- સમયસર પેપર કેવી રીતે પૂરું કરવું, છેલ્લી ઘડીએ રાઇટર સહિતના પ્રશ્નો પૂછાયા
- બોર્ડની હેલ્પ લાઈનને 3,389 કોલ મળ્યા
- શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓ માટે હેલ્પ લાઈન શરૂ કરવામાં આવી
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ.10 અને 12ના વિદ્યાર્થીઓ માટે હેલ્પ લાઈન શરૂ કરવામાં આવી છે, જેમાં એક સાથે 10 લાઈન શરૂ કરાયેલી છે. અત્યાર સુધીમાં બોર્ડની હેલ્પ લાઈમમાં જુદા જુદા પ્રશ્નો સાથે વિદ્યાર્થીઓ તેમજ વાલીઓના 3,389 જેટલા કોલ આવ્યાં છે. બીજી તરફ શહેર ડીઈઓ કચેરી દ્વારા શરૂ કરાયેલી સારથી વોટ્સએપ હેલ્પ લાઈનમાં 388 પ્રશ્નો આવ્યાં છે. ડીઈઓ કચેરીની સારથી હેલ્પ લાઈને ધોરણ.12ના વિદ્યાર્થીનું વર્ષ બગડતાં બચાવ્યું હોવાની વિગત સામે આવી છે. ધોરણ.12ના એક ખાનગી વિદ્યાર્થી પાસે હોલ ટિકિટ જ નહોતી અને 1 કલાક પહેલા સારથી હેલ્પ લાઈનનો સંપર્ક કરતાં તેને હોલ ટિકિટ પ્રાપ્ત થઈ હતી. આ સિવાય હેલ્પ લાઈનમાં સમયસર પેપર કેવી રીતે પૂરું કરવું, છેલ્લી ઘડીએ રાઈટરની જરૂરિયાત, વધુ ઊંચુ પરિણામ કેવી રીતે મેળવવુ તેમજ આગળના અભ્યાસને લઈ પણ પ્રશ્નો આવે છે.
ધોરણ-12ની ભૂગોળની પરીક્ષા સવારે 10-30 વાગ્યે શરૂ થવાની હતી અને વિદ્યાર્થીએ પરીક્ષાના સ્થળ પર 10 વાગ્યે પહોંચાવાનું હોય છે. જ્યારે 9 વાગ્યે ફોન આવ્યો તો હેલ્પલાઈનની ટીમ પાસે વિદ્યાર્થીને મદદ કરવા માટે માત્ર 60 મિનિટનો જ સમય હતો.
જેથી એક પણ મિનિટનો વ્યય કર્યા વગર હેલ્પલાઈનની ટીમ દ્વારા કામગીરી શરૂ કરી હતી. જેમાં વિદ્યાર્થીએ કેડિલા હાઈસ્કૂલમાંથી ફોર્મ ભર્યું હોવાથી સ્કૂલના આચાર્ય, બીટ નિરીક્ષક તથા જિલ્લા શિક્ષણાધિકારી સાથે વાત કરી વિદ્યાર્થીને હોલ ટિકિટ અપાવી હતી. આ વિદ્યાર્થીને સારંગપુર ખાતે આવેલી ઉપાસના વિનય મંદિર સ્કૂલમાં પરીક્ષા આપવાની હતી. જેથી હેલ્પલાઈનની મદદથી સમયસર વિદ્યાર્થીને પહોંચડવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. વિષય શિક્ષકોની ટીમ, મનોચિકિત્સકની ટીમ બેસાડવામાં આવેલી છે.


