- કર્મનો ઘાટ ત્યાં નિરંતર ગંગા વહે છે, યમુના વહે છે, સરસ્વતી વહે છે
એક પ્રશ્ન છે કે `બાપુ, અમે ભગવાનની પ્રાર્થના કરીએ, પૂજા કરીએ, પાઠ કરીએ તો એમાં સાવધાન રહીને કરીએ કે કેવી રીતે કરીએ?’ સામાન્ય સાવધાની તો રાખવી પડશે, નહીંતર ઠાકોરજી રહી જશે અને આચમનીને સ્નાન કરાવી દેશો! સીધીસાદી જાગૃતિનો સવાલ છે. ક્યાં અર્ચના કરવી, ફૂલ ક્યાં ચડાવવાં, કેવી રીતે ચડાવવાં, સંધ્યા કરવામાં કેટલી આચમની જળ લેવું, ક્યાં માર્જન કરવું, કયા વેદની સંધ્યા છે, એ બધાં સાધનમાં સાવધાની જરૂરી છે. `માનસ’માં, ભગવાનની સ્તુતિ, પૂજા-પાઠ આદિ કરવાં હોય એમાં કયા પ્રકારની સાવધાની રાખવી જોઈએ, એનું એક સૂત્ર આપવામાં આવ્યું છે –
સુનિ બિરંચી મન હરષ તન પુલકિ નયન બહ નીર,
અસ્તુતિ કરત જોરિ કર સાવધાન મતિધીર
આટલું ધ્યાન રાખવું. જ્યારે દેવતાઓએ ભગવાનની સ્તુતિ કરી ત્યારે સૌથી પહેલી સ્તુતિ એ આવી કે મનને સાવધાન કરી દીધું. મન હર્ષિત થયું. એનો મતલબ પહેલી જાગૃતિ એ હોવી જોઈએ કે આપણું મન પ્રસન્ન હોવું જોઈએ. હું તો ત્યાં સુધી છૂટ આપું છું કે સવારે છ વાગ્યે તમે ઠાકોરજીની પૂજા કરતા હો અને છ વાગ્યે તમારું મન પ્રસન્ન ન હોય તો આઠ વાગ્યે પૂજા કરો. હવે તમે કહેશો કે અમારે પૂજા છ વાગ્યે જ કરવી પડે, કેમ કે આઠ વાગ્યે ઓફિસ જવાનું હોય છે. તો હું કહીશ કે પ્રસન્નતા હોય તો ગાડીમાં પૂજા કરી લો. માનસપૂજા પણ થઈ શકે છે. પૂજા કેવળ યંત્રવત્ ન થઈ જાય એટલા માટે જાગૃતિ જરૂરી છે. પાંચ-પાંચ કલાક સુધી પૂજા કરો એ સારી વાત છે, પરંતુ એની શું જરૂર છે? દેશ-કાળ અનુસાર મન પ્રસન્ન રહેવું જોઈએ. મારી વાત ક્યાં સુધી પહોંચશે, ક્યારે પહોંચશે એ અલ્લાહ જાણે! પરંતુ હું કહેતો રહું છું, જ્યાં સુધી મારો સંબંધ છે ત્યાં સુધી, હું જ્યારે રામકથા ગાવા લાગું છું ત્યારે મારી આ કોઈ ધર્મશાળા નથી, પ્રયોગશાળા છે. એમાંથી કંઈક ફલિત થાય. આ પ્રયોગ થઈ રહ્યો છે.
`રામચરિત માનસ’નો `ઉત્તરકાંડ’ આખો ઉપાસનાકાંડ છે. ત્યાં સત્સંગ થઈ રહ્યો છે. ત્રીજો ઘાટ કર્મનો ઘાટ છે. માણસ અકર્મણ્ય ન થઈ જવો જોઈએ. પૂરો સત્સંગ કરી લો પછી તમારી અંદરથી કૃપાનું એક રૂપ પ્રગટ થઈ જશે. આજકાલના વિજ્ઞાનને કારણે એરપોર્ટમાં નિયત સ્થાન પર આપણો પગ પડે છે તો દરવાજો ખૂલી જાય છે. એનાથી થોડો દૂર પગ રહે તો દરવાજો નથી ખૂલતો. સાધકે કર્મઠ રહેવું જોઈએ, અકર્મણ્ય ન થવું જોઈએ. કર્મનો ઘાટ ત્યાં નિરંતર ગંગા વહે છે, યમુના વહે છે, સરસ્વતી વહે છે. ચોથો છે શરણાગતિનો ઘાટ જેને મહાપ્રભુજી નિ:સાધનતા કહે છે. `શરણાગતિ’ શબ્દ ઉચ્ચારવો બહુ આસાન છે. આપણને `શરણાગતિ’ બોલવું પણ સારું લાગે છે, પરંતુ તત્ત્વત: શરણાગતિ મોટાભાગે અસંભવ છે. જ્યાં થઈ જાય છે ત્યાં તો કંઈ કરવાનું શેષ રહેતું જ નથી. ઘણા લોકો કહે છે કે અમે ફલાણાના આશ્રિત છીએ, ફલાણાના ફોલોઅર્સ છીએ. એક ચિઠ્ઠી છે કે `આપના કેટલા ફોલોઅર્સ છે?’ આવો ધંધો કરાય? ડાહ્યો માણસ ન કરે! મજબૂર સાહેબનો શે’ર છે –
ના કોઈ ગુરુ ના કોઈ ચેલા,
મેલે મૈં અકેલા, અકેલે મેં મેલા
પરમાત્મા પાસે પહોંચવા માટે પણ કોઈ દલાલ કે વાયા વ્યવસ્થા છે નહીં. એમ જ નીકળશોને તો તમારે જેમની જરૂર હશે એવા કોઈ ને કોઈ તમને માર્ગમાં મળી જશે. એ આધ્યાત્મિક વ્યવસ્થા છે. જરૂર પડશે ત્યારે કોઈ આવીને ઊભું રહી જશે.