- સાધના કરતો હોય ત્યારે સાધક પોતે પરમાત્માનો અંશ બની જતો હોય છે
ઉજ્જૈન નગરીની આ વાત છે
ઘણા સમય પહેલાં ત્યાં સંગ્રામસિંહનું શાસન ચાલતું હતું. એના રાજ્યમાં એક વૃષભ શેઠ નામના શ્રીમંત શેઠ રહેતા હતા. શ્રીમંત હતા, પણ શ્રીમંતાઈને પચાવેલી હતી. જોકે, ગામના વ્યાપારી વર્ગમાં એમની હાક વાગતી. ગામના વ્યાપારસંબંધી ચર્ચા વિચારણામાં વૃષભ શેઠના અભિપ્રાયની નોંધ લેવાતી.
એનાં લગ્ન જયસેના નામની સુંદર કન્યા સાથે થયેલાં. બેયની જોડી સારસ પક્ષીના જેવી ગણાતી. એકબીજા વગર જીવી ન શકે. એમનાં લગ્નને સાત વરસનાં વહાણાં વીતી ગયેલાં પણ હજુ સુધી ખોળાના ખૂંદનારની કમી હતી.
એક રાતે પતિ-પત્ની શાંતિથી બેઠાં છે. અલકમલકની વાતો ચાલે છે. આનંદપ્રમોદનો અનુભવ કરી રહ્યા છે. આનંદની અનુભૂતિ વચ્ચે કડવાશ ક્યાંક નજર આવી. જયસેનાના દિમાગમાં બાળકના કિલ્લોલનો અભાવ ખટકતો હતો. એ સમજતી હતી કે આ તો કુદરતી છે. કોઈના ઘેર બાળકોની ફોજ હોય અને કોઈના ઘેર સમખાવા પણ એક બાળક ન હોય! કોઈ શું કરી શકે? જયસેનાની આંખ આંસુઓથી ઊભરાઈ રહી.
બાજુમાં જ બેઠેલા વૃષભ શેઠે એને આશ્વાસન આપ્યું – ચિંતા ન કર, આપણા અંતરાય કર્મ એક દિવસ અવશ્ય તૂટશે. આપણા આંગણામાં એક દિવસ અવશ્ય બાળકના કિકિયારી સાંભળવા મળશે.
જયસેના કહે છે, નાથ આપની વાત સાચી હશે, પણ હવે આવાં આશ્વાસનોથી સંતોષ થતો નથી. ઊલટો અંતરને દઝાડે છે. અસંતોષથી દાઝવા કરતાં સંતોષ કેળવવો સારો. નાથ મારી એક વાત માનો તો આપને કહું. જયસેનાએ પોતાની આંખ લૂછતા પોતાના પ્રાણનાથને કહ્યું.
સાત વરસથી આપણી આ ઝંખના અધૂરી રહેલી છે. મને લાગે છે મારાં ભાગ્યમાં સંતાનનું સુખ લખાયેલું નથી. મારી ઇચ્છા છે કે તમે બીજી કન્યા સાથે લગ્ન કરો, એ તમને અવશ્ય પિતા બનાવશે.
વૃષભ શેઠ કહે છે, પાગલ છે, જો મારાં ભાગ્યમાં હોત તો તારાથી સંતાન મળી જ શકત, પણ મારાં જ ભાગ્યમાં ન હોય તો તારે શા માટે દુઃખી થવું જોઈએ?
જયસેના માની નહીં, એણે કહ્યું એના સુખમાં હું વચ્ચે નહીં આવું, તમે બીજાં લગ્ન કરી લો.
જયસેનાએ પોતે જ પોતાની શૌક્યની પસંદગી કરી લીધી. એ જ નગરની એક કન્યા ગુણસુંદરી એને ગમી ગઈ. સરસ સૌંદર્યવતી તો હતી જ અને જેવો દેખાવ છે એવો જ એનો સ્વભાવ પણ હશે જ આવી એણે કલ્પના કરેલી. જોકે, ક્યારેક કલ્પના પણ ખોટી પડતી હોય છે, પણ એ વાત અલગ છે.
જયસેના, ગુણસુંદરી અને વૃષભ શેઠનો સંસારરથ સરસ રીતે આગળ વધી રહ્યો છે. એવામાં ગુણસુંદરીના શરીરમાં ફેરફાર દેખાયો. આગમનાં એંધાણ દેખાયાં. ગુણસુંદરીના શરીરે ભાવિ બાળકના આગમનની આલબેલ પોકારી. બંને આનંદસાગરમાં ડૂબકી ખાવાં લાગ્યાં.
ઘરમાં એક નવા આનંદનો સંચાર થયો. હજુ સુધી ઘરમાં કોઈ વ્યક્તિનો વધારો કે ઘટાડો થયો નથી, પણ ભાવિની મંગલ કલ્પના વાતાવરણને કેવી મધુર બનાવે છે! આપણા મનની આ કેવી અવળચંડાઈ છે. સારી કલ્પના કરીને આનંદિત થઈ જાય અને ક્યારેક કોઈ જાતનાં કારણ વગર પણ નઠારી કલ્પના કરીને દુઃખી પણ થઈ જાય! બાળકનો જન્મ થયો. માતાપિતાએ એનું નામ પાડ્યું મનમોહન. ત્રણે જણના મનને આનંદ કરાવતો એનો સ્વભાવ હતોને! સ્વભાવની તો હવે ખબર પડશે, પણ ત્રણેની કલ્પના તો આજ છેને કે આપણને આનંદ આપશે. મોટો થઈ રહ્યો છે. આનંદ અને કિલ્લોલનું વાતાવરણ છે.
એક દિવસ ગુણસુંદરી એની માતાને મળવા માટે ગઈ. ઘણા દિવસે મા-દીકરી મળ્યાં. પેટ ભરીને વાતો કરી. એમાં બંધુશ્રીએ દીકરીને પૂછ્યું, તારા ઘરસંસારમાં તું સુખી છેને?!
મુંડન કરાવીને વાર પૂછવો, પાણી પીધા પછી કુળ પૂછવાનો કોઈ અર્થ ખરો! શૌક્યના કૂખની જાણ હોવા છતાં દીકરીના સુખની ચિંતા કર્યા વગર લગ્ન કરાવી દીધાં હવે સુખની વાત કેવી રીતે કરો છો?
એના ઘરમાં પતિ સારી રીતે રાખે છે અને શૌક્ય સગી બહેન જેવો વ્યવહાર કરે છે છતાં માણસને ફરિયાદ કરવાની આદત હોય તો શું થાય? મનથી દુઃખી થવાની જ આદત પડેલી હોય એને સુખી કોણ કરી શકે? બંધુશ્રી પૂછે છે શું વાત છે? શું તકલીફ છે?
મારી તકલીફની શું વાત કરવી? ઘરમાં મારી કોઈ કિંમત નથી. આખા ઘરનો પૂરો કારોબાર પેલી મોટી જ સંભાળે છે. ઘરનાં બધાં કામો મારે કરવાનાં. એ બેય જણાં વાતો કર્યાં કરે. મને બધામાં આઘી રાખે.
ઠીક છે, તું તારા ઘરે જા તારા માટે હું આગળનો પ્લાન બનાવું છું. હવે તું નિશ્ચિંત થઈ જા.
ગુણસુંદરી એના ઘેર ગઈ છે.
વૃષભ શેઠ અને જયસેનાએ એનું સ્વાગત કર્યું. ગુણસુંદરીએ એની માને જે વાત કરેલી એનો કોઈ અણસારમાત્ર પણ આવવા દેતી નથી.
જયસેનાએ ઘરનો બધો ચાર્જ ગુણસુંદરીને સોંપી દીધો. એને તો હવે ધર્મની આરાધના સાધના કરવાની અને સમય મળે ત્યારે બાળકને સંભાળવાનું. બંધુશ્રીના મગજમાંથી ગુણસુંદરીની વાતો ચકરાવા લઈ રહી છે. મારી દીકરી અંદરથી દુઃખી હોય તો મારાથી કેવી રીતે શાંતિથી બેસી શકાય?
એક કાપાલિક એના ઘેર ભિક્ષા લેવા આવ્યો. બંધુશ્રીએ ભાવથી એમને ભિક્ષા આપી. બીજા દિવસે પણ આવ્યો, બીજા દિવસે પણ ભિક્ષા આપી અને સાથે કહ્યું કે રોજ મારા ઘેર ભિક્ષા લેવા આવજો. આપને ભિક્ષા આપીને હું ધન્ય બનીશ. લગભગ એક મહિના સુધી બંધુશ્રીએ કાપાલિકને ભિક્ષા આપીને પ્રસન્ન કર્યા. એમણે બંધુશ્રીને પૂછ્યું બોલો, તમારી શું ઇચ્છા પૂરી કરી આપું? એણે ગુણસુંદરીની વાત કરી. જયસેનાના કારણે એને તકલીફ છે. એના માટે તમે શું કરી શકો? મારી તો ઇચ્છા છે જયસેનાને.
તારી ઇચ્છા પ્રમાણે થઈ જશે. મારી શક્તિને હું આદેશ કરીશ એટલે તમારું કામ પતી જશે.
કાપાલિક મેલીવિદ્યાનો સાધક હતો. એ જંગલમાં ગયો. એક તાજું શબ લાવ્યો. એના ઉપર વિધિ ચાલુ કરી. મંત્રોચ્ચાર ચાલુ છે. સામે હવનકુંડ છે. હવન ચાલુ છે. જાપ એની પરાકાષ્ઠાએ પહોંચે છે. શક્તિ જાગ્રત થાય છે. આદેશ આપો, શું સેવા કરું? કાપાલિકે આદેશ કર્યો, જયસેનાને પતાવી આવો.
શક્તિ ત્યાં જાય છે. જયસેના એ સમયે પોતાની આત્મસાધનામાં વ્યસ્ત છે. ચિત્તમાં પરમાત્માને સ્થિર કરેલા છે. જયસેનાની નજીક જવાનું શક્તિ પાસે સામર્થ્ય નથી. વિરુદ્ધ લોહચુંબક કેવું સામે ફેંકે! એવી રીતે શક્તિ દૂર ફંગોળાય છે.
છેવટે શક્તિ પાછી આવે છે. કાપાલિકે પૂછ્યું, કામ થઈ ગયું? એણે માથું ધુણાવ્યું. બીજા દિવસે, ત્રીજા દિવસે મોકલી, પણ પરિણામ કંઈ આવ્યું નહીં.
ચોથા દિવસે કાપાલિકે વધારે `કડક’ સાધના કરી આદેશ પણ જોશપૂર્વક કર્યો. તાકીદ કરી આજે તો ગમે તેમ કરીને પણ કામ પતાવીને જ આવજે. કદાચ જયસેનાને મારી ન શકે તો જે દુષ્ટ હોય એને મારજે, પણ માર્યા વગર ન આવીશ.
શક્તિ ગઈ. જયસેનાનો નિત્યનો આત્મસાધનાનો સમય છે. આરાધના કરતી વખતે પરમાત્મામાં ચિત્તને પરોવેલું જ હોય અને આવી રીતે કોઈ પણ જ્યારે સાધના કરતો હોય ત્યારે સાધક પોતે પરમાત્માનો અંશ બની જતો હોય છે એ વખતે આવી કોઈ મેલી શક્તિ કામ કરી શકે નહીં. જયસેનાનો વાળ પણ વાંકો કરી શકતી નથી.
કાપાલિકનો આદેશ છે આજે `કામ’ કર્યા સિવાય પાછા જવાનું નથી. હવે એ સમયે ઘટના એવી બની કે ગુણસુંદરીને પણ ઊઠવાનો સમય થયો છે. ઘરના વાડા તરફ જઈ રહી છે એ સમયે એણે વાડામાં જ પકડી ત્યાં ને ત્યાં રામશરણ થઈ ગઈ. એ તો પડી. મોટો અવાજ સંભળાયો. રાતનો સમય, નાનો અવાજ પણ મોટો સંભળાય. બધા ભેગા થઈ ગયા. હો-હા મચી ગઈ શું થયું? શું થયું?
એવામાં બંધુશ્રી પણ ત્યાં આવી. એને એમ કે જયસેના ગઈ. અહીં તો ઊંધું થયું છે, એણે જોયું ગુણસુંદરી ગઈ, હવે શું? એણે રાજા પાસે ફરિયાદ કરી. મારી દીકરીને આણે મરાવી છે. રાજાએ સિપાહીઓને મોકલ્યા. જયસેનાને પકડીને લાવ્યા. રાજાએ પૂછ્યું, શા માટે તેં ગુણસુંદરીને મારી?
જયસેના જવાબ આપતી નથી. મેં નથી મારી એમ કહીશ તો કોઈ માનશે નહીં. નવકાર મંત્રનું સ્મરણ કરે છે. કાપાલિક ત્યાં આવે છે. કહે છે, જયસેના નિર્દોષ છે. ગુણસુંદરી જ દુષ્ટ હતી, એટલા માટે શક્તિએ એને મારી છે. જયસેના ઉપર પુષ્પવૃષ્ટિ થાય છે.
હંમેશાં અસત્યને મરવું પડતું હોય છે, ક્યારેક કદાચ થોડી વાર માટે અસત્યનું પલડું ભારે લાગતું હશે, પણ અંતે તો એની હાર જ થતી હોય છે. આ વાત ભૂલવા જેવી નથી.