- સેવાના સિદ્ધાંતોથી સ્થપાયેલી ગૂજરાત વિદ્યાપીઠ હવે વેપારીકરણ તરફ વળી
- પોતાની સંસ્થાના ગ્રાઉન્ડ માટે વિદ્યાર્થીઓએ ખાનગી સ્કૂલની મંજૂરી મેળવવી પડશે
- નવા સત્તાધીશો દ્વારા વિદ્યાર્થીઓના સ્પોર્ટસને લઈ મસમોટા બણગાં ફૂંકવામાં આવ્યાં
સેવાના સિદ્ધાંતોથી સ્થાપાયેલી ગૂજરાત વિદ્યાપીઠ હવે નવા સત્તાધીશોના કારણે વેપારીકરણ તરફ વળી હોવાની ચર્ચાએ જોર પકડયું છે. ગૂજરાત વિદ્યાપીઠનું ગ્રાઉન્ડ ખાનગી સ્કૂલની ખાનગી ક્રિકેટ એકેડેમિને પધરાવી દીધું હોવાની વિગતો સામે આવી છે. જેથી હવે પોતાની સંસ્થાના ગ્રાઉન્ડ માટે વિદ્યાર્થીઓએ ખાનગી સ્કૂલની મંજુરી મેળવવી પડશે. મહત્વની વાત એ છે કે, નવા સત્તાધીશો દ્વારા વિદ્યાર્થીઓના સ્પોર્ટસને લઈ મસમોટા બણગાં ફૂંકવામાં આવ્યાં હતા. એટલુ જ નહી, દૈનિક સ્પોર્ટ્સ એક્ટિવિટીની એક યાદી પણ તૈયાર કરવામાં આવી હતી. પરંતુ વાહવાહી ખાટવાના અભરખા રાખતા આ નવા સત્તાધીશોએ વિદ્યાર્થીઓ-અધ્યાપકોને વિશ્વાસમાં લીધા વિના જ બારોબાર ગ્રાઉન્ડ ખાનગી સ્કૂલને આપી દીધુ હોવાની વિગતોથી ભારે રોષ ફેલાયો છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી એક પત્રિકા મુજબ ઉસ્માનપુરા વિસ્તારમાં આવેલી શ્રી વિદ્યાનગર સ્કૂલને ક્રિકેટ એકેડેમિક ચલાવવા માટે વિદ્યાપીઠ દ્વારા ગ્રાઉન્ડ સોંપી દેવામાં આવ્યું છે. મહત્વનુ છે કે, સ્કૂલ દ્વારા વિદ્યાપીઠ પાસેથી ગ્રાઉન્ડ લીધા બાદ તેણે પણ અન્ય એક ખાનગી ક્રિકેટ એકેડેમિકને ચલાવવા આપી દેવાયું છે, જેનું ઉદ્ઘાટન 5 નવેમ્બરના રોજ રાખવામાં આવ્યું છે. આ અંગે વિદ્યાપીઠના વાઈસ ચાન્સેલરને પૂછતા તેમણે જણાવ્યું હતુ કે, આ અંગે મંડળની બેઠકમાં ચર્ચા થઈ હતી પરંતુ તેનો કોઈ સત્તાવાર નિર્ણય થયો હોવાનું મારા ધ્યાને નથી. વિદ્યાપીઠ સાથે સંકળાયેલા સુત્રોના જણાવ્યા મુજબ વિદ્યાપીઠના નવા વહીવટી મંડળ દ્વારા મનસ્વીપણે આ નિર્ણય લેવાયો હોવાના આક્ષેપ છે. હાલમાં વિદ્યાપીઠ મંડળ દ્વારા પોતાની ઈચ્છા મુજબ જ નિર્ણયો લેવામાં આવી રહ્યાં હોવાના આક્ષેપ થયાં છે.
ઉલ્લેખનીય છે કે, મહાત્મા ગાંધી સ્થાપિત વિદ્યાપીઠમાં નવા સત્તાધીશોનો પગ પેસારો થતાની સાથે જ અનેક વિવાદો સામે આવી રહ્યાં છે. ફી વધારો, નવરાત્રીમાં વિદ્યાર્થિનીઓને ગરબા ગાવા પર પ્રતિબંધ, કોન્વોકેશનમાં ફૂડપેકેટની માફક પદવી વિતરણ અને હવે વહીવટી મંડળનો ગ્રાઉન્ડ ભાડે આપી દેવાના મનસ્વિ નિર્ણયથી ભારે આક્રોસ ફેલાયો છે.


