- 480 કરોડના ડ્રગ્સ સાથે 6 પાકિસ્તાની પકડાયા
- ATS અને NCB કોસ્ટગાર્ડનું સંયુક્ત ઓપરેશન
- પોરબંદરથી 350 કિમી દૂરથી ઝડપાયું ડ્રગ્સ
ગુજરાતના દરિયાકિનારે ફરી એકવાર ATS અને NCB ને મોટી સફળતા મળી છે. જેમાં ગુજરાતના દરિયા કિનારે વધુ એક ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. જેમાં ગુજરાતની દરિયાઈ સરહદમાંથી 480 કરોડના ડ્રગ્સનો જથ્થો અને 6 પાકિસ્તાનીઓની ધરપકડ કરવામાં આવી છે.
આ અંગેની માહિતી અનુસાર, ગુજરાત નજીકથી દરિયામાં ફરી એકવાર ATS અને NCB ને મોટી સફળતા મળી છે. જેમાં પોરબંદરથી 350 કિમી દૂરથી ડ્રગ્સનો મોટો જથ્થો પકડવામાં આવ્યો છે. આશરે 480 કરોડના ડ્રગ્સના જથ્થા સાથે 6 પાકિસ્તાનીઓની પણ ધરપકડ કરવામાં આવી છે.
કેવી રીતે મળી માહિતી
પાકિસ્તાન સરહદ નજીકથી અગાઉ મળેલી બાતમીના આધારે કોસ્ટગાર્ડ, એટીએસ અને એનસીબીએ એક શંકાસ્પદ બોટ અટકાવી તલાશી લેતા તેમાંથી રૂા. 480 કરોડની કિંમતનો ડ્રગ્સનો જથ્થો મળી આવેલ છે અને આ બોટમાંથી છ પાકિસ્તાની શખ્સો પણ ઝડપાયેલ હોય આ ડ્રગ્સનો જથ્થો પાકિસ્તાનથી આવી રહ્યાની પ્રાથમિક વિગતો મળી રહી છે.
ગૃહરાજ્યમંત્રીએ આપી માહિતી
ગુજરાતના દરિયા કિનારેથી ડ્રગ્સ ઝડપાયું છે. જેના પર ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, 400 કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપાયું છે. જેમાં ડ્રગ્સના 60 પેકેટ સાથે 6 પાકિસ્તાની ઝડપાયા છે. આ સાથે જ ATSને 10 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે.
તેમજ વધુ માહિતી આપતાં હર્ષ સંઘવીએ જણાવ્યું કે, પાકિસ્તાન દ્વારા ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેમાં પોરબંદરથી 185 નોટિકલ માઈલ દૂર 6 જેટલાં પાકિસ્તાની ઝડપાયા છે. આ માટે ATS, કોસ્ટગાર્ડ અને NCBનું સંયુક્ત ઓપરેશન કરવામાં આવ્યું હતું.
કેટલો જથ્થો મળી આવ્યો
તેમજ રૂ.480 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. જેમાં અંદાજે 70થી 80 ડ્રગ્સના પેકેટ સાથે 6 પાકિસ્તાનીઓને ઝડપી લેવામાં સફળતા મળી છે. ઝડપાયેલા તમામ આરોપીઓને પોરબંદર લાવવામાં આવશે. જેના સાથે જ ડ્રગ્સ મોકલનાર અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.


