૨૦૧૭માં રૂપાણી સરકારના સમયમાં શુધ્ધિકરણ યોજના જાહેર થઇ પરંતુ આજે પણ સાકાર નથી થઇ
રાજકોટના આસ્થાના કેન્દ્ર સમાન રામનાથ મહાદેવ મંદિરમાં આજી નદીના દુષિત જળ દર ચોમાસે ફરી વળે છે અને ગંદકી રામનાથ મહાદેવનો અભિષેક કરે છે. પરંતુ અબજો રૂપિયાની મુકનાર ભાજપની સરકાર અને મોટા મોટા પ્રોજેકટો સાકાર કરનાર મનપા તંત્ર રામનાથ મહાદેવ મંદિરનો ઉધ્ધાર કરી શકતા નથી. ૨૦૧૭માં વિજય રૂપાણીના સત્તાકાળમાં મુકાયેલી રામનાથ મહાદેવ શુધ્ધિકરણ યોજના આજે પણ સાકાર નથી થઇ. અયોધ્યામાં રામ મંદિર બનાવી શકનાર ભાજપના નેતાઓને રામનાથ મહાદેવ મંદિરના ઉધ્ધારમાં રસ નથી.
તંત્રની ગંભીર બેદરકારી એ વાતે છે કે નદીને ઘડીક રિવરફ્રન્ટ અને ઘડીક શુધ્ધિકરણની વાતો વચ્ચે બે નાનકડા કામો હાથ ધરાયા તે પણ કરાયા નથી. જેમાં મહત્વના એક કામમાં નદીમાં સેપ્ટીક ટેન્કની ગંદકી સાથે પાણી વહેતું બંધ થાય તે માટે નદીની બન્ને બાજુ ઈન્ટરસેપ્ટર લાઈનનું કામ રૂ।. 10 કરોડમાં હાથ ધરાયું પરંતુ, એજન્સીએ કામ ટલ્લે ચડાવ્યું અને આજે પણ તે પૂરૂં નથી થયું.
ઈ.સ. 2012માં ગુજરાતના મુખ્યમંત્રીએ આજી નદી શુધ્ધિકરણ ઉપર ભાર મુકીને મનપા માટે કરોડોની ગ્રાન્ટની ફાળવણીની જાહેરાત કરી હતી. પરંતુ, પાંચ વર્ષ કોઈ જ કામ ન થયું. ઈ.સ. 2017માં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ધારાસભા ચૂંટણીની આચારસંહિતા શરૂ થાય તે પહેલા દિવાળીના તહેવારોમાં જ નદી કાંઠે સ્વયંભુ મહાદેવ મંદિર આસપાસ વિકાસ માટે રૂ।.પાંચ કરોડ યાત્રાધામ વિકાસ ફંડમાંથી ફાળવીને સરકારના વિભાગ દ્વારા કામનું ખાતમુહુર્ત પણ કરી નાંખ્યું હતું. એકાદ કરોડનું કામ થયું પણ તે એવું અણઘડ થયું કે આખુ કામ વ્યર્થ ગયું છે અને હવે નવેસરથી વિકાસની વાતો થઈ રહી છે.
દર શ્રાવણ માસે અને આજે મહાશિવરાત્રિના પર્વે અહીં હજારો લોકો દર્શનાર્થે ઉમટતા હોય છે ત્યારે વિકાસકામમાં ઘોર બેદરકારીથી આસ્થાને પણ ઠેસ પહોંચે છે. રાજ્યમાં યાત્રાધામોએ સ્વચ્છતા ઝૂંબેશ સરકારે હાથ ધરી ત્યારે અહીં ગંદકી દૂર થઈ શકે તેમ ન હોય પતરાં,આડશો મુકીને તે ઢાંકવી પડી હતી.
આજે 10 વર્ષ બાદ મનપા પાસે વિકાસ કેવો કરવો તેની રૂપરેખા નથી. ઈજનેરોની ફૌજ છે અને અહીં આજી ડેમની અંદરથી મેટ્રો પસાર કરવાની વાત નથી પરંતુ, નદીમાં ગંદુ પાણી વહેતું અટકે, સ્વચ્છ પાણી ભરાયેલું રહે, આજુબાજુ દબાણો દૂર થઈ અને ગ્રીનરી વિકસે તેવા સામાન્ય વિકાસની વાત છે છતાં વિકાસની ડિઝાઈન હજુ નક્કી થઈ નથી.