- ટેન્ડરની શરતનો ભંગઃ માસિક બિલના દસ ટકા દંડ વસુલાશે
- એજન્સીને બે દિવસમાં લેખિત ખૂલાસો કરવા પણ તાકીદ કરવામાં આવી
- માસિક બિલના દસ ટકા રકમ સુધી પેનલ્ટી વસુલ કરવામાં આવશે
ડોર ટુ ડોર કચરો એકત્રીકરણ કરતી એજન્સીને કચરાનું વજન વધારવા ગાડીમાં માટી-પથ્થરો ભર્યા હોવાના વિડીયો અને ફોટા સામે આવ્યા બાદ કોર્પોરેશન એક્શન મોડ પર આવી હતી. એજન્સીને કામગીરીમાં ગેરરિતી આચરવા બદલ નોટિસ ફટકારી બે દિવસમાં ખૂલાસો કરવા જણાવાયું છે. અન્યથા માસિક બિલના દસ ટકા રકમ સુધી પેનલ્ટી વસુલ કરવામાં આવશે.
ડોર ટુ ડોર ઘનકચરો એકત્રીત કરતી એજન્સીનું કૌભાંડ સેક્ટર-28ના રિફ્યુઝ ટ્રાન્સફર સ્ટેશન ખાતે રંગેહાથ પકડાયું હતું. કચરાની ગાડીમાંથી માટી અને પથ્થરો ભર્યા થેલા નીકળ્યા હતા. કોર્પોરેશન દ્વારા સ્વચ્છતા કોર્પોરેશનના વ્યવસ્થાપકને કામગીરીમાં ગેરરિતી બાબતે નોટિસ ફટકારવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે, ટેન્ડરની શરત નંબર 89.19 મુજબ બાંધકામ અને ડિમોલેશન વેસ્ટ, ડેબ્રીજ, માટી, ઈન્ડસ્ટ્રીયલ તથા મેડિકલ વેસ્ટને કોન્ટ્રાક્ટરે નહી લેવાનો કે ગાડીમાં નહી ભરવો, તેવો સ્પષ્ટ ઉલ્લેખ છે. પરંતુ વજનમાં વધઆરો કરવાના હેતુથી ગાડી નંબર જીજે-18બીવી-4611માં રેતી-માટી-પથ્થર વગેરે ભરીને ગેરરીતિ કરવામાં આવતી હોવાનું ધ્યાને આવ્યું છે. આથી સંસ્થાને ટેન્ડરની શરત 81.1.21 મુજબ માસિક બિલનાં દસ ટકા રકમની પેનલ્ટી કેમ ન કરવી. એજન્સીને આ શો-કોઝ નોટિસનો બે દિવસમાં લેખિત ખૂલાસો કરવા જણાવ્યો છે.
કૌભાંડના ત્રીજા દિવસે પણ સ્થાયી સમિતી ચૂપ
કોર્પોરેશનના શાસક પક્ષના પદાધિકારીઓ પાસે કોઈ જવાબ નથી. કચરાની ગાડીમાંથી માટી ભર્યા થેલા નીકળ્યાને આજે ત્રીજો દિવસ થઈ ગયો. કૌભાંડો અને ભ્રષ્ટાચાર પકડવામાં સક્રીય સ્થાયી સમિતી આ મુદ્દે મૌન છે. કચરાનું વજન વધારવા માટે આ ગેરરિતી ચાલતી હોવાનો આક્ષેપ કોંગ્રેસના અંકિત બારોટે કર્યો છે. કૌભાંડનો ભાંડો રંગેહાથ ફૂટયો હોવાછતાં સ્થાયી સમિતી ચૂપ છે. કારણ ગ્રીન ગ્લોબલને અગાઉ સ્થાયી સમિતી દ્વારા લાખોનો દંડ ફટકાર્યો હતો તે પછી આંતરિક ખેંચતાણ અને રાજકીય કાવાદાવા શરૂ થઈ ગયા હતા. એટલે કદાચ આ કિસ્સામાં દૂધનો દાઝયો છાશ ફૂંકીને પીતા હોય તેવુ પણ હોઈ શકે.
એજન્સીએ ખૂલાસા કરવા મળતિયાઓને મોકલ્યા!
કચરાની ગાડીમાંથી માટી અને પથ્થરો ભરેલા કોથળા ભર્યાનો ભાંડો ફૂટી જતાં એજન્સીએ કોર્પોરેશનમાં ખૂલાસા કરવા મળતિયા પણ મોકલી દીધા હોવાની ચર્ચા છે. એકાદ-બે લોકો સામે ચાલીને સ્પષ્ટતા કરવા આવ્યા કે, અમારા ઘરે રિનોવેશનનું કામ ચાલતું હોવાથી અમે જાતે અમારા હાથે આ માટી અને પથ્થરા ભરેલા કોથળા કચરાની ગાડીમાં નાંખ્યા હતા!!! અધિકારી અને પદાધિકારીઓ આ ખૂલાસો કેટલો માન્ય ગણશે તે જોવું રહ્યું.


