- ફતેહવાડીમાં પમ્પિંગ સ્ટેશન, 150 MLDનો STP બનાવાશે
- ડ્રેનેજ ઉભરાવાની સમસ્યાના કાયમી ઉકેલ માટે ટનલિંગ પદ્ધતિથી 3 કિમીની ડ્રેનેજ નંખાશે
- S P રિંગ રોડની આસપાસ નવો વિસ્તાર ડેવલપ થઈ રહ્યો છે
AMC દ્વારા શહેરના નવા પશ્ચિમ ઝોનમાં આવેલા શાંતિપુરા સર્કલથી સનાથલ સર્કલ સુધી રૂ. 93 કરોડના ખર્ચે નવી સુઅરેજ ટ્રન્કમેઈન ડ્રેનેજ લાઈન નાંખવામાં આવશે. શાંતિપુરા સર્કલથી સનાથલ સર્કલ સુધીના વિસ્તારમાં S P રિંગ રોડની ફરતે આવેલી સોસાયટીઓમાં ડ્રેનેજ ઉભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે ટનલિંગ પદ્ધતિથી 3 કિ. મી. લાંબી ડ્રેનેજ લાઈન નાંખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ હેતુસર વોટર સપ્લાય કમિટીમાં દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. લગભગ 25 વર્ષના લાંબાગાળાના આયોજન અને ભાવિ જરૂરિયાતને ધ્યાનમાં લઈને લગભગ 1,400 ડાયામીટરની ડ્રેનેજ લાઈન નાંખવા માટે કન્સલ્ટન્ટની નિમણૂંક કરવામાં આવી છે અને ટેન્ડર મંજૂર થયા પછી એકથી દોઢ વર્ષ સુધીમાં આ કામગીરી પૂરી કરવામાં આવશે. ફતેહવાડીમાં પંપીંગ સ્ટેશન બનાવાશે અને 150 MLDનો STP બનાવાશે અને સુઅરેજ નેટવર્ક નાંખવામાં આવશે અને ટ્રીટ કરેલું પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવશે. વોટર સપ્લાય કમિટી ચેરમેન ભરત પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારની AMRUT યોજના અંતર્ગત AMC વિસ્તારોમાં સ્ટેટ લેવલ હાઈ પાવર સ્ટીયરિંગ કમિટી જ્વારા SWAP3 હેઠળ મંજૂર થયેલ કામો પૈકી વેસ્ટર્ન ટ્રંક મેઈન લાઈનના કામ અન્યયે દક્ષિણ- પશ્ચિમ ઝોનમાં S P રિંગ રોડ પર શાંતિપુરા જંક્શનથી સનાથલ જંક્શન સુધી રૂ. 92 કરોડ, 98 લાખના ખર્ચે સુઅરેજ ટ્રંક મેઈન લાઈન નાંખવામાં આવશે. S P રિંગ રોડની આસપાસ નવો વિસ્તાર ડેવલપ થઈ રહ્યો છે અને ઔડાના સમયની લગભગ 20 વર્ષ જૂની ડ્રેનેજ લાઈન આવેલી છે.


