- પાણીના તળ જળવાઇ રહેશે અને વર્ષો જૂની પાણીની સમસ્યા હલ થશે
- કન્સલ્ટ દ્વારા નદીમાં 9 કિમોમીટર સુધીમાં સર્વેની કામગીરી હાથ ધરી હતી
- બનાસનદી પર ચેકડેમ બનાવવા માટે સર્વેની કામગીરી હાથ ધરી છે
ડીસામાં બનાસનદી પર ચેકડેમ બનાવવા માટે તંત્ર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાઈ છે. મંગળવારે સિંચાઈ વિભાગ અને ભૂમિ કન્સલ્ટ દ્વારા નદીમાં 9 કિમોમીટર સુધીમાં સર્વેની કામગીરી હાથ ધરી હતી.
ડીસા સહિત આજુબાજુના વિસ્તારમાં પાણીના તળ દિવસેને દિવસે ઊંડા જઈ રહ્યા છે. તેના કારણે ખેડૂતોને સિંચાઈની સમસ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. બનાસનદીમાં પાણીના તળ જળવાઈ રહે તે માટે નેતાઓ અને ખેડૂતોઓએ સરકારમાં રજૂઆત કરી હતી. જેના ઉપાય માટે ડીસા પાસે બનાસનદીમાં ચેકડેમ બનાવવામાં આવે તો પાણીનો સંગ્રહ થાય અને તેનાથી પાણીના તળ જળવાઈ રહેતા ખેડૂતોને સિંચાઈમાં પડતી તકલીફનો ઘટાડો થઈ શકે તેવી રજૂઆતને પગલે સરકારે હવે બનાસનદી પર ચેકડેમ બનાવવા માટે સર્વેની કામગીરી હાથ ધરી છે.
સિંચાઈ વિભાગ અને ભૂમિ કન્સલ્ટ નામની એજન્સીની સંયુક્ત ટીમ બનાસનદી પર સર્વેની કામગીરી શરૂ કરી છે. આ ટીમ આગામી 8 થી 10 દિવસ સુધી બનાસનદીમાં 9 કિલોમીટર સુધીના વિસ્તારમાં સર્વે કરશે.બનાસનદીના બંને કાંઠાનો વિસ્તાર, સોઈલ ટેસ્ટિંગ સહિત અલગ અલગ બાબતોની તપાસ કરવામાં આવશે અને સર્વે કર્યા બાદ તેનો રિપોર્ટ સરકારમાં રજૂ કરાશે. ત્યારબાદ આ રિપોર્ટના આધારે ચેકડેમ બનાવવા માટેની પ્રક્રિયા હાથ ધરાશે.


