ત્રણ સામે ગુનો દાખલ, એકની ધરપકડ : ગોધરાની જય જલારામ સ્કુલમાં ચાલતું સ્કેમ : શિક્ષક અને અધિકારીની ગાડીમાંથી રૂ.૭ લાખ રોકડા મળ્યા
રાજયમાં છેલ્લા ઘણા સમયથી પેપર લીક થવાની ઘટનાઓ તેમજ પૈસા લઇ વિદ્યાર્થીઓને પરીક્ષામાં પાસ કરવાના સ્કેમો ચાલી રહ્યા છે. ત્યારે ગોધરામાંથી નીટની પરીક્ષા પાસ કરાવવાનું મસમોટું કૌભાંડ ઝડપાયું છે. ગોધરાની જલારામ સ્કુલનો એક શિક્ષક અને નીટની પરીક્ષાના એક અધિકારીની ગાડીમાંથી રૂ.૭ લાખ રોકડા મળી આવ્યા હતાં. આ કૌભાંડમાં પોલીસ દ્વારા ત્રણ શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને એકની અટકાયત કરવામાં આવી છે. આ સમગ્ર કૌભાંડ વોટસએપ ચેટના આધારે ઉજાગર થયું હતું.
પંચમહાલ જિલ્લા શિક્ષણાધિકારી કિરીટ મણીલાલ પટેલે ગોધરા તાલુકા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગત તા.પમેના રોજ તેમને સૂચના મળી હતી કે ગોધરાના પરવડી ચોકડી સ્થિત જય જલારામ સ્કુલમાં નીટની પરીક્ષા લેવાની છે. આ પરીક્ષામાં શાળાનો શિક્ષક તુષાર ભટ્ટ ગેરરીતિ કરી કૌભાંડ કરવાનો છે. જેના આધારે જિલ્લા શિક્ષણાધિકારી તેમની ટીમ સાથે તા.૫મીએ સવારે ૧૦ વાગ્યે જય જલારામ સ્કુલ પહોંચી ગયા હતા. જયાં પ્રિન્સિપાલની ચેમ્બરમાં હાજર વ્યકિતઓની પુછપરછ કરતાં તેમાના એક શખ્સે પોતાનું નામ તુષાર રજનીકાંત ભટ્ટ હોવાનું જણાવ્યું હતું. જેથી શિક્ષણાધિકારીની ટીમે તેની પાસેના બે મોબાઇલ જપ્ત કરી તેની તપાસ કરતાં તેમાંથી નીટની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ તેમજ પરીક્ષા કેન્દ્રના નામ સાથેની વિગતો મળી આવી હતી. જે બાદ તુષાર ભટ્ટની ગાડીની તલાસી લેતા તેમાંથી રોકડા રૂ.૭ લાખ મળી આવ્યા હતા. જે બાદ તેની ઘનિષ્ઠ પુછપરછ કરતાં તેણે નીટના પરીક્ષાર્થીઓને ચોરી કરાવી પાસ કરાવવા માટે આ નાણા લીધા હોવાની અને તેમાં વડોદરાના રોય ઓવરસીઝ નામની કંપનીના માલિક પરશુરામ રોય અને જય જલારામ સ્કુલ, ગોધરાના આરીફ વોરા પણ સંડોવાયેલા હોવાની કબુલાત કરતાં જિલ્લા શિક્ષણાધિકારીની ફરિયાદના આધારે પોલીસે ત્રણેય શખ્સ સામે વિશ્વાસઘાત, છેતરપીંડી અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની વિવિધ કલમોના આધારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. જયારે આ કૌભાંડ સામે આવતા શાળા દ્વારા તુષાર ભટ્ટને સસ્પેન્ડ કરી દીધો હતો. જયારે બનાવમાં સંડોવાયેલા પરશુરામ રોયની વડોદરા ખાતેથી અટકાયત કરી ગોધરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરાઇ હોવાનું જાણવા મળેલ છે. પંચમહાલ જિલ્લા કલેકટરની સજાગતાના પરિણામે આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો.
વિદ્યાર્થીઓને નહી આવડતા પ્રશ્નોના જવાબ લખી દેવાના હતા
તુષાર ભટ્ટની પુછપરછમાં નીટની પરીક્ષામાં વિદ્યાર્થીઓને આવડતાં જવાબ લખવાના હતાં. જયારે નહી આવડતાં જવાબ કોરા છોડી દેવાના હોવાનું તમામ વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યું હતું.
જે પરીક્ષા પૂર્ણ થયા બાદ સુપરવાઇઝર પરીક્ષા ખંડમાંથી લેબમાં આવે ત્યારે અને ઓએમઆર શીટ જમા કરાવે ત્યારબાદ નક્કી કરેલા રોલ નંબર વાળા વિદ્યાર્થીઓની આન્સરશીટમાં ખાલી છોડેલા જવાબો લખી દેવાના હતા. આ પરીક્ષાર્થીઓનું લિસ્ટ આરીફ વોરાએ આપ્યું હોવાનું અને તે માટે સવારે ૭ લાખ ઘરે બોલાવીને આપ્યા હોવાનું જણાવ્યું હતું.
કૌભાંડમાં સંડોવાયેલો આરીફ વોરા ભાજપનો કાર્યકર્તા
આ કૌભાંડમાં સંડોવાયેલા આરોપી આરીફ વોરાએ તેની ફેસબુક પ્રોફાઇલ ઉપર તે પંચમહાલ જિલ્લા માઇનોરીટી સેલનો ઉપાધ્યક્ષ હોવાનું દર્શાવ્યું છે. જયારે આ બાબતે ગોધરા શહેર જિલ્લા પ્રમુખ દિલીપ દસાડીયાને પૂછતા તેમણે આરીફ વોરા ભાજપમાં નહી હોવાનું અને તેને એક વર્ષ પહેલા પક્ષમાંથી કાઢી મૂકાયો હોવાનું જણાવ્યું હતું.
રોય ઓવરસીઝના સંચાલકને ગોધરા પોલીસને સોંપવા તજવીજ
નીટની પરીક્ષામાં ચોરીના પ્રકરણમાં જેની સામે ફરિયાદ નોંધાઇ છે તે વડોદરાનો મેડિકલ એડમિશન કન્સલ્ટન્ટ પરશુરામ રોયને વડોદરા પોલીસે ગોધરા પોલીસને સોંપવા તજવીજ કરી છે.
ગોધરામાં છ વિદ્યાર્થીઓને નીટની પરીક્ષામાં ચોરી કરાવવા માટે વિદ્યાર્થી દીઠ રૂ.૧૦ લાખ લેવાનું નક્કી થયું હોવાની ચોંકાવનારી વિગતો ખૂલતાં ગોધરા પોલીસ સમગ્ર પ્રકરણની તપાસ કરી રહી છે.
આ કૌભાંડમાં વડોદરાના વડીવાડી ફાયર સ્ટેશન સામે એટલાન્ટિસ હાઇટસમાં ચોથા માળે રોય ઓવરસીઝ નામની મેડિકલ સ્ટુડન્ટ માટે એડમિશન કન્સલટન્સી ધરાવતા પરશુરામ બિન્ધનાથ રોયે (સમશેરા લકઝુરિયસ એપાર્ટમેન્ટ છાણી, ટીપી-૧3 વડોદરા) પરીક્ષાઓની વિગતો મોકલી તાત્કાલીક વડોદરા પરીક્ષાર્થીઓની વિગતો મોકલી હોવાની વિગતો ખુલતાં ગોધરા પોલીસે તાત્કાલીક વડોદરા એસઓજીનો સં૫ર્ક કર્યો હતો.


