- ચીન અને માલદીવને ભારતનો જડબાતોડ જવાબ
- માલદીવ સાથે તંગ સંબંધો વચ્ચે નેવીની ઉપસ્થિતિ મજબૂત બનશે
- લક્ષદ્વીપમાં ભારતીય નૌકાદળની સ્થિતિ વધુ મજબૂત બનશે
ભારત સરકારે એક મોટો નિર્ણય લીધો છે, જેનાથી માલદીવ અને ચીનને ઝાટકો લાગશે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે લક્ષદ્વીપના અગાતી અને મિનિકોય ટાપુઓ પર નેવલ બેઝ બનાવવાનું નક્કી કર્યું છે. તેનાથી લક્ષદ્વીપમાં ભારતીય નૌકાદળની સ્થિતિ વધુ મજબૂત બનશે. નોંધનીય છે કે છેલ્લા કેટલાક મહિનાથી ભારત-માલદીવ વચ્ચેના સંબંધો તંગદિલી ભર્યા છે. માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇજ્જૂ ચૂંટણી જીત્યા બાદથી ચીનની નજીક સરક્યા છે, જેના કારણે ભારત-માલદીવ સંબંધો વણસ્યા છે. તદુપરાંત, તાજેતરમાં વડાપ્રધાન મોદીએ લક્ષદ્વીપની મુલાકાત દરમિયાન શૅર કરેલી તસવીરો પર માલદીવના કેટલાક પ્રધાનોની અભદ્ર ટિપ્પણીથી પણ મામલો ગરમાયો હતો. લક્ષદ્વીપ અને મિનિકોય ટાપુઓ 9 ડિગ્રી ચેનલ પર સ્થિત છે, જેના માધ્યમથી દક્ષિણ-પૂર્વ એશિયા અને ઉત્તર એશિયાના માર્ગે અબજો ડોલરનો વ્યાપાર થાય છે. મિનિકોય ટાપુ માલદીવથી માત્ર 524 કિ.મી. દૂર છે. કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ INS વિક્રમાદિત્ય અને આઇએનએસ વિક્રાંત વાહક ટાસ્ક ફોર્સ પર સવાર થઈને 4-5 માર્ચે નેવી બેઝ INS જટાયુનું ઉદ્ઘાટન કરવા નૌકાદળના અધિકારીઓ સાથે મિનિકોય જવાના છે.
ગોવાના કારવારથી મિનિકોય ટાપુથી કોચ્ચિ સુધી ટ્રાવેલ કરનારા બે યુદ્ધજહાજ સાથે ભારતીય વિમાનવાહક પર પ્રથમ તબક્કાનું સંયુક્ત કમાન્ડર સંમેલન યોજવા ભારતીય નૌકાદળનું આયોજન છે. બીજા તબક્કાની કમાન્ડર્સ કોન્ફરન્સ 6-7 માર્ચે યોજાશે. મોદી સરકારે મિનિકોયમાં નવી એર સ્ટ્રિપ બનાવવા અને આઇએનએસ જટાયુમાં નૌકાદળના જવાનોને તહેનાત કરવાની યોજના સાથે અગાતીમાં એર સ્ટ્રિપને અપગ્રેડ કરવાનું નક્કી કર્યું છે.


