- પૂર્વ કોંગી નેતાએ પાર્ટી પર ઠાલવ્યો બળાપો
- કોંગ્રેસ ડૂબતું જહાજ છે- પ્રમોદ કૃષ્ણમ
- ‘ત્રીજી વખત પણ બનશે મોદી સરકાર’
કોંગ્રેસ પાર્ટીમાંથી હાંકી કઢાયેલા નેતા અને કલ્કિ પીઠાધીશ્વર આચાર્ય પ્રમોદ કૃષ્ણમે ફરી એકવાર કોંગ્રેસને આડેહાથ લીધી છે. તેમણે આજે પ્રેસ કોન્ફરન્સ સંબોધતા રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કોંગ્રેસની બરબાદી માટે રાહુલ ગાંધીને સીધા જવાબદાર ઠેરવીને કહ્યું કે ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને સોનિયા ગાંધી સાથે જે નેતા હતા તેમનું આજે અપમાન થઈ રહ્યું છે. આ તિરસ્કાર કોંગ્રેસને બરબાદ કરી દેશે.
કોંગ્રેસ ડૂબતુ જહાંજ – પ્રમોદ કૃષ્ણમ
તેમણે વધુમાં જણાવ્યું કે જ્યાં સુધી રાહુલ ગાંધી કોંગ્રેસમાં રહેશે ત્યાં સુધી કોંગ્રેસ ક્યારેય ઊભી થઈ શકશે નહીં. જો તમે કમલનાથ, દિગ્વિજય, જિતિન પ્રસાદ, આરપીએન સિંહ, આનંદ શર્મા, સુષ્મિતા દેવ, ગુલામ નબી આઝાદ જેવા નેતાઓ સાથે વાત કરશો તો સત્ય સામે આવશે. પરંતુ એટલુ જ નહી પ્રિયંકા ખુદ પણ કોંગ્રેસમાં સરવાઇવ કરી રહી છે. તેમણે કહ્યું કે ડૂબતા જહાજ પર કોણ રહેવા માંગશે? કોંગ્રેસ ડૂબતું જહાજ છે. રાહુલ ગાંધી જે વહાણ ચલાવી રહ્યા છે તેમાંથી દરેક જણ કૂદી જશે. લોકો કૂદશે અને તરશે અથવા સલામત રીતે તરશે. વરિષ્ઠ નેતાઓ સહિત ઘણા વધુ લોકો આમ કરશે. તેમણે વધુમાં જણાવ્યું કે તેમના નિવેદનો અને નિર્ણયો કોંગ્રેસને દુ:ખદ અંત તરફ લઈ જઈ રહ્યા છે.
નાસમજ વ્યક્તિની વાતોને ગંભીરતાથી ન લેવી-પ્રમોદ કૃષ્ણમ
પીએમ મોદી સતત ત્રીજી મુદત માટે કાર્યાલય પર પાછા ફરશે તેની ‘કોઈ ગેરંટી’ નથી તેમ રાહુલ ગાંધીના દાવા વચ્ચે પ્રમોદ કૃષ્ણમે જણાવ્યું કે જુઓ, જે વ્યક્તિએ પોતાનું દિમાગ ગુમાવ્યું હોય તે કંઇ પણ કહી શકે છે. આપણે જોયુ છે કે બાળકો હંમેશા કોઇ મતલબ કાઢ્યા વગર વાત કરી રહ્યા હોય છે. તેવી જ રીતે એક નાસમજ વ્યક્તિની વાતોને ગંભીરતાથી લેવાની જરૂર નથી.
‘ત્રીજી વખત પણ બનશે મોદી સરકાર’
ગઠબંધન અંગે આચાર્ય પ્રમોદ ક્રિષ્નમે કહ્યું કે આ ચોરો દ્વારા રચાયેલું જોડાણ છે. જેઓ એકબીજાની પીઠમાં છરા મારી રહ્યા છે. આ ગઠબંધન મોદી સાથે સ્પર્ધા કરી શકે તેમ નથી. જનતા મોદીની સાથે છે, કેન્દ્રમાં ત્રીજી વખત પણ મોદી સરકાર બનશે.
માયાવતીજી સમજદાર છે- પ્રમોદ કૃષ્ણમ
માયાવતીના મહાગઠબંધનમાં સામેલ થવાના પ્રશ્ન પર તેમણે કહ્યું કે માયાવતીજી સમજદાર છે અને તેઓ જાણે છે કે ચોરોના જૂથમાં જોડાવાનો નિર્ણય યોગ્ય રહેશે નહીં. તેમણે જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાને રામ ભક્ત ગણાવતા આચાર્ય પ્રમોદ ક્રિષ્નમે કોંગ્રેસ અને મહાગઠબંધન પર જોરદાર પ્રહારો કર્યા હતા.


