– ડેરિવેટિવ્ઝ માર્કેટમાં અડધાથી વધુ નવા ગ્રાહકો ૨૫ વર્ષથી ઓછી વયના
– વાયદા બજારમાં કેશ બજાર કરતાં લગભગ ૪૦૦ ગણું ટર્નઓવર નોંધાયું
Updated: Oct 20th, 2023
વધુ કમાવવાની લાલચે આંખ મીચીને જોખમ ખેડતા ખેલાડીઓ
અમદાવાદ : ભારે ઉથલપાથલને પગલે સ્થાનિક ઇક્વિટી બજારો સટોડિયાઓ માટે આકર્ષક બન્યા છે. બજારમાં ઝડપથી વધુ કમાવવાની લાલચે ખેલાડીઓ આંખ મીચીને જોખમ ખેડતા થયા છે તેથી ડેરીવેટિવ્ઝ માર્કેટમાં કેશ બજાર કરતાં લગભગ ૪૦૦ ગણું ટર્નઓવર નોંધાયું છે. એક્સિસ મ્યુચ્યુઅલ ફંડના ‘ગેમફિકેશન ઓફ ઇન્ડિયન ઇક્વિટીઝ’ રિપોર્ટમાં રજૂ કરાયેલા આંકડા અનુસાર સ્થાનિક બજારોમાં સક્રિય ડેરિવેટિવ્ઝ ટ્રેડર્સની સંખ્યા ૨૦૧૯માં ૫ લાખ આસપાસ હતી, જે આજે ૮ ગણી વધીને ૪૦ લાખ થઈ ગઈ છે. તુલનાત્મક રીતે કેશ બજારમાં સમાન સમયગાળા દરમિયાન સંખ્યા ૩૦ લાખથી માત્ર ત્રણ ગણી વધીને ૧.૧ કરોડ થઈ હતી.
રિપોર્ટના ડેટા અનુસાર કુલ ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગ વધીને ૪.૩ લાખ કરોડ ડોલર પ્રતિ દિવસ થયું છે, જે સંલગ્ન કંપનીઓની માર્કેટ કેપિટલ કરતાં ૧.૨ ગણું અને દૈનિક ફ્રી-ફ્લોટ ટર્નઓવર કરતાં ત્રણ ગણું છે.
વધુમાં એક્સિસ મ્યુચ્યુઅલ ફંડના રિપોર્ટમાં જણાવાયું છે કે ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગ લિંક્ડ કેશ માર્કેટ કરતાં ૪૦૦ ગણું અને ડિલિવરી-આધારિત ટ્રેડિંગ કરતાં ૯૦૦ ગણું છે.
વૈશ્વિક સ્તરે પણ ડેરિવેટિવ્ઝ બજારો રોકડ બજારો કરતાં વધુ લોકપ્રિય છે અને ટર્નઓવર હજુ પણ રોકડ બજાર કરતાં ૫-૧૫ ગણું વધારે છે. એક્સિસ મ્યુચ્યુઅલ ફંડ અનુમાન કરે છે કે એક્સચેન્જો વિવિધ કોન્ટ્રાક્ટ માટે સેટલમેન્ટના દિવસો બદલશે અને કોન્ટ્રાક્ટનું કદ ઘટાડશે તો હજી પણ ડેરિવેટિવ્ઝ માર્કેટની લોકપ્રિયતા વધશે.
‘ઇક્વિટી રિટેલ રોકાણકારની સરેરાશ ઉંમર ૩૫ વર્ષ છે, જ્યારે ડિજિટલ ડિસ્કાઉન્ટ બ્રોકર સાથે સંકળાયેલા રોકાણકારની સરેરાશ ઉંમર ૨૯ વર્ષ છે.’ રિપોર્ટમાં જણાવાયું છે. નોંધનીય છે કે ડેરિવેટિવ્ઝ માર્કેટમાં અડધાથી વધુ નવા ગ્રાહકોની ઉંમર ૨૫ વર્ષથી ઓછી છે. ડેરિવેટિવ્ઝ માર્કેટમાં ફ્યુચર્સ અને ઓપ્શનનો સમાવેશ થાય છે, જેમાં કોન્ટ્રેક્ટ ઈન્ડેકસ અને ચોક્કસ શેર સાથે જોડાયેલા હોય છે. જોકે તેમાં ઇન્ડેક્સ ઓપ્શન્સનું પ્રભુત્વ વધુ રહેલું છે, જે કુલ ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગમાં ૯૮ ટકા યોગદાન આપે છે.