- જૂની પેન્શન યોજના સહિતની માંગ સાથે સત્યાગ્રણ છાવણી ખાતે ધરણાં
- સરકાર સુધી અવાજ પહોંચડવા રાજ્યભરમાંથી 2000થી પણ વધુ કર્મચારીઓના ગાંધીનગરમાં ધામા
- રાજ્યમાં ફરી એકવાર ચૂંટણી પહેલાં જ આંદોલનો શરૂ થયા છે
જૂની પેન્શન યોજના સહિતની પડતર માંગણીઓને લઈને સરકારી કર્મચારીઓ લાંબા સમયથી આંદોલન ચલાવી રહ્યાં છે. ત્યારે શુક્રવારે રાજ્યભરમાંથી 2 હજારથી વધુ સરકારી કર્મચારીઓ સત્યાગ્રણ છાવણી ખાતે એકઠા થયા હતા. લોકસભા ચૂંટણી પહેલાં જ કર્મચારીઓએ શક્તિપ્રદર્શન કરીને માંગણીઓને લઈને સરકારનું નાક દબાવ્યું હોવાનું કહેવાય છે.
રાજ્યમાં ફરી એકવાર ચૂંટણી પહેલાં જ આંદોલનો શરૂ થયા છે, જેમાં સરકારી કર્મચારીઓએ પોતાના વણઉકેલ્યા અને પડતર પ્રશ્નોને લઈને સરકાર સામે બાંયો ચઢાવી છે. ખાસ કરીને લાખો કર્મચારીઓ જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે લડત ચલાવી રહ્યાં છે. જેને લઈને 14 ફેબ્રુઆરીથી આંદોલાત્મક કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા હતા. રાજ્યભરમાં કર્મચારીઓએ 14 અને 15 ફેબ્રુઆરીએ કાળીપટ્ટી ધારણ કરીને કામગીરી કરી હતી. જે બાદ 16મીએ કાળા કપડાં પહેરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. શુક્રવારે રાજ્યભરમાંથી 2 હજારથી વધુ સરકારી કર્મચારીઓ ગાંધીનગર સત્યાગ્રણ છાવણી ખાતે પહોંચી ગયા હતા. વિવિધ બેનર્સ અને પોસ્ટર સાથે કર્મચારીઓ દ્વારા ઉગ્ર સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. કર્મચારીઓ દ્વારા જૂની પેન્શન યોજનાનો અમલ, ફિક્સ પગાર યોજના મૂળ અસરથી દૂર કરવા, સાતમા પગાર પંચના બાકી રહેલાં ભથ્થા આપવા, કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થુ 25 ટકા અને ઘરભાડું પણ 10,20,30ના ધોરણે આપવા સહિતની માંગણી કરવામાં આવેલી છે. સત્યાગ્રણ છાવણી ખાતે પહોંચેલા કર્મચારીઓએ લાગણી વ્યક્ત કરી હતી કે, લાંબા સમયથી કર્મચારીઓ જૂની પેન્શન યોજના સહિતની માંગણી કરે છે. આ બાબતે અનેકવાર રજૂઆતો, કાર્યક્રમો અને આંદોલન કરવામાં આવ્યા છે. સરકાર સાથે પણ અનેકવાર વાટાઘાટા માટે બેઠકો મળી છે. પરંતુ અંતે કોઈ નિર્ણય આવતો નથી, જેને પગલે કર્મચારીઓમાં આંતરિક રોષની લાગણી ફેલાયેલી છે. આંદોલનને પગલે ગાંધીનગર સહિત રાજ્યની અનેક સરકારી કચેરીઓમાં કર્મચારીઓની પાંખી હાજરી જોવા મળી હતી.


