- સંયુકત રાષ્ટ્ર સંઘ દ્વારા 2024ના વર્ષને આંતરરાષ્ટ્રીય ઊંટ વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે
- ભુજના સ્મૃતિવન ખાતે આયોજિત કાર્યક્રમમાં ઊંટડીના દૂધના ફાયદા અંગે સંવાદ કરાયો
- વર્ષ 2019માં સરહદ ડેરીને ઊંટ ઉછેરકોના સમૃદ્ધિ માટે સૂચનો કર્યા હતા
સંયુકત રાષ્ટ્ર સંઘ દ્વારા ઊંટ વર્ષ તરીકે ઉજવણી કરવાની જાહેરાત કરવામાં આવી છે,આજે ભુજના સ્મૃતિવન ખાતે ઊંટડીના દૂધ અંગે રાષ્ટ્રીય કોન્ફરસ યોજાઈ હતી જેમાં નેશનલ રિચર્સ સેન્ટર બિકાનેર, કામધેનુ યુનિવર્સિટી , પશુપાલન વિભાગ , ઊંટ ઉછેરક માલધારી સંગઠન સહિતની સંસ્થાઓ જોડાઈ હતી.ઊંટ મિલ્ક કોન્ફરસમાં ઊંટડીના દૂધમાં રહેલા ગુણકારી તત્વો વિષે માહિતી આપવામાં આવી હતી.સાથે જ ભારતના નામાંકિત ડોકટરો જે ઊંટડીના દૂધ અંગે પ્રિસ્ક્રાઈબ કરતાં હોય છે તેવા ડોક્ટર દ્વારા ઊંટડીના દૂધ અંગે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.
પ્રોસેસિંગ પ્લાન્ટ કચ્છમાં
ભારત પ્રથમ ઊંટડીનાં દૂધનો પ્રોસેસિંગ પ્લાન્ટ કચ્છમાં આવેલો છે,સરહદ ડેરી ઊંટડીનું દૂધ કલેક્શન કરી બાદમાં પ્રોસેસિંગ કરી અમુલ કેમલ મિલ્કનાં નામથી માર્કેટમાં વેચાણ કરે છે. સાથે જ કેમલ મિલ્કમાંથી ચોકલેટ,આઈસ્ક્રીમ,મિલ્ક પાવડર માર્કેટમાં વેચાણ કરવામાં આવી રહયું છે જેના કારણે ઊંટ પાલકોને મોટો ફાયદો થયો છે,ઊંટડીનું દૂધ ઔષધીય માનવામાં આવે છે.ડાયાબિટીસ,બ્લડપ્રેશર અને કેન્સર જેવી બિમારીમાં ઊંટડીનું દૂધ અકસીર દવા તરીકે ઉપયોગી થઈ રહ્યું છે.જેના કારણે માર્કેટમાં ઊંટડીના દૂધ માંગ વધી છે.ઊંટડીના દૂધની રાષ્ટ્રીય પરિષદમાં કેમલ મિલ્ક થયેલ રિચર્સ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
માલધારી સંસ્કૃતિ પ્રદર્શન યાત્રા
ભુજમાં યોજાનારા ઊંટ મહોત્સવ-2024 કાર્યક્રમમાં માલધારી સંસ્કૃતિ પ્રદર્શન યાત્રા યોજાશે. જેમાં ઊંટ સાથે સંકળાયેલા સમુદાયોની જીવનશૈલી, સંસ્કૃતિ, હસ્તકળા, ગીત-સંગીત, ઊંટ ઉછેર પદ્ધતિ, કેમલ મિલ્ક ડેરી, કેમલ પ્રોડક્ટ જેવી બાબતો પ્રદર્શિત કરવામાં આવશે. આ પ્રદર્શન યાત્રામાં અનેક ઊંટગાડીઓ પર એક્ઝિબિશન ટેબ્લો તૈયાર કરીને ભુજના જાહેર માર્ગો પર ફેરવવામાં આવશે.
PMએ કર્યા હતા સૂચનો
ઊંટ મહોત્સવ-2024માં કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રુપાલાની વિશેષ ઉપસ્થિતિ રહેશે.PM નરેન્દ્ર મોદીએ વર્ષ 2019માં સરહદ ડેરીને ઊંટ ઉછેરકોના સમૃદ્ધિ માટે સૂચન કર્યા હતા. માલધારીઓના 200 જેટલા યુવકો ડ્રાઈવર તરીકે રોજગાર રળતા હતા. તેઓ ગામમાં પરત ફર્યા છે અને ઊંટની ખરીદી કરીને પશુપાલન તરફ વળ્યા છે. અગાઉ જે પશુપાલકો ઊંટ વેચી દેતા હતા તેઓ હવે ઊંટ ખરીદતા થયા છે. કચ્છમાં ઊંટ પશુપાલકોનું જીવનધોરણ ઊંચું આવ્યું છે


