ચાલુ વર્ષે અત્યાર સુધીમાં એસએમઈ સહિત ૧૮૪ જેટલી કંપનીઓના આઇપીઓ આવ્યા
– આઈપીઓની સંખ્યા વિક્રમી પરંતુ જાહેર ભરણાં મારફત ઊભી કરાયેલી રકમ વાર્ષિક ધોરણે ૧૫ ટકા ઘટી ૪.૯૦ અબજ ડોલર રહી
Updated: Nov 3rd, 2023
મુંબઈ : વર્તમાન વર્ષના પ્રારંભમાં દેશના શેરબજારના બેન્ચમાર્ક ઈન્ડાઈસિસમાં જોવા મળેલી ઓલ ટાઈમ હાઈ સપાટી બાદ દેશના પ્રાઈમરી માર્કેટમાં પણ નવો રેકોર્ડ જોવા મળ્યો છે. ૨૦૨૩માં અત્યારસુધીમાં એસએમઈ સહિત ૧૮૪ જેટલી કંપનીઓએ જાહેર ભરણાં મારફત નાણાં ઊભા કર્યા છે. કોઈ એક વર્ષમાં ૧૮૪ કંપનીઓએ ઈક્વિટીઝના જાહેણ ભરણાં મારફત નાણાં ઊભા કર્યા હોય તેવું ભારતમાં પહેલી વખત જોવા મળ્યું છે.
જો કે ઈક્વિટીઝના વેચાણ મારફત નાણાં ઊભા કરવાની માત્રામાં વાર્ષિક ધોરણે ઘટાડો જોવા મળ્યો છે.
ઈક્વિટીઝમાં તેજીએ ભારતને વિશ્વની એકદમ વ્યસ્ત પ્રાઈમરી માર્કેટ બનાવી દીધી છે એમ એક રિપોર્ટમાં જણાવાયું છે. એકલા ઓકટોબરમાં જ ૩૦ જેટલી કંપનીઓના શેરમાં વેપાર શરૂ થયો છે, જે અમેરિકા, ચીન સહિત કેટલાક દેશો કરતા પણ વધુ છે.
વર્તમાન વર્ષના પ્રારંભમાં ભારતીય ઈક્વિટીઝ ઈન્ડેકસ ઓલટાઈમ હાઈ સપાટીએ જોવા મળ્યા હતા. ૨૦૧૮ બાદ વર્તમાન વર્ષમાં વ્યાજ દર સૌથી ઊંચા રહ્યા હોવા છતાં, કંપનીઓની આવક તથા અર્થતંત્રમાં સુધારો જોવા મળી રહ્યો છે જેને કારણે રોકાણકારોનું માનસ પણ પ્રોત્સાહક રહ્યું છે.
ચીનના અર્થતંત્રમાં નબળાઈએ રોકાણકારોને ભારત તરફ વાળ્યા છે. વર્તમાન વર્ષમાં મોટી ઉપરાંત નાની તથા મધ્યમ કદની કંપનીઓ પણ મોટી માત્રામાં જાહેર ભરણાં લઈને આવી છે.
આગામી વર્ષમાં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા હાલમાં રોકાણકારોના જોવાઈ રહેલા પોઝિટિવ માનસનો પણ કંપનીઓ લાભ લઈ લેવા માગે છે, એમ એક વિશ્લેષકે જણાવ્યું હતું.
આગામી લોકસભાની ચૂંટણીમાં જો ભાજપનો પરાજય થશે તો ઈક્વિટીઝ બજારમાં મોટું કરેકશન આવવાની શકયતા વ્યકત કરવામાં આવી રહી છે. ઈઝરાયલ-હમાસ યુદ્ધ ઉપરાંત અમેરિકામાં બોન્ડ યીલ્ડમાં વધારો થવાને કારણે હાલમાં વિદેશી રોકાણકારો ભારતમાંથી નાણાં પાછા ખેંચી રહ્યા છે. ૨૭ ઓકટોબરના સમાપ્ત થયેલા સપ્તાહમાં વિદેશી ફન્ડોએ ૧.૫૦ અબજ ડોલર ઘરભેગા કરી લીધા હતા જે સપ્ટેમ્બર, ૨૦૨૨ બાદ સૌથી મોટો આઉટફલોઝ હતો.
ભારતમાં વર્તમાન વર્ષમાં આઈપીઓની સંખ્યા ભલે વિક્રમી રહી હોય પરંતુ જાહેર ભરણાં મારફત ઊભી કરાયેલી રકમ વાર્ષિક ધોરણે ૧૫ ટકા ઘટી ૪.૯૦ અબજ ડોલર રહી છે.