– સ્થાનિક ગ્રાહકો માટે પોષણક્ષમ ભાવે ડુંગળીની પૂરતી ઉપલબ્ધતા જાળવવા ભરાયેલું પગલુ
Updated: Oct 31st, 2023
નવી દિલ્હી : સ્થાનિક બજારમાં ડુંગળીની ઉપલબ્ધતા વધારવા અને ભાવને અંકુશમાં લેવા માટે સરકારે રે ૩૧ ડિસેમ્બર સુધી તેની નિકાસ પર પ્રતિ ટન ૮૦૦ ડોલરની લઘુત્તમ નિકાસ કિંમત (એમઈપી) નક્કી કરી છે. આ નિર્ણય અમલી થઈ ગયો છે.
આ ઉપરાંત, સરકારે બફર સ્ટોક માટે વધારાના ૨ લાખ ટન ડુંગળીની ખરીદી કરવાની પણ જાહેરાત કરી છે, જે પહેલાથી પ્રાપ્ત કરાયેલ ૫ લાખ ટન ઉપરાંત હશે. બેંગલુરુ રોઝ અને કૃષ્ણપુરમ ડુંગળી સિવાય ડુંગળીની તમામ જાતો માટે એમઈપી અસ્તિત્વમાં છે.
ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડે એક નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે, ૩૧ ડિસેમ્બર, ૨૦૨૩ સુધી વિદેશમાં નિકાસ થતી ડુંગળી માટે એમઈપી હવે વધારીને ૮૦૦ ડોલર પ્રતિ ટન કરવામાં આવી છે.
આ પગલું સ્થાનિક ગ્રાહકો માટે પોષણક્ષમ ભાવે ડુંગળીની પૂરતી ઉપલબ્ધતા જાળવવામાં મદદ કરશે કારણ કે રવી ૨૦૨૩ માટે સંગ્રહિત ડુંગળીનો જથ્થો ઘટી રહ્યો છે. ડુંગળી માટે ૮૦૦ ડોલર પ્રતિ ટન એમઈપી લગભગ રૂ. ૬૭ પ્રતિ કિલો છે.
અત્યાર સુધીમાં બફર સ્ટોકમાંથી લગભગ ૧.૭૦ લાખ ટન ડુંગળીનો નિકાલ કરવામાં આવ્યો છે. બફર સ્ટોકમાંથી ડુંગળીની સતત ખરીદી અને નિકાલ ગ્રાહકોને ભાવને નિયંત્રિત કરવા અને ડુંગળીના ખેડૂતોને લાભકારી ભાવ સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવે છે. ઓછા પુરવઠાને કારણે રાષ્ટ્રીય રાજધાનીના છૂટક બજારમાં ડુંગળીના ભાવ વધીને ૬૫-૮૦ રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે.