– સપ્ટેમ્બર ૨૦૨૨ બાદ એફએન્ડઓના ટર્નઓવરમાં પહેલી વખત ઘટાડો
– ઈઝરાયલ-ગાઝા યુદ્ધ તથા અમેરિકામાં યીલ્ડ વધી જતા વિદેશી રોકાણકારોની વેચવાલી
Updated: Nov 1st, 2023
વિવિધ પ્રતિકૂળ પરિબળો પાછળ ઓકટોબરમાં રોકાણકારોનું માનસ ખરડાયું
મુંબઈ : સ્થાનિક તથા વૈશ્વિક શેરબજારમાં ભારે વોલેટિલિટીને પરિણામે ભારતીય શેરબજારમાં રોકાણકારોનું માનસ ખરડાયું છે અને ઓકટોબરમાં કેશમાં તથા ડેરિવેટિવના દૈનિક વોલ્યુમમાં ઘટાડો જોવા મળ્યો છે. બીએસઈ તથા એનએસઈમાં કેશમાં સરેરાશ દૈનિક ટર્નઓવર સપ્ટેમ્બરની સરખામણીએ વીસ ટકા ઘટી રૂપિયા ૭૨૫૧૨ કરોડ રહ્યું હતું. જૂન ૨૦૨૨ બાદ આ સૌથી મોટો ઘટાડો છે એટલું જ નહીં વર્તમાન વર્ષના માર્ચ બાદ માસિક ધોરણે આ પ્રથમ ઘટાડો હોવાનું પણ પ્રાપ્ત આંકડા જણાવે છે.
આજરીતે બન્ને શેરબજારો પર એફએન્ડઓમાં સરેરાશ દૈનિક ટર્નઓવર પાંચ ટકા ઘટી રૂપિયા ૩૧૫.૫૬ લાખ કરોડ રહ્યું હતું. સપ્ટેમ્બર ૨૦૨૨ બાદ એફએન્ડઓના ટર્નઓવરમાં પહેલી વખત ઘટાડો જોવા મળ્યો છે.
સપ્ટેમ્બર સુધી છેલ્લા બાર મહિનાથી એફએન્ડઓના સરેરાશ દૈનિક ટર્નઓવરમાં વધારો જોવા મળ્યો હતો.
વર્તમાન વર્ષના માર્ચની નીચી સપાટીએથી સપ્ટેમ્બરના મધ્ય સુધી ભારતીય શેરબજારોમાં સતત સુધારો જોવા મળ્યો હતો, પરંતુ ઓકટોબરમાં તેમાં કરેકશન જોવા મળ્યું છે.
ઈઝરાયલ-ગાઝા યુદ્ધ, ક્રુડ તેલના ઊંચા ભાવ તથા અમેરિકામાં યીલ્ડમાં વધારાને કારણે વિદેશી રોકાણકારો માલ વેચી રહ્યા છે, જેને કારણે બજારમાં વોલેટિલિટી સાથે ઘટાડો જોવા મળી રહ્યો છે, એમ એક એનાલિસ્ટે જણાવ્યું હતું.
બજારમાં સુધારો અટકતા ખેલાડીઓ અને રોકાણકારોના સહભાગમાં પણ ઘટાડો થયો છે,જેને પરિણામે દૈનિક ટર્નઓવરમાં ઘટાડો જોવા મળ્યો છે. વિદેશી રોકાણકારોએ ઓકટોબરમાં કેશમાં રૂપિયા ૨૮૦૦૦ કરોડથી વધુની નેટ વેચવાલી કરી છે.
ઓકટોબરમાં વૈશ્વિક બજારોમાં પણ ભારે વોલેટિલિટી જોવા મળી છે અને અમેરિકામાં બોન્ડ પરની યીલ્ડ વધીને પાંચ ટકા સાથે અનેક વર્ષની ઊંચી સપાટીએ પહોંચી છે. ક્રુડ તેલનો ભાવ પણ પ્રતિ બેરલ ૯૦ ડોલરને પાર કરી ગયો હતો જેને પરિણામે રોકાણકારોનું માનસ ખરડાયું છે એમ વિશ્લેષકે ઉમેર્યું હતું.