- ઇઝરાયેલ-હમાસ વચ્ચે યુદ્ધ ચાલુ
- યુદ્ધવિરામ લાગુ કરવા માટે ઠરાવ પસાર કર્યો
- ઈઝરાયલે યુદ્ધવિરામના પ્રસ્તાવનો કર્યો ઈન્કાર
યુનાઇટેડ નેશન્સ (UN) જનરલ એસેમ્બલીમાં ઇઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે તરત જ યુદ્ધવિરામ લાગુ કરવા માટે એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવના સમર્થનમાં 153 દેશોએ મતદાન કર્યું છે. જોકે, ઈઝરાયલે આ પ્રસ્તાવ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે.
યુએનની મહાસભામાં મંગળવારે ગાઝામાં યુધ્ધ વિરામની માંગ કરતો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો અને 153 દેશોએ તેનુ સમર્થન કર્યુ હતુ. જેમાં ભારતનો પણ સમાવેશ થતો હતો. જોકે આ પ્રસ્તાવ પરની ચર્ચા દરમિયાન ઈઝરાયેલના યુએનના રાજદૂતના આક્રમક તેવર પણ જોવા મળ્યા હતા. ઈઝરાયેલે યુએનના દબાણ સામે ઝૂકવાનો ઈનકાર કરી દીધો હતો અને રાજદૂત ગિલાદ એર્દાને મહાસભામાં કહ્યુ હતુ કે, યુધ્ધ વિરામ ત્યારે જ થશે જ્યારે પેલેસ્ટાઈનમાં હમાસ પોતાના હથિયારો નાંખી દેશે અને જો યુએન ખરેખર યુધ્ધ વિરામ કરાવવા માંગતુ હોય તો તેણે ગાઝામાં હમાસના કાર્યાલય પર ફોન કરવો જોઈએ અને હમાસના નેતા યાહ્યા સિનવાર સાથે વાત કરવી જોઈએ. તેમણે કહ્યુ હતુ કે, યાહ્યા સિનવારને યુએન દ્વારા સલાહ આપવામાં આવે કે , હથિયાર નાંખી દો, શરણાગતિ સ્વીકારી દો અને બંધકોને મુક્ત કરી દો એટલે ખરા અર્થમાં યુધ્ધ વિરામ થશે અને તે કાયમી હશે.
કેટલા દેશોએ પ્રસ્તાવના વિરોધમાં મતદાન કર્યું?
ગાઝામાં યુદ્ધવિરામ પ્રસ્તાવના પક્ષમાં 153 દેશોએ મતદાન કર્યું છે. જ્યારે 10 દેશોએ પ્રસ્તાવના વિરોધમાં વોટ આપ્યો છે. તેમાં અમેરિકા, ઇઝરાયેલ, ઓસ્ટ્રિયા, ચેકિયા, ગ્વાટેમાલા, લાઇબેરિયા, માઇક્રોનેશિયા, નૌરુ, પાપુઆ ન્યુ ગિની અને પ્રાગનો સમાવેશ થાય છે. મતદાન દરમિયાન 23 દેશો ગેરહાજર રહ્યા હતા.


