાયન દેબ, દીપક બજાજ અને બિમલ ભાગવત સહિતના સમુદાયના નેતાઓ કેલિફોર્નિયામાં રેલીનું આયોજન કરી રહ્યા છે.
આયોજકોનું કહેવું છે કે અમે અયોધ્યા નથી જઈ શકતા પરંતુ રામ અમારા હૃદયમાં છે અને તેમની ઘરવાપસી માટે આ અમારું યોગદાન અને સમર્પણ છે.
ટાઈમ સ્ક્વેર ખાતે થશે પ્રાણ પ્રતિષ્ઠાનું લાઈવ સ્ક્રિનિંગ
રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું 22 જાન્યુઆરીએ અમેરિકાના પ્રખ્યાત ટાઇમ્સ સ્ક્વેર ખાતે લાઇવ પ્રદર્શિત કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રથમ વખત ટાઈમ્સ સ્ક્વેર પર કોઈ ભારતીય કાર્યક્રમનું લાઈવ સ્ક્રીનિંગ થશે. આ પહેલા ભારતે ટાઈમ્સ સ્ક્વેર ખાતે છ મોટા કાર્યક્રમોનું આયોજન કર્યું છે.


