શ્રીરંગઅવધૂતનો જન્મ કારતક સુદ નોમ, સંવત 1955, તારીખ 21મી નવેમ્બર, 1898ને સોમવારે થયો હતો. તેમનું મૂળ નામ પાંડુરંગ વિઠ્ઠલ વળામે. તેમના પિતાનું નામ વિઠ્ઠલ, માતાનું નામ રુક્મિણી અને નાના ભાઈનું નામ નારાયણ. તેમણે નર્મદા તટે નારેશ્વરમાં તપ કરી રંગઅવધૂત મહારાજ તરીકે પ્રસિદ્ધ થયા.
પાંડુરંગ ત્રણ વર્ષના હતા ત્યારે પિતા તરફથી રામનામનો મંત્ર મળ્યો હતો. પાંડુરંગ કેટલાંય વર્ષો સુધી કાગળ ઉપર રામ રામ લખીને હનુમાનજીના મંદિરે અર્પણ કરવાનું રાખ્યું. આ રામ નામના મંત્રે જ પાંડુરંગનો ભક્તિનો પાયો મજબૂત કર્યો. તેમનું વ્યક્તિત્વ પણ અદ્ભુત હતું. પાંડુરંગને હિંદુ ધર્મનું ગૌરવ અને ભારતીય સંસ્કૃતિનું અભિમાન. પોતાપણાનું સ્વાભિમાન પણ એટલું જ. માતા અને માતૃભૂમિ પ્રત્યે ઊંચી ભાવના અને માનની ઊંડી લાગણી.
આઠ વર્ષની નાની વયે `પોથી વાંચ’નો સ્વપ્નમાં આદેશ થયો. મામા તરફથી ગુરુચરિત્રનો પવિત્ર ગ્રંથ મળ્યો. આ ગ્રંથ તે જ પોથી. રોજ એક અધ્યાય વાંચે. શાળામાં શિક્ષક તરીકે નોકરી કરે. વિદ્યાર્થીઓને પ્રવાસમાં લઈ જાય તો પણ તપ કરવાનું સ્થળ શોધે. ભગવાને તેમને સ્વપ્નમાં આદેશ આપ્યો, `દત્ત પુરાણના એકસો આઠ પારાયણ કરો.’ તેમને ભરુચમાં રહેતા કલ્યાણભાઈ પાસેથી આ ગ્રંથ મળ્યો. તેઓ પારાયણ માટે નર્મદા કિનારે નારેશ્વર ગયા સને 1925ના ડિસેમ્બરમાં અનુષ્ઠાન માટે ગયા. નારેશ્વર એટલે સાત ગામનું સ્મશાન. ભયાનક અને બિહામણું સ્થળ. ગીચ ઝાડી, સાપ, વીંછી અને બીજાં હિંસક પ્રાણીઓથી ભરેલું આ સ્થળ.
તેઓ સમાજને સંગઠિત કરે. લોકોને ભગવાનનાં દર્શન કરાવે તે ભક્તિ, દુ:ખિયાઓને મદદ કરવી, દર્દીની સેવા કરી. ગરીબની આંતરડી ઠારવી એ સાચું ઈશ્વરપૂજન એવી વિચારધારા લઈને દેવની ભક્તિ કરી. તેમણે દેવનું કામ દેવ કરે છે તેવો સિદ્ધાંત રાખ્યો. પૈસાને નહિ અડકવાનો નિયમ રાખ્યો અને જો ભૂલથી પણ સ્પર્શ થાય તો ઉપવાસ કરવાનો. દુષ્કાળના સમયમાં ચોખાની અછત ઊભી થતાં તેમણે ચોખાનો ત્યાગ કર્યો.
તેમનું જીવન ખૂબ જ સાદગીભર્યું હતું. સવારે ત્રણ વાગે ઊઠીને માટલાના ઠંડા પાણીથી સ્નાન કરવાનું. ધ્યાનમાં બેસવાનું. યોગાસન કરવાના. દત્તપુરાણની પારાયણ કરવાની. જાતે જ સાદું ભોજન બનાવીને ખાવાનું. રાત્રિના સમયે મોટે ભાગે દૂધથી ચલાવી લેવાનું.
નર્મદાની પરિક્રમા
દત્તપુરાણના પારાયણ માટે પાંડુરંગ નારેશ્વર આવ્યા. એમણે 180 દિવસ નર્મદાની પરિક્રમા કરવાનું વિચાર્યું અને પરિક્રમા શરૂ કરી. તે દરમિયાન તેમણે ગોળનું પાણી અને ચણાની દાળનો જ ભોજન તરીકે ઉપયોગ કર્યો.
માતૃભક્તિ
નાનાભાઈ નારાયણ ભરયુવાનીમાં ક્ષય રોગને કારણે મૃત્યુ પામ્યા. માતાનું મન રાજી રાખવા બધું કરી છૂટવાનું તેમણે નક્કી કર્યું. તેમણે પોતાની માતાની ખૂબ જ સેવા કરી. માતા માટે નર્મદામાંથી પાણી ભરી લાવે. કાંધે કાવડ મૂકે અને તેમાં બે ઘડા મૂકીને લઈ જાય. માતા તેનાથી સ્નાન કરે. આમ તેઓ માતાની ખૂબ જ સેવા કરતા.
રંગઅવધૂતની દેશભક્તિ
ગાંધીજીની હાકલને તેઓ માન આપી કોલેજ છોડીને વડોદરાથી અમદાવાદ આવ્યા. દેશના ઉત્કર્ષ માટે તેમણે આજીવન ખાદી સ્વીકારી. અવધૂત થયા તો પણ પોતાની ચાદર, ટુવાલ વગેરે ખાદીના જ રાખ્યા.
પૈસાની ખેંચ હોય તો પણ મનથી ગરીબ નહીં બનવાની હકારાત્મક વિચારસરણી તેઓ ધરાવતા હતા. તેમણે સારું જ જોવાની દૃષ્ટિ કેળવેલી. તેઓ હંમેશાં સામી વ્યક્તિને સમજવાનો પ્રયત્ન કરે. સત્યના માર્ગે ચાલનારને કોની બીક? શાની બીક? ખુમારી તો તેમના રગેરગમાં ભરેલી હતી.
એક દિવસ ગાંધીજીએ તેમને પૂછ્યું, `તમારું નામ.’ જવાબ આપ્યો, `પાંડુરંગ વામળે.’ ક્યાંથી આવો છો? ગાંધીજીએ બીજો પ્રશ્ન કર્યો. વડોદરાથી જવાબ આપ્યો. ગાંધીજીએ પૂછ્યું, `તમે વડોદરાના વિદ્યાર્થીઓના પ્રતિનિધિ છો એની શી સાબિતી?’
પાંડુરંગે જવાબ આપ્યો, `સિંહને કોઈ રાજા બનાવતું નથી. હું વડોદરાના વિદ્યાર્થીઓનો પ્રતિનિધિ નથી એવું કોઈ ના કહે ત્યાં સુધી પ્રતિનિધિ છું. એવી સાબિતી માગવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી.’ જવાબ સાંભળીને ગાંધીજી મનમાં મલકાયા.
પાંડુરંગનો દેશપ્રેમ ઊંડો હતો. દેશને સ્વતંત્ર કરવા માટે વડોદરામાં અનેક કાર્યક્રમો કરતા. ગાંધીજીની હાકલ સમયે તેઓ વડોદરામાં બીએના છેલ્લા વર્ષનો અભ્યાસ કરતા હતા. દેશ માટે ડિગ્રીનો મોહ જતો કર્યો અને છેલ્લા સત્રમાં જ કોલેજ છોડી દીધી. ગોધરામાં દેખાવો અને ઘરણાનું કાર્ય પણ નિષ્ઠાપૂર્વક કર્યું.
ઈ.સ. 1930માં ગાંધીજીએ દાંડીકૂચ યોજી.પાંડુરંગ અવધૂત થયા તો પણ દાંડીથી અસલાલી સુધી દાંડીકૂચમાં જોડાયા હતા.
શ્રી અવધૂતનો દેહત્યાગ
કારતક વદ ચૌદશ, 19 નવેમ્બરના મંગળવારે રાત્રે 8.45 વાગે અવધૂત હરિદ્વારમાં બ્રહ્મલીન થયા. એમના દેહને નારેશ્વર લઈ જવામાં આવ્યો. 21મી નવેમ્બર ને ગુરુવારે હજારો ભક્તોની હાજરીમાં એમના અંત્યેષ્ટિ સંસ્કાર થયા.