- ભરતસિંહ સોલંકીએ લોકસભાની ચૂંટણી લડવાનો કર્યો ઇન્કાર
- અગાઉ જગદીશ ઠાકોરે ચૂંટણી લડવાનો કર્યો હતો ઈન્કાર
- જગદીશ ઠાકોરે નાદુરસ્ત તબિયતનું કારણ આગળ ધર્યું
કોંગ્રેસમાં લોકસભાની ચૂંટણીના ઉમેદવારોને લઈ મનોમંથન ચાલી રહ્યું છે. ત્યાં એક પછી એક ઉમેદવારોની જાણે અછત પડી રહી હોય તેવું લાગી રહ્યું છે. જેમાં અગાઉ ભરતસિંહ સોલંકીએ ચૂંટણી લડવાની ના પાડી હતી જે પછી હવે પૂર્વ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે પણ ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો છે.
લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાતની રાહ જોવામાં આવી રહી છે. જેમાં કોંગ્રેસના વધુ એક સિનિયર નેતાએ ચૂંટણી લડવામાં અસમર્થતા બતાવી છે. એક પછી એક સિનિયર નેતાઓ ચૂંટણી લડવાથી પાછીપાની કરી રહ્યા છે. જેમાં ભરતસિંહ અને જગદીશ ઠાકોરના નામનો સમાવેશ થઈ રહ્યો છે.
અગાઉ ભરતસિંહ સોલંકીએ લોકસભાની ચૂંટણી લડવાથી ઇન્કાર કર્યો છે. હાલમાં ભરતસિંહ સોલંકી જમ્મુ કાશ્મીરના પ્રભારી તરીકે ફરજ નિભાવી રહ્યા છે. જેથી તેમને ચૂંટણી લડવાની ના પાડી છે. જ્યાં બીજી તરફ પૂર્વ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે નાદુરસ્ત તબિયતનું કારણ આગળ ધર્યું અને ચૂંટણી લડવાની ના પાડી છે.
કેટલાંક નામો લગભગ ફાઈનલ
આ તરફ કોંગ્રેસમાં હાલમાં વિવિધ નામનો વિવિધ બેઠકો પરથી ચર્ચા ચાલી રહી છે. આ વચ્ચે ગુજરાતમાં બનાસકાંઠા – ગેનીબેન ઠાકોર, પાટણ – ચંદનજી ઠાકોર, ગાંધીનગર – હિમાંશુ પટેલ તો છોટા ઉદેપુર – અર્જુન રાઠવા, જ્યારે બારડોલીમાં – આનંદ ચૌધરી અથવા સિદ્ધાર્થ અમરસિંહ ચૌધરીના નામની ચર્ચા છે. જ્યારે વલસાડ – અનંત પટેલ તો અમદાવાદ પૂર્વ – રોહન ગુપ્તા તેમજ અમરેલી – જેનીબેન ઠુમ્મર તેમજ પોરબંદર – લલિત વસોયા અને દમણ-દીવ – કેતન પટેલના નામની ચર્ચા ચાલી રહી છે.


