- બાંધકામોમાં વપરાતી રેતીની અછતને ધ્યાનમાં રાખીને IISc બેંગલુરુના વિજ્ઞાનીઓનું નોંધપાત્ર સંશોધન
- ટેક્નોલોજિસની ટીમે માટી અને બાંધકામના કચરાને CO2 સાથે ટ્રીટ કરીને રેતીનો વિકલ્પ શોધ્યો
- મટિરિયલની મજબૂતાઈમાં નોંધપાત્ર વધારો
બેંગલુરુ સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઑફ સાયન્સ (IISc)ના વિજ્ઞાનીઓએ એક એવું મટિરિયલ બનાવ્યું છે કે જે બાંધકામોમાં રેતીનું સ્થાન લઈ શકે છે. બાંધકામ સામગ્રીમાં નિર્ણાયક ઘટક એવી રેતીની વધતી જતી અછતના પ્રતિભાવ તરીકે આ ડેવલપમેન્ટ આવ્યું છે. IIScના સેન્ટર ફોર સસ્ટેનેબલ ટેક્નોલોજિસ (CST) ખાતેની ટીમ ઔદ્યોગિક કચરાના ગેસમાંથી મેળવેલા કાર્બન ડાયોક્સાઇડ (CO2)નો ઉપયોગ કરવાની પદ્ધતિઓ શોધી રહી છે. તેમણે ખોદાયેલી માટી અને બાંધકામના કચરાને આ CO2 સાથે ટ્રીટ કરીને તેને રેતીના મજબૂત વિકલ્પમાં રૂપાંતરિત કર્યો છે. IISc દ્વારા એક પ્રેસ રિલીઝમાં જણાવાયું હતું કે આ મટિરિયલનો રેતીને અંશતઃ રિપ્લેસ કરવા ઉપયોગ થઈ શકે તેમ છે. તેનાથી બાંધકામ મટિરિયલ્સની પર્યાવરણીય અસર ઘટશે. આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. સૌરદીપ ગુપ્તાના નેતૃત્વમાં કરાયેલું રિસર્ચ દર્શાવે છે કે મોર્ટારમાં CO2- ટ્રીટેડ બાંધકામ કચરાનો ઉપયોગ કરીને CO2-સમૃદ્ધ વાતાવરણમાં ક્યોરિંગ કરવાથી મટિરિયલની મજબૂતાઈમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો.
જેમની લેબ દ્વારા આ સ્ટડીઝ થઈ રહ્યા છે તેવા ડૉ. સૌરદીપ ગુપ્તાએ કહ્યું કે ડીકાર્બનાઇઝેશન લક્ષ્યોને અનુરૂપ રહીને CO2નો ઉપયોગ અને સિક્વેસ્ટ્રેશન લો-કાર્બન પ્રિફેબ્રિકેટેડ બિલ્ડિંગ પ્રોડક્ટ્સના ઉત્પાદન માટે સ્કેલેબલ અને શક્ય ટેક્નોલોજી હોઈ શકે છે. આ ઇનોવેટિવ પ્રોસેસ મટિરિયલની કમ્પ્રેસિવ સ્ટ્રેન્થમાં 20થી 22% જેટલો વધારો કરે છે. તદુપરાંત, માટીમાં સામાન્ય રીતે બાંધકામના સ્થળોએ જોવા મળતું CO2 ઇન્જેક્ટ કરવાથી તે સિમેન્ટ અને ચૂના સાથેની તેની ક્રિયા-પ્રતિક્રિયામાં સુધારો થાય છે. તે માટીને સ્થિર કરવા ઉપરાંત તેનું એકંદર એન્જિનિયરિંગ પરફોર્મન્સ પણ વધારે છે. ડૉ. ગુપ્તાની ટીમે સિમેન્ટ-લાઇમ-સોઇલ કોમ્પોઝિટ્સ બનાવવા માટે ખોદવામાં આવેલી માટીમાં કેપ્ચર કરેલા CO2નો સમાવેશ કરીને સંશોધન કર્યું છે, જે સામાન્ય રીતે મોર્ટારમાં ઉપયોગમાં લેવાતા અડધા જેટલા ફાઇન એગ્રીગેટ્સને બદલે છે.
આ ટેક્નિક કેલ્શિયમ કાર્બોનેટ ક્રિસ્ટલ્સના નિર્માણને પ્રોત્સાહન આપે છે, જેનાથી બાંધકામની મજબૂતાઈ વધે છે અને છિદ્રની જગ્યા ઓછી થાય છે. આ સામગ્રીઓને CO2 સાથે સંપર્કમાં લાવવાથી ક્યોરિંગને વેગ મળે છે અને પ્રારંભિક સ્ટ્રેન્થમાં 30% વધારો થાય છે. સંશોધકોએ સિમેન્ટ, સ્લેગ અને ફ્લાય એશ જેવા બાઇન્ડર સાથે સ્ટેબિલાઇઝડ એક્સ્કેવેટેડ સોઇલનો ઉપયોગ કરીને 3D-પ્રિન્ટેબલ મટિરિયલ્સ પણ ડેવલપ કર્યું છે. આ મટિરિયલ્સ સિમેન્ટ અને રેતીની જરૂરિયાત 50% સુધી ઘટાડે છે. ભાવિ સંશોધનોમાં આ મટિરિયલ્સના ગુણધર્મો પર ઔદ્યોગિક ફ્લૂ ગેસની અસર પર ધ્યાન કેન્દ્રિત કરાશે, જેના પરિણામે ભવિષ્યમાં આ મટિરિયલ્સના ઔદ્યોગિક ઉપયોગનો માર્ગ મોકળો થશે અને સિમેન્ટ-બેઝડ કન્સ્ટ્રક્શન મટિરિયલ્સના સ્ટાન્ડર્ડ્સ પણ રિવાઇઝ થઈ શકે છે.


