- વરિષ્ઠ નાગરિકો દ્વારા તે વખતના પ્રાથમિક શાળા તેમજ હાઈસ્કૂલના ગુરુજનોનું પણ સન્માન કરાયું
- રમઝટ સંસ્મરણોની : જીવન સંધ્યાએ પહોંચેલા બાળપણના મિત્રો મળતા ભાવવિભોર થયાં
- સાયલામાં 55 થી 60 વર્ષ અગાઉ હાઇસ્કૂલ તેમજ પ્રાથમિક શાળામાં અભ્યાસ
સાયલામાં 55 થી 60 વર્ષ અગાઉ હાઇસ્કૂલ તેમજ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરી હાલ વિવિધ સ્થાનો પર રહેતા વડીલો દ્વારા સ્નેહમિલનનું આયોજન કરાયું હતું. જીવન સંધ્યાએ પહોંચેલા બાળપણના મિત્રો મળતા ભાવવિભોર દ્રશ્યો સાથે સાડા પાંચ દાયકા પહેલાના સંસ્મરણોની રમઝટ બોલાવાઇ હતી.
સાયલા ના વતની અને હાલ ગુજરાત કે વિદેશમાં સ્થાયી થયેલા વડીલો દ્વારા અભ્યાસકાળ ના મિત્રોને વતનમાં ભેગા મળવાનો સંકલ્પ કરાયો હતો.આ કાર્ય માટે પોરબંદર ખાતે રહેતા અશ્વીનભાઇ દવે,અમદાવાદ રહેતા ઇશ્વરભાઇ કુડેચા સહીતના મિત્રોએ પચાસ કે સાઇઠ વર્ષ અગાઉ સાથે ભણેલા ભાઇઓ બહેનોનો સંપર્ક કરી સાયલા ખાતે વર્ષ 2019 માં પ્રથમ સ્નેહમિલન ગોઠવ્યું હતું.પ્રથમ કાર્યક્રમમાં દર વર્ષે બધાએ મળવાનું નક્કી કર્યું ત્યાં કોરોના મહામારી આવી જતા ત્રણ વર્ષ દરમ્યાન પણ ફેન દ્વારા સંપર્ક માં રહેલા વડીલો ચાર વર્ષે મળતા જુવાન ડોસલાઓ બાળક સહજ ભાવુક બની ગયા હતા.
સઇ સુથાર જ્ઞાતી ની વાડી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં પંચાવન વર્ષ અગાઉ જેમણે વિદ્યા દાન આપ્યું છે તેવા બે ગુરુજનો ને પણ સન્મુખ બેસાડી તેમનું પણ સન્માન કરતા શિક્ષકો એ પણ આશીર્વચન પાઠવ્યા હતા.આ પ્રસંગે હાલ વિદેશ માં રહેતા મિત્રો પણ ખાસ આ કાર્યક્રમ માટે પરીવાર સહ સાયલા આવ્યા હતા. દિવંગત બાળસખા, ભગીનીઓને આ તકે શ્રાધ્ધાંજલિ અર્પિત કરી તેમને યાદ કરાયા હતા. આ કાર્યક્રમમાં જયાં અભ્યાસ કર્યો હતો તે સાર્વજનિક વિદ્યાલય હાઇસ્કુલ કે જે હાલ જર્જરીત અવસ્થામાં છે. તેના માટે કંઇક કરી છૂટવાનો વિચાર રજૂ કરાતા સહુ કોઇએ જે કંઇ કરવું પડે તે માટે તત્પરતા બતાવી હતી.વડીલો,ગુરુજનો તેમજ આમંત્રિત મહેમાનો દ્વારા વર્તમાન સમયમાં શિક્ષણ જ એક વિકલ્પ તરીકે હોવાથી બાળકોને સારામાં સારું શિક્ષણ મળે તેમજ પરીવારના વડીલોના સંસ્કાર મળે તે બાબતે ચર્ચા કરાઇ હતી.


