રાજકોટના TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં મોટા સમાચાર સામે આવ્યા છે. અગ્નિકાંડની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશનની ટીમે કોર્ટમાં સ્પે. પીપી. તુષાર ગોકાણી દ્વારા કહ્યું કે, ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવા માટેની કોઇ અરજી જ કોર્પોરેશનમાં કરવામાં નહોતી આવી. 25 મેના રોજ અગ્નિકાંડ સર્જાયા બાદ 26 તારીખના રોજ ખોટા દસ્તાવેજો ઉભા કરવામાં આવ્યા હતા. બનાવના 1 દિવસ બાદ અશોકસિંહ અને કિરીટસિંહ જાડેજાના કહ્યા બાદ ખોટા દસ્તાવેજો ઉભા કરવામાં આવ્યા હતા. કોર્પોરેશનના ઓરિજનલ રજિસ્ટરનો નાશ કરવામાં આવ્યો હતો. જાડેજાની સૂચનાથી રજિસ્ટરનો નાશ કરવામાં આવ્યો હતો. સ્પેશિયલ પીપી તુષાર ગોકાણીએ કહ્યું કે, પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી. સાગઠિયા દ્વારા ખોટી મિનિટ્સ બૂક બનાવવામાં આવી હતી. 4 મેના રોજ કોઇ ગેરકાયદેસર બાંધકામ માટેની અરજી કરવામાં આવી નહોતી. તેમજ 9 મેના રોજ અરજી સંદર્ભે કોર્પોરેશન દ્વારા કોઇ પ્રત્યુતર આપવામાં આવ્યો નહોતો. પોલીસ દ્વારા IPCની કલમ 201નો ઉમેરો કરવા બબાતે કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવ્યો હતો. IPC 201 પુરાવાનો નાશ કરવા બાબતે લાગુ કરવામાં આવતી હોય છે. 25મેના રોજ TRP ગેમ ઝોનમાં દુર્ઘટના બની હતી. તેમાં 27 લોકોના મૃત્યુ થયા હતા. આ ઘટના બનતા સાગઠિયાને એવો ભય હતો કે, પોલીસ ગમે ત્યારે તેની પૂછપરછ કરી શકે છે. આથી સાગઠિયાએ એટીપીઓ રાજેશ મકવાણાને આદેશ કર્યો હતો કે, આપણું જે ટીપી ટેક્નિકલ નામનું જે વોટ્સએપ ગ્રૂપ છે તેમાં એક મેસેજ મૂકી દો કે 27 મે 2024ના રોજ સાંજના 6:30 કલાકે તમામે હાજર રહેવું. આથી મકવાણાએ 27 મેના દિવસે જ સાંજે 4:36 કલાકે સાગઠિયાએ આપેલા આદેશ મુજબ મેસેજ મૂકી દીધો હતો. ત્યાર બાદ ટેક્નિકલ શાખાના તમામ કર્મચારીઓ સેન્ટ્રલ ઝોન ટીપી શાખાની ઓફિસમાં હાજર થયા હતા. આ સમયે સાગઠિયાએ તમામને એવું કહ્યું હતું કે, TRP ગેમ ઝોનમાં આગનો બનાવ બન્યો છે અને પોલીસ કોઇપણ સમયે મારી પૂછપરછ કરી શકે તેમ છે. જેથી મારા બચાવ અર્થે મેં મારે લેવાની થતી સમયાંતરેની મિટિંગ લીધેલ હોય કે ન લીધેલ હોય પરંતુ સમયાંતરેની તમામ મિનિટ્સ નોટ બનાવેલ છે તેમાં તમારે બધાને લાગુ પડે ત્યાં સહીઓ કરવાની જ છે. જેથી હાજર સ્ટાફે વિગતો જોયા પછી જ સહી કરવાનું કહેતા સાગઠિયા ઉગ્ર થઇ ગયા હતા અને ‘તમારે આમાં સહી કરવાની જ’ તેવો આદેશ આપતા તમામ ટેક્નિકલ સ્ટાફના કર્મચારીઓએ ડુપ્લિકેટ મિનિટ્સ બુકમાં એક સાથે સહીઓ કરી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, ગેમ ઝોનમાં કોની કેટલી ભાગીદારી હતી તે મામલે આરોપીની કરેલી પૂછપરછમાં સામે આવ્યું હતું કે, મૃતક પ્રકાશ જૈન સૌથી મોટો 60 ટકાનો ભાગીદાર હતો. તે દુર્ઘટના સમયે લોકોને બચાવવા જતાં પોતે પણ આગમાં હોમાઇ ગયો હતો. જ્યારે યુવરાજસિંહ સોલંકી-રાહુલ રાઠોડ 15-15 ટકાના ભાગીદાર હતા. યુવરાજસિંહ સોલંકી એક લાખ રૂપિયાનો પગાર પણ મેળવતો હતો. જ્યારે ગેમ ઝોનની જગ્યાના માલિક કિરીટસિંહ જાડેજા અને અશોકસિંહ જાડેજાનો 10-10 ટકા ભાગ હોવાનું ખૂલ્યું હતું. ગેમ ઝોન જે જગ્યા પર ચાલતો એ જમીન કિરીટસિંહ અને તેના ભાઇ અશોકસિંહ જગદીશસિંહ જાડેજાના નામે હતી. રાજકોટના કાલાવડ રોડ પર સયાજી હોટલ પાસે TRP ગેમ ઝોનમાં 25 મેને શનિવારે સાંજે સાડાપાંચ વાગ્યા આસપાસ ભીષણ આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની ટીમો અને તાલુકા પોલીસ સ્ટેશનની ટીમો દોડી ગઈ હતી. ફાયરબ્રિગેડની ટીમોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. બાદમાં અંદર સર્ચ કરતાં એક પછી એક એમ 28 મૃતદેહ મળ્યા હતા. માત્ર 55 મિનિટમાં જ 24 મૃતદેહ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. મૃતદેહની હાલત એવી થઈ ગઈ કે DNA ટેસ્ટથી ઓળખ મેળવવા પરિવારજનોનાં સેમ્પલ એર એમ્બ્યુલન્સથી ગાંધીનગર એરલિફ્ટ કરવાની નોબત આવી હતી. પુરાવાનો નાશ કરવા રાજકોટ મનપાના પાંચ જેસીબી કામે લાગ્યાંની ઘટનાના 24 કલાકમાં જ આખા ગેમ ઝોનને ધ્વસ્ત કરી દેવામાં આવ્યો છે. ગેમ ઝોનની જગ્યા હાલ મેદાનમાં ફેરવાઈ ગઈ છે. ગેમ ઝોન ધ્વસ્ત થયા પછી પણ માનવઅંગો મળ્યાં, જેને સિવિલ હોસ્પિટલ DNA રિપોર્ટ માટે ખસેડાયાં હતાં.
27 મૃતકનાં નામ
જિજ્ઞેશ કાળુભાઈ ગઢવી (ઉં.વ.34)
સ્મિત મનીષભાઈ વાળા (ઉં.વ.22)
સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા (ઉં.વ.21)
સુનીલ હસમુખભાઈ સિદ્ધપુરા (ઉં.વ.30)
આશાબેન ચંદુભાઈ કાથડ (ઉં.વ.19)
હિમાંશુ દયાળજીભાઈ પરમાર (ઉં.વ.20)
ઓમદેવસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ (ઉં.વ.36)
વિશ્વરાજસિંહ જશુભા જાડેજા (ઉં.વ.24)
સુરપાલસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા (ઉં.વ.22)
નમ્રદીપસિંહ જયપાલસિંહ જાડેજા (ઉં.વ.19)
જયંત અનિલભાઈ ઘોરેચા (ઉં.વ.45)
ધર્મરાજસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા (ઉં.વ.12)
વિરેન્દ્રસિંહ નિર્મળસિંહ જાડેજા (ઉં.વ.40)
દેવાંશી (દેવશ્રી) હિતેન્દ્રસિંહ જાડેજા (ઉં.વ.12)
રાજભા પ્રદીપસિંહ ચૌહાણ (ઉં.વ.15)
નીરવ રસિકભાઈ વેકરિયા (ઉં.વ.20)
શત્રુઘ્નસિંહ શક્તિસિંહ ચૂડાસમા (ઉં.વ.25)
વિવેક અશોકભાઈ દુસારા (ઉં.વ.28)
ટીશા અશોકભાઈ મોડાસિયા (ઉં.વ.24)
કલ્પેશ પ્રવીણભાઈ બગડા (ઉં.વ.22)
ખ્યાતિ રતિભાઈ સાવલિયા (ઉં.વ.28)
ખુશાલી વિવેકભાઈ દુસારા (ઉં.વ.24)
હરિતા રતિભાઈ સાવલિયા (ઉં.વ.25)
મિતેશ બાબુભાઈ જાદવ (ઉં.વ.30)
પ્રકાશચંદ કનૈયાલાલ હિરણ (ઉં.વ.45)
મોનુ કેશવ ગૌંડ (ઉં.વ.21)
અક્ષય કિશોરભાઈ ઢોલરિયા (ઉં.વ.28)


