- ગુજરાતમાં પ્રેમ પ્રસંગમાં હત્યાના બનાવો સતત સામે આવી રહ્યાં છે
- દીકરાનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ
- હુમલાખોરો 13 અને 12 વર્ષના બે કિશોરો છે
ગુજરાતમાં પ્રેમ પ્રસંગમાં હત્યાના બનાવો સતત સામે આવી રહ્યાં છે. ત્યારે રાજ્યમાં માત્ર કિશોર વયની ઉંમરના છોકરાઓ પ્રેમની બાબતે વધુ ઝનૂની બની રહ્યાં હોવાનું ઉદાહરણ સુરતમાં જોવા મળ્યું છે. એક મહિના અગાઉ એક કિશોર પર બે કિશોરે હુમલો કર્યો હતો અને કિશોરને ચપ્પુના ઘા મારવામાં આવ્યા હતા. જેમાં એક મહિના બાદ આજે એ કિશોરનું મોત નીપજવા પામ્યું છે.
પાંડેસરામાં એક તરફી પ્રેમમાં પાગલ અને ભાઈગીરીના જુનુને એકનો જીવ લીધો
સુરતના પાંડેસરામાં એક તરફી પ્રેમમાં પાગલ અને ભાઈગિરીનો જુનુન આજે એકનો જીવ લઈ ગયો છે. એક એ જેલ જવાનો વારો આવ્યો છે જયારે એક ભાગી છુટ્યો છે. એક 13 વર્ષના કિશોરે 12 વર્ષના કિશોર પર ચાકુથી હૂમલો કર્યો હતો. 10થી વધુ ચાકુના ઘા ઝિંકી દેતા ઈજાગ્રસ્ત કિશોરને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. ઈજાગ્રત કિશોરની હાલત વધુ ગંભીર હોવાથી ઑપરેશન કરવાનો વારો આવ્યો હતો. વાત છે ગત 17 ઓક્ટોબરે મોડી રાત્રે બે કિશોરો વચ્ચે જાહેરમાં ઝઘડો થયો હતો. અને એ ઝઘડો લોહીયાળ બન્યો હતો. બંને કિશોરો એક જ છોકરીના પ્રેમમાં પાગલ થયા હતાં. જ્યાં એકે બીજાને કહ્યું હતું કે, મારી પ્રેમિકા સાથે વાત કેમ કરે છે અમારી વચ્ચે આવતો નહીં આટલું કહીને તે વધુ ઉશ્કેરાયો હતો અને એક ઝાટકે ચાકુના 10થી વધુ ઘા ઝિંકી દીધા હતા. ભોગ બનનાર કિશોરની માતાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, મારો દીકરો ઘરેથી કચરો ફેંકવા માટે નીકળ્યો હતો. ત્યાર બાદ તેને છરી મારી દેવામાં આવી છે. મને જાણ થતાં હું તાત્કાલિક તેની પાસે પહોંચી હતી અને દીકરો લોહીલૂહાણ હાલતમાં બેભાન થઈ ગયો હતો. જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ આવ્યા હતા.
પોલીસનો કાફલો 17 મી ઓક્ટોબરે મોડી રાત્રે ઘટના સ્થળે દોડી ગયો હતો
પાંડેસરા પોલીસને જાણ થતાં પોલીસનો કાફલો 17 મી ઓક્ટોબરે મોડી રાત્રે ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસને કિશોર પર હૂમલો કરવા અંગેનું ચોંકાવનારુ કારણ જાણવા મળ્યું હતું. ભણવાની ઉંમરમાં બંને કિશોર ઘર નજીક રહેતી એક કિશોરીના પ્રેમ માટે ઝઘડ્યા હતા. જોકે કિશોરીને તો આ બાબતની કોઈ જાણ જ નથી. જોકે હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા પરિવારનું નિવેદન લઈ આગળની તપાસ હાથ ધરી છે.
દીકરાનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ
હુમલો કરનાર કિશોર મુળ ઓરિસ્સાનો વતની છે. આ કિશોરનો 16 વર્ષનો ભાઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલો છે. પાંડેસરા પોલીસ મથકે 16 વર્ષીય ભાઈ પર મારામારી સહિતના અન્ય ગુનાઓ દાખલ છે. પાંડેસરા વિસ્તારમાં આવેલા જય અંબે નગરમાં 11 વર્ષીય આદિત્ય કુલદીપ શર્મા પરિવાર સાથે રહેતો હતો. પિતા કુલદીપ શર્મા ફેબ્રિકેશનના કામકાજ સાથે સંકળાયેલા છે. આદિત્ય નજીકમાં આવેલી સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. ગત 17 ઓકટોબરના રોજ રાત્રે આદિત્ય કચરો ફેંકવા માટે ખાડી પાસે ગયો હતો. આદિત્ય કચરો નાખી રહ્યો હતો દરમિયાન તેને બે સગિરો પૈકી એકે પકડી રાખ્યો હતો અને એકે ચપ્પુના ઘા માર્યા હતા. ત્યારબાદ એક સગીર ભાગી ગયો હતો જ્યારે અન્ય સગીરે આદિત્યને 14 જેટલા ચપ્પુના ઘા માર્યા હતા. પેટ, પીઠ સહિત શરીરના અલગ અલગ ભાગોમાં 14 ઘા મારવામાં આવ્યા હતા. 17 નવેમ્બરના રોજ આદિત્ય અને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની છેલ્લા એક મહિનાથી સારવાર ચાલી રહી હતી. દરમિયાન આજે સવારે તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. પરિવારના દીકરાનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
હુમલાખોર 13 અને 12 વર્ષના બે કિશોરોએ ઘા માર્યો
હુમલાખોર 13 અને 12 વર્ષના બે કિશોરોએ ઘા માર્યો હોવાનું સામે આવ્યું છે. 13 વર્ષના કિશોરની પ્રમિકા સાથે આદિત્ય વાત કરતો હોવાનો શંકામાં હત્યા કરી હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. પિતાએ જણાવ્યું હતું કે હુમલાખોર સગીરને પોલીસે પકડી લીધો હતો ત્યારે અન્ય એક હજુ સુધી ઝડપાયો નથી. જ્યારે પકડાયેલા આરોપી પણ જમીન પર છૂટી ગયો છે. પોસ્ટ મોર્ટમ અને ફોરેન્સિકના રિપોર્ટ આવ્યા બાદ અને સાથે સાથે કાયદના જાણકારો અને તબીબોના અભિપ્રાય લીધા બાદ જ આગળની કાર્યવાહી પાંડેસરા પોલીસ હવે હાથ ધરશે.


