ધનદેવ નામના એક શ્રીમંત શેઠને જિનદત્ત નામનો દીકરો હતો. પિતા ધનદેવે જિનદત્તને ચાર કન્યાઓ સાથે પરણાવેલો. અત્યંત આનંદપ્રમોદ સાથે જિનદત્ત જીવન જીવતો હતો. ચારેય પત્નીઓ અત્યંત પ્રેમાળ હતી.
પિતા ધનદેવના મરણ પછી બધો કારોબાર જિનદત્તે સંભાળી લીધો હતો. વ્યાપાર અને વહેવારમાં એનું નામ સન્માનપૂર્વક લેવાતું હતું. એક દિવસ રાતે ચારે પત્નીઓ સાથે પ્રેમપૂર્વક વાર્તાલાપ કરી રહ્યો હતો એ સમયે અચાનક હૃદય બંધ પડવાના કારણે એ પરલોકનો પથિક બની ગયો.
ચારેય પત્નીઓ દુ:ખી થઈ ગઈ. ધનશ્રી જિનદત્તની માતા હોશિયાર અને ચતુર હતી. એણે વિચાર કર્યો અત્યારે જો આપણે સમજદારીપૂર્વક કામ કરીશું નહીં તો આપણું ઘર બરબાદ થઈ જશે.
રાજાઓનો એક એવો નિયમ હોય છે કે કોઈ પણ અપુત્ર વ્યક્તિ એટલે કે જેને ઘેર દીકરો ન હોય એવો ઘરનો માલિક પરલોક ચાલી જાય એની સંપત્તિનો માલિક રાજા જ બને.
રાજા બધું લઈને જતો રહે તો આપણે ઘર કેમ ચલાવવું? આના માટે કંઈક વિચાર કરવો પડશે.
આખી વાતની ગંભીરતાની સ્પષ્ટતા કરીને એણે કહ્યું, આપણે સંપત્તિનો મોહ રાખવાની જરૂર નથી, પણ આપણા ઘરના મોભા પ્રમાણે ઘર તો ચલાવવું જ પડે. એટલા માટે જિનદત્તના સ્વર્ગગમનની વાત કોઈની સામે કરશો નહીં. અને તમારે એક બીજું કામ એ કરવાનું કે તમારે લાયક પતિ શોધી લાવો અને એની સાથે લગ્ન કરી લો.
ચારેય પોતાને લાયક પતિ શોધવા નીકળી. ચારેય વચ્ચે પતિ તો પાછો એક જ હોવો જોઈએ.
***
દત્તપુણ્ય નામનો એક છોકરો રાજગૃહી નગરમાં રહેતો હતો. અત્યંત ધાર્મિક વૃત્તિ. આખો દિવસ સાધુની સંગતિમાં જ રહેવાનું. એના પિતા ધનેશ્વર અઢળક સંપત્તિના સ્વામી હતા. એમણે વિચાર કર્યો, `એકનો એક દીકરો સાધુ સંન્યાસીના રવાડે ચઢી જાય અને ભવિષ્યમાં દીક્ષા લઈ લે તો મારી આટલી બધી સંપત્તિ શું કરવાની? આ છોકરાને સાધુ સંન્યાસીની લત છોડાવવી પડશે.’
ધનેશ્વરે આવો વિચાર કર્યો એ તો ઠીક, પણ એને એવા છોકરાઓની સાથે જોડી દીધો કે જે છોકરાઓ વ્યસનો અને વેશ્યામાં આસક્ત હોય. ગંદી આદતોવાળા હોય. એનો વિચાર એવો હતો કે આવા છોકરાઓની સાથે ફરતો થશે તો સાધુઓની સંગત છૂટી જશે અને સંન્યાસી બનવાનો વિચાર તો કરશે નહીં.
છોકરો પણ હવે બરાબરનો કુસંગે ચડેલો છે. આખો દિવસ આવા છોકરાઓ સાથે જ રખડવાનું. ઘેર મોડા જ આવવાનું પૈસા લાવવાના અને જુગાર રમવાનો. હવે જુગાર તો કેવી લત છે ગમે તેટલું હોય બધું જ સ્વાહા કરી જાય.
થોડા દિવસ તો માતા-પિતા રાજી થઈ ગયાં, પણ પછી એવો દિવસ આવ્યો કે તિજોરીએ તળિયું દેખાડવા લાગ્યું. પિતા દીકરાને પાછો વાળવાના પ્રયત્નો કરવા લાગ્યા, પણ હવે દીકરો પાછો વળતો હશે? ચિંતામાં ને ચિંતામાં માતા-પિતાનું અવસાન થયું. શીલવતી નામની એની પત્ની વાસ્તવમાં શીલવતી જ હતી. આવો નિમ્ન કક્ષાનો હોવા છતાં એ પતિને પરમેશ્વર માનતી. ઘરમાં હતું ત્યાં સુધી એણે આપ્યું. ન હતું તો પોતાના દાગીના-ઘરેણાં પણ ઉતારીને આપ્યાં.
વેશ્યાની માલિકણે શેરડીના સાઠામાંથી જેમ રસ નીકળી જાય તેમ દત્તપુણ્યને ધક્કો મારીને ઘરમાંથી બહાર કાઢી મૂક્યો.
એ ઘેર ગયો. પત્ની શીલવતી રાજી થઈ ગઈ. છેવટે પતિ ઘેર તો આવ્યો. એણે પતિનું સ્વાગત કર્યું. દત્તપુણ્યે મનોમન બેય સ્ત્રીઓની સરખામણી કરી. બંને સ્ત્રીઓમાં કેટલો બધો ફરક છે. એકે લીધા પછી તરછોડ્યો અને બીજીએ આવ્યા પછી પણ આવકાર્યો. પોતાના વર્તનથી એ શરમાયો. પત્નીના સારા વહેવારે પોતાની જાતને સતત કોસતો રહ્યો. `અરેરે! મેં કેવાં કામો કર્યાં. આવી સન્નારીની મેં અવગણના કરી?’
સહજ ઉત્તમતા માણસને સારા વિચારો કરાવે જ. પત્ની એને સંભાળી લે છે. એના દુર્ગુણોને પ્રેમથી સદ્ગુણોમાં પલટાવી દીધા. એક દિવસ બેય જણાં બેઠાં છે. પ્રેમથી વાર્તાલાપ કરી રહ્યાં છે. પ્રેમાલાપથી પેટ તો ભરાય નહીં. આજ સુધી દારૂ અને જુગાર સિવાય કોઈ કામ કર્યું જ નથી, હવે કરવું શું?
પત્ની કહે છે ગઈ ગુજરી ભૂલી જાવ. પરદેશ જાવ અને ધન કમાઈ લાવો. ભલે કંઈ આવડે કે ન આવડે તમે કિસ્મતવાળા છો તમારા કિસ્મતને જગાડો.
એક દિવસ ગમે ત્યાંથી લાવીને એક હજાર સોનામહોર પત્નીને આપી. શીલવતી જોકે સગર્ભા હતી, પણ એને એણે સમજાવીને પરદેશના પંથે પ્રયાણ કર્યું.
કોઈ સાથે ધનોપાર્જન માટે એ તો રવાના થયો. રાતનો સમય હતો. એક નિર્જન દેવાલયમાં એ સૂતો છે, ગમે ત્યાંથી પલંગ લાવેલો. ઘસઘસાટ ઊંઘે છે. એની તો ઊંઘ પણ જબરી. થાક પણ લાગેલો.
પેલી ચારે સ્ત્રીઓ પતિ શોધવા નીકળી છે એ જ દેવાલય પાસે આવી છે. આને જોયો. ચારે ધીમેથી સંકેત કરે છે, `આ જ બરાબર છે. શરીરે સશક્ત છે’ ચાંદાનો પ્રકાશ ચહેરાને ચમકાવે છે. ચારેને ગમી ગયો. ચારે જણીઓએ એક એક પાયાથી પલંગ ઉપાડ્યો પોતાના ઘરમાં લઈ આવી.
સવારે એ જ્યારે જાગ્યો ત્યારે એણે બધું અજીબ જોયું, પણ કંઈ બોલવામાં એને સાર ન દેખાયો.
પેલી ચાર પત્ની અને પાંચમી મા પાંચે સ્ત્રીઓ કૃતપુણ્યની સેવા કરે છે. એમ કરતાં ચારેયને એક એક બાળક થાય છે. હવે આપણને આ માણસનું કામ નથી.
એક દિવસ રાતે પલંગ ઉપર સૂતેલા કૃતપુણ્યને ઉપાડી જ્યાંથી લાવેલા એ જ દેવાલયમાં મૂકી આવ્યા.
ભાગ્યનો ખેલ પણ જુઓ પેલો સાર્થવાહ પણ એ દિવસે ત્યાં આવેલો. સવારે જ્યારે જાગ્યો ત્યારે એણે વિચાર કર્યો હું ક્યાં છું. અરે મારું ઘર! મારી પત્નીઓ બધાં ક્યાં ગયાં? એવામાં એની પત્નીને સમાચાર મળ્યા હશે તે ત્યાં આવી કૃતપુણ્યને લઈને પોતાના ઘેર ગઈ.
કૃતપુણ્યનું મગજ કામ કરતું નથી. ચાર પત્નીઓ હતી. એ ક્યાં ગઈ? અહીં જ વર્ષો પહેલા હું સૂતો હતો અને એ જ જગ્યાએ હું પાછો એવી જ સ્થિતિમાં કેવી રીતે આવ્યો? કંઈ સમજ પડતી નથી.
એની પત્ની શીલવતી એને પૂછે છે ક્યાં જઈ આવ્યા? શું કમાઈ આવ્યા? કેવા કેવા અનુભવો કરી આવ્યા? આ બધા પ્રશ્નો કરે છે, પણ આ તો કોઈ જવાબ જ આપતો નથી? ક્યાંથી આપે? એણે જે અનુભવો કરેલા એ તો સપના જેવા હતા. એની વાત કોઈ સાંભળે તો પણ માનવામાં ન આવે.
એક દિવસ એ શાંતિથી વિચાર કરતો બેઠો હતો. એનો પાંચ-સાત વર્ષનો બાળક રડી રહ્યો હતો. એણે એને એક લાડુ આપ્યો કે જે લાડુ પેલી ચાર સ્ત્રીઓએ એની સાથે બાંધીને આપેલો હતો.
પેલો છોકરો ત્યાંથી રવાના થયો. લાડુ ખાતાં એમાંથી એક નાની લખોટી જેવો પથ્થર નીકળ્યો. સરસ મજાનો ચમકતો પથ્થર જોઈને એ ખુશ ખુશ થઈ ગયો. પથ્થર એ પોતાની પાસે જ રાખે છે, રમે છે અને આનંદ કરે છે.
મિત્રોની સાથે મીઠાઈવાળાની દુકાન પાસે ઊભો હતો એના હાથમાંથી પથ્થર પડી ગયો. ત્યાં એક પાણીનું કૂંડું પડેલું એમાં રીતસરના બે ભાગ પાણીના બની ગયા. મીઠાઈવાળાએ પથ્થર પોતાની પાસે રાખી લીધો. એ સમજી ગયો એ પથ્થર નથી, પણ જલકાંત મણિ છે.
એક દિવસ શ્રોણિક રાજાનો સેચનક હાથી તળાવમાં પાણી પીવા ગયેલો. અચાનક એક મગરે એનો પગ પકડ્યો. એને છોડાવવા ઘણો પ્રયત્ન કર્યો પણ છોડે નહીં. રાજાએ ઘોષણા કરાવી કોઈની પાસે જલકાંત મણિ હોય તો આપે. એને સારામાં સારું ઈનામ આપવામાં આવશે અને મણિ પરત કરવામાં આવશે.
મીઠાઈવાળો મણિ લઈને ગયો. હાથી છૂટો થયો. મંત્રી અભયકુમારે વિચાર્યું મીઠાઈવાળા પાસે આવો મણિ કેવી રીતે હોઈ શકે?
એણે મીઠાઈવાળાની પૂછપરછ કરીને જાણ્યું કે આ મણિ કૃતપુણ્ય પાસેથી મળેલો છે. એને મળ્યો. કેવી રીતે આ મણિ તને મળ્યો? એના જવાબમાં એણે પોતાની વાત જણાવી.
અભયકુમારે પોતાની બુદ્ધિના બળે ચારે પત્નીઓ સાથે મેળાપ કરાવી આપ્યો. પૂર્વની ચારે પત્નીઓ અને અનંગસેના વેશ્યા પણ કૃતપુણ્યના પુણ્યથી આકર્ષાઈને આવે છે. બધાં સુખપૂર્વક રહે છે. એકવાર ભગવાન મહાવીર પ્રભુ રાજગૃહી પધારે છે. તેમને પોતાના જીવનની વિચિત્રતાનું કારણ પૂછે. ભગવાન એના પૂર્વભવના પ્રસંગો દ્વારા ઊભા થયેલા કર્મબંધનની વાતો બતાવે છે. એ સાંભળીને એને વૈરાગ્ય થાય અને ભગવાન પાસે સંયમનો સ્વીકાર કરીને સારી રીતે સંયમ જીવનનું પાલન કરવા દેવલોકમાં જાય છે.
માણસના જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ સર્જાય, પણ ચિત્તને ભગવાનના ભરોસે છોડવામાં આવે તો આપણું જીવન ઉન્નત બને. આપણા જીવનનો વિચાર કરીને આગળ વધીએ.