અપર્યાત્તમ તત અસ્માકમ બલમ ભીષ્મ અભિરક્ષિતમ ।
પર્યાપ્તમ તુઇ ઇદમ એતેષામ બલમ ભીમ અભિરક્ષિતમ ॥10॥
અર્થ : છતાં ભીષ્મથી રક્ષાયેલું આપણું સૈન્ય અમાપ છે જ્યારે પાંડવોનું સૈન્ય ભીમથી રક્ષાયેલું હોવાથી મર્યાદિત એટલે કે આપણી સામે ટકી શકે એવું નથી.
અયનેષુ ચ સર્વેષુ યથાભાગ્મ અવસ્થિતા:।
ભીષ્મમ એવ અભિરક્ષંતુ ભવંત: સર્વ એવ હિ ॥11॥
અર્થ : તેથી બધાએ મોખરાનાં સ્થળોએ રહી ભીષ્મ પિતામહની બરાબર રક્ષા કરવાની છે. બંને શ્લોકમાં સંજય એવું કહે છે કે તેમની એટલે કે કૌરવોની સેના ભીષ્મ પિતામહ દ્વારા રક્ષાયેલી હોવાથી તે સૌથી વધારે તાકાતવર છે, જ્યારે પાંડવોની એટલે કે સામેના પક્ષની સેના પ્રમાણમાં ખૂબ જ નબળી છે, કેમ કે તે ભીમ દ્વારા રક્ષાયેલી છે. અહીં સંજયે ભીષ્મ પિતામહ અને ભીમના બાહુબળની સરખામણી કરવાની કોશિશ કરેલ છે. ખરેખર તો તુલના બે સરખા યોદ્ધા હોય એમની કરવાની હોય. આ પછીથી સંજયજીએ શ્લોક 12થી 19માં બંને સેનાના મહારથીઓએ પોતપોતાના શંખ વગાડીને પોતે યુદ્ધ લડવા કેવા તત્પર છે તેની તૈયારી દર્શાવેલ છે. બધા યોદ્ધાઓ પોતપોતાના શંખ વગાડીને એવુંય બતાવે છે કે તેઓ યુદ્ધનો પડકાર ઝીલી લેવા અને બરાબરનો સામનો કરવા તૈયાર છે. તેમના મનમાં કોઇ પણ પ્રકારનો ડર નથી. શંખની સાથે ઢોલ-નગારાં-મૃદંગ સંભળાય છે. શ્રીકૃષ્ણ અને અર્જુનજી સહિત બધા જ યોદ્ધાઓ પોતાના શંખ વગાડીને સામનો કરવા ઊભા રહ્યા છે. પૃથ્વી અને આકાશને ગજવતા આ ભયંકર અવાજે જાણે કે કૌરવોનાં હૃદય ચીરી નાખ્યાં હોય એમ લાગતું હતું.
અથવ્યવસ્થિતાન દૃષ્ટવા ધાર્તરાષ્ટ્રાન કપિધ્વજ: ।
પ્રવૃત્તે શસ્ત્રસંપાતે ધનુ: ઉધમ્ય: પાણ્ડવ: ॥20॥
હૃષિકેશમ તદાવાક્યમ ઇદમ આહ મહીપતે ।
પછી હે રાજન, જેની ધજા ઉપર હનુમાનજી એવા અર્જુને કૌરવોને ગોઠવાયેલા જોઇને, શસ્ત્ર ચલાવવાનો સમય થતાં પોતાનું ધનુષ્ય ચઢાવી ભગવાનને આ વચન કહ્યાં –
સેનયો: ઉભયો: મધ્યે રથમ સ્થાપય મે અચ્યુત ॥21॥
યાવત એતાન નીરીક્ષે અહમ યોદ્ધુકામાન અવસ્થિતાન।
કૈ: મયા સહ યોદ્ધવ્યમ અસ્મિન રણસમુધે ॥22॥
યોત્સ્ય્સ્માનાન અવેક્ષેઅહમ યે એતે અત્ર સમગતા:।
ધાર્તરાષ્ટસ્ય દુર્બુદ્ધે યુદ્ધે પ્રિયચિકિર્ષવ : ॥23॥
હે અચ્યુત, મારા રથને બે સેનાની વચ્ચે લાવીને ઊભો રાખો, જેથી યુદ્ધની ઇચ્છાથી ઊભેલાને હું જોઇ લઉં કે મારે કોની કોની સાથે લડવાનું છે. દુષ્ટ બુદ્ધિવાળા દુર્યોધનનું લડાઇમાં પ્રિય કરવાની ઇચ્છાવાળા જે યોદ્ધાઓ એકઠા થયેલા છે તેમને હું જોઉં તો ખરો. અર્જુનજી જિજ્ઞાસાથી ભગવાનને કહે છે કે તમે આપણા રથને બે સેનાની વચ્ચે ઊભો રાખો, જેથી હું જોઇ શકું કે મારે કોની કોની સાથે યુદ્ધ કરવાનું છે અને દુર્યોધનના પક્ષે કયા યોદ્ધાઓ છે તેની પણ મને ખબર પડે. વ્યક્તિનું જીવન પણ એક યુદ્ધના મેદાન સમાન છે. જીવનમાં પણ જાતજાતના સંઘર્ષ કરવાના આવે છે. આવા સમયે આપણને એ વાતની ખબર પડવી જોઇએ કે કેવા પ્રકારના દુશ્મનો સામે આપણે લડાઇ લડવાની છે. દુશ્મનોની અથવા તો સમસ્યાઓની તાકાત આપણે જાણી શકીએ તો એનું નિવારણ કરવામાં સરળતા રહે.