- 60 કરોડના ખર્ચે માર્ગ-મકાન દ્વારા નવા બ્રીજની કામગીરી શરૂ
- બે વર્ષમાં બ્રીજ તૈયાર થતાં ટ્રાફિકની સમસ્યાથી છૂટકારો મળશે
- નવો બ્રીજ બનતા ટ્રાફિકની સમસ્યાનું નિવારણ આવે તેમ છે
સેક્ટર-30 સર્કલથી ચિલોડા જતાં સાબરમતી નદી પર આવતા બ્રીજને સમાંતર બીજો બ્રીજ બનાવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સરખેજ-ગાંધીનગર-ચિલોડા પ્રોજેક્ટના ભાગરૂપે 60 કરોડના ખર્ચે નવો બ્રીજ તૈયાર કરવામાં આવશે. જેમાં કામગીરી પૂર્ણ કરવા માટે બે વર્ષનો સમયગાળો અપાયો છે. નવો બ્રીજ બનતા ટ્રાફિકની સમસ્યાનું નિવારણ આવે તેમ છે.
ગાંધીનગર-ચિલોડા વચ્ચે સાબરમતી નદી પર હાલ ફોરલેનનો બ્રીજ છે જ્યારે હાઈવે સિક્સલેન છે. નાનાથી લઈને ભારે વાહનોની અવરજવરને પગલે બ્રીજ સતત ધમધમતો જ રહે છે. જેને પગલે ઘણીવાર ટ્રાફિકના દ્રશ્યો અને અકસ્માતની ઘટનાઓ પણ બનતી રહે છે. જેને પગલે માર્ગ અને મકાન વિભાગ દ્વારા સમસ્યાના નિવારણ માટે હયાત બ્રીજને સમાંતર બીજો બ્રીજ બનાવાનું આયોજન કર્યું હતું. ટેન્ડર સહિતની પ્રક્રિયાઓને અંતે અહીં બ્રીજની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં હાલ તો અહીં લેવલિંગ સહિતની આનુસંગિક કામગીરી જ શરૂ થઈ છે. જોકે આગામી દિવસોમાં મુખ્ય કામગીરીનો ધમધમાટ જોવા મળશે. અંદાજે 60 કરોડના ખર્ચે અંદાજે બે વર્ષના સમયગાળામાં કામગીરી પૂર્ણ થાય તેવો અંદાજ છે. સરખેજ-ગાંધીનગર-ચિલોડા હાઈવે પ્રોજેક્ટના ભાગરૂપે આ નવો પુલ તૈયાર કરવામાં આવશે. એટલે કે હયાત ફોરલેન પુલને સમાંતર નવો અંદાજે 400 મીટરનો ફોરલેન પુલ તૈયાર થતાં કુલ 8 લેનના બે બ્રીજથી ટ્રાફિકનું ભારણ ઘટશે. બ્રીજ ઉપરાંત સેક્ટર-30 સર્કલ સુધીના 400 મીટરનો એપ્રોચ રોડ પણ તૈયાર કરવામાં આવશે. હિંમતનગર હાઈવેથી ગાંધીનગર તરફ આવતા વાહનો આ પુલ પરથી પસાર થાય છે. જેમાં વાહનોની સંખ્યાને ધ્યાને લઈને હાઈવે તો સિક્સલેન કરી દેવાયો છે. પરંતુ બ્રીજ હજુ ફોરલેન જ છે, એટલું જ નહીં બ્રીજ અને સેક્ટર-30 સર્કલ વચ્ચેનો રસ્તો પણ નાનો છે. જેને પગલે વાહનોની સંખ્યા સામે બ્રીજ નાનો પડતો હોવાથી છાશવારે ટ્રાફિકના દ્રશ્યો જોવા મળે છે. જોકે આગામી સમયે નવો પુલ તૈયાર થઈ જતાં ટ્રાફિકની સમસ્યાથી છૂટકારો મળશે.


