- કાશ્મીર સહિતના પહાડી રાજ્યોમાં હિમવર્ષાથી પારો ગગડયો
- દિલ્હી અને એમપીમાં ગાઢ ધુમ્મસ છવાયેલું રહેવાની હવામાન ખાતાની આગાહી
- સહિત કેટલાક રાજ્યોમાં હાલના તબક્કે વરસાદમાં રાહતની કોઇ સંભાવના નથી
દક્ષિણ ભારતમાં વરસાદ ચાલુ છે તો બીજી તરફ ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી ચાલુ થઇ ગઇ છે. ભારતીય હવામાન ખાતાના જણાવ્યા અનુસાર આગામી 4-5 દિવસ દરમિયાન લઘુતમ તાપમાનમાં ખાસ બદલાવ જોવા નહીં મળે. આ સપ્તાહે પાટનગર દિલ્હી, પંજાબ સહિત દેશના ઘણા રાજ્યોમાં ગાઢ ધુમ્મસ છવાયેલું રહેવાની સંભાવના છે. બીજી તરફ તમિલનાડુ અને કેરળ સહિત કેટલાક રાજ્યોમાં હાલના તબક્કે વરસાદમાં રાહતની કોઇ સંભાવના જણાતી નથી. મધ્યપ્રદેશના ભોપાલમાં લઘુતમ તાપમાન 11-12 ડિગ્રી સેલ્સિયસની આસપાસ છે. આ ક્ષેત્રમાં આગામી સાત દિવસ સુધી ધુમ્મસ છવાયેલું રહેશે. દિલ્હીમાં પણ લઘુતમ તાપમાન છ ડિગ્રી સેલ્સિયસ સુધી જવાની સંભાવના છે. અહીં અધિકતમ તાપમાન 24 ડિગ્રી સુધી જઇ શકે. દિલ્હીવાસીઓ પણ ધુમ્મસ હેઠળ ઢંકાયેલાં રહે તેવી શક્યતા છે.
ઉત્તરપ્રદેશમાં ઠંડી સાથે ગાઢ ધુમ્મસની આગાહી
ઉત્તરપ્રદેશમાં 14 ડિસેમ્બરથી લઇને 19 ડિસેમ્બર સુધી હવામાન સૂકું રહેવાની સંભાવના છે. ગુરુવારે કેટલાક સ્થાનો પર ગાઢ ધુમ્મસ છવાયેલું રહ્યું હતું. પાટનગર લખનઉમાં સંપૂર્ણ સપ્તાહ દરમિયાન ગાઢ ધુમ્મસ છવાયેલું રહેશે તેમ હવામાન ખાતાએ જણાવ્યું હતું. હવામાન ખાતા અનુસાર આ દરમિયાન શહેરમાં લઘુતમ તાપમાન 10 ડિગ્રી અને મહત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ સુધી જઇ શકે છે. રાજસ્થાનમાં જયપુરમાં આ સપ્તાહે આસમાન સાફ રહેશે. જો કે ઠંડી વધતી રહેશે અને લઘુતમ તાપમાન નવ ડિગ્રી સુધી જઇ શકે છે. જ્યારે મહત્તમ તાપમાન 26 ડિગ્રી સુધી જઇ શકે છે. 18થી 20 ડિસેમ્બર વાદળ છવાયેલા રહેવાની આગાહી છે.


