દક્ષિણના દરિયાકાંઠે કરંટ : ૬૦ દિવસ સુધી દરિયો નહી ખેડવા માછીમારોને સૂચના : એક સાથે બે વાવાઝોડા ત્રાટકવાની આગાહી
આંદામાન-નિકોબાર ટાપુઓ પર ચોમાસાનો પગરવ ચાર દિવસ પહેલા જ આવી ગયો છે અને દક્ષિણના રાજયોમાં તા.3૦મીથી ચોમાસુ બેસવાની આગાહી કરવામાં આવી છે. તેના ચાર દિવસ અગાઉ જ તા.૨૪મી આજુબાજુ બંગાળની ખાડીમાં વાવાઝોડું ત્રાટકવાની શકયતા દર્શાવવામાં આવી છે. હળવા તેમજ તીવ્ર વાવાઝોડાંની હવામાન વિભાગ દ્વારા જાહેરાત કરાઇ છે. ગુજરાતમાં પણ તા.૨૦મી જુન સુધીમાં ચોમાસું આવી જશે. ગુજરાત સહિતના રાજયોમાં બે મોટા વાવાઝોડાં આવવાની આગાહી કરવામાં આવી છે.
બંગાળની ખાડી ઉપરાંત અરબી સમુદ્રમાં પણ વાદળોની જમાવટ થઈ રહી છે જો કે ત્યાં હજુ સીસ્ટમ વાવાઝોડામાં ફેરવાય તેવા સંજોગો આજ સુધી જણાયા નથી. પરતુ, તમિલનાડુમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને ત્યાંથી મહારાષ્ટ્ર સુધી ટ્રોફ ઉપરાંત ઉત્તર કેરલ ઉપર પણ સાયક્લોનિક સર્ક્યુલેશનથી દક્ષિણ ભારતમાં ગાજવીજ સાથે વ્યાપક વરસાદની ચેતવણી જારી કરાઈ છે તેમજ દરિયામાં કરન્ટ વર્તાઈ રહ્યો છે ,તોફાની પવન શરૂ થયો છે જેના પગલે આજે ગોવા,કોંકણ દરિયાકાંઠે, તા.23 સુધી કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી વગેરે દરિયાકાંઠે નહીં જવા માછીમારોને સલાહ અપાઈ છે.
એકંદરે દેશની દક્ષિણે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં વાદળોની જમાવટ સાથે વરસાદી સીસ્ટમ બંધાઈ છે અને ચક્રવાતની પૂરી સંભાવના વચ્ચે વાવાઝોડા સાથે જ ચોમાસુ બેસે તેવા એંધાણ મળી રહ્યા છે. જો પૂર્વાનુમાન મૂજબ તા. 30 મે સુધીમાં ચોમાસુ બેસી જાય અને સામાન્ય ગતિ મૂજબ આગળ વધે તો ગુજરાતમાં તા. 20 પહેલા જ મેઘરાજાના મંડાણની શક્યતા છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ પશ્ચિમ બંગાળમાં વાવાઝોડું આવશે અને ૧૦૦થી ૧૨૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે. ગુજરાતમાં પણ વરસાદ સાથે ભારે તોફાની પવન આવશે. બંગાળની ખાડીમાં ભીષણ ચક્રવાત આકાર લેશે અને મે મહિનાના અંતમાં કે જૂન મહિનાની શરૂઆતમાં આ વાવાઝોડું ગુજરાત પર ત્રાટકશે.


