રાજકોટમાં કેન્સરના મહિલા દર્દીઓનો ફેશન શો યોજાશે
કેન્સર સામે જાગૃતિના ઉદ્દેશ્ય સાથે યોજાનાર આ ફેશન શોમાં દર્દીઓ,ડોક્ટર તેમજ રાજ્યની અનેકવિધ મહિલા હસ્તીઓ ભાગ લેશે
કેન્સર શબ્દ સાંભળતા જ વ્યક્તિ જિંદગીથી હારી જાય છે પરંતુ કેન્સર એટલે કેન્સલ નહીં એવું સમજાવવા અનેક પ્રવૃત્તિઓ થતી હોય છે.કેન્સરગ્રસ્ત વ્યક્તિ હતાશ ન થાય,જિંદગી સામે સકારાત્મકતા થી જીવે તે માટે અનેક સંસ્થાઓ કાર્યરત છે ત્યારે મહિલાઓને થતા કેન્સર સામે જાગૃતિ, મદદ અને માર્ગદર્શનના ઉદ્દેશ સાથે રાજકોટમાં ગુજરાતના સૌથી મોટામાં મોટા કેન્સરના મહિલા દર્દીઓના ફેશન શોનું આયોજન થયું છે. એક ઐતિહાસિક ઘટના સ્વરૂપે આકાર લઇ રહેલ આ ફેશન શો કાલાવડ રોડ સ્થિત સયાજી હોટલ ખાતે તા.18 મેના રોજ સાંજે 6 વાગ્યેથી શરૂ થશે..
કેન્સર પીડિત મહિલાઓમાં આત્મવિશ્વાસનું પુનઃ નિર્માણ થાય અને તેમનામાં હકારાત્મક દ્રષ્ટિકોણ કેળવાય તે બાબતને ધ્યાનમાં રાખીને યોજાઇ રહેલ આ ફેશન શોમાં કેન્સર પીડિત બહેનો ઉપરાંત ગુજરાતની મોડેલ્સ, અભિનેત્રીઓ, પ્રતિષ્ઠિત બહેનો ઉપરાંત મહિલા ડોક્ટરો રેમ્પ વોક પર ઉતરશે.
રાજકોટની કેન્સર ક્લબના સ્થાપક અશ્વિનભાઈ સોલંકીના વળપણ તળે તાજેતરમાં કેન્સર ફેશન શો અંગે મળેલી એક બેઠકમાં કેન્સર ક્લબના સભ્યો સર્વ માધવીબેન રાઠોડ, નીલિમાબેન શાહ, ભારતીબેન કોરિયા, જ્યોતિબેન જોશી, સ્વાતિબેન શાસ્ત્રી, જલ્પાબેન કુબાવત, તૃષા વિઠલાણી, રેખાબેન ઉંજીયા, ડો. આસ્થાબેન જાડેજા, ડો.ઋતવાબેન સોલંકી, જીગરભાઈ યાજ્ઞિક, સાગરભાઇ દવે, સરજુભાઈ કારીયા, નરેન્દ્રસિંહ વાઘેલા,નીરવભાઈ વિઠલાણી, ડો.કાન્તિ ઠેસિયા વગેરેએ ઉપસ્થિત રહીને કાર્યક્રમ અંગે સ્વયં જવાબદારીઓ સ્વીકારી, કાર્યક્રમને સફળ બનાવવા સંકલ્પ કર્યો હતો
આ ફેશન શોમાં ભાગ લેવા માટે અશ્વિન સોલંકી વોટ્સએપ 98248 10036, માધવીબેન રાઠોડ 94262 16905 અથવા જલ્પાબેન કુબાવત 96646 96501નો સંપર્ક કરવા માટે કેન્સર ક્લબના સ્થાપક અશ્વિનભાઈ સોલંકીની એક યાદીમાં જણાવાયું હતું