ભારતભરમાં એવાં અનેક મંદિર છે જે પોતાની વાસ્તુકલાને લઇને કે પછી કલાત્મક કોતરણીને લઈને જગપ્રસિદ્ધ છે. આ મંદિરો પૈકી કેટલાંક અેવાં મંદિરો પણ છે જે પોતાની ભવ્યતા અને તેમાં કરાયેલી કારીગરીને લીધે વધુ જગવિખ્યાત બન્યાં છે. કાકતીય રુદ્રેશ્વર મંદિર પણ તેની વાસ્તુકલા, કોતરણી અને અદ્ભુત કારીગરીને લીધે આસ્થા સાથે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. કાકતીય મંદિરને રામપ્પા મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. તેલંગાણાના મુલુગ જિલ્લાના પાલમપેટ ગામમાં આવેલા આ મંદિરને ઈ.સ.1213માં બનાવવામાં આવ્યું હતું. મૂળ આ મંદિર ભગવાન શિવજીને સમર્પિત છે.
આ મંદિરને બાબતે એવું પણ સ્પષ્ટપણે માનવામાં આવે છે કે, 13મી સદીમાં બનાવવામાં આવેલું આ મંદિર હાલના એન્જિનિયરને પણ પછડાટ આપે છે. આ મંદિરની બીજી પણ ખાસ વિશેષતા એ છે કે, યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં પણ તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. વધુમાં આ મંદિરમાં અનેક ખૂબીઓ પણ છે જે આશ્ચર્યચકિત કરી દે છે.
આ મંદિર બનતા ઘણાં વર્ષો લાગ્યાં હતાં
કાકતીય મંદિરને બનાવવા માટે તે સમયના પ્રસિદ્ધ મૂર્તિકાર રામપ્પાનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. રામપ્પાએ મંદિર નિર્માણ માટે ઈ.સ.1173થી ઈ.સ. 1213 સુધીનો સમય લાગ્યો હતો. જોકે, કેટલાક ઇતિહાસકારો આ મંદિર બનાવતા તેના કરતાં પણ વધુ સમય લાગ્યો હશે એવું અનુમાન કરે છે. બીજી તરફ આશ્ચર્યની વાત તો એ છે કે, આ મંદિરનું નામ પણ મૂર્તિકાર રામપ્પાના નામ પર જ રાખવામાં આવ્યું હતું. આ મંદિરના નિર્માણમાં સેન્ડસ્ટોન, ગ્રેનાઇટ, ડોલરાઇટ ઉપરાંત ચૂનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ બધી સામગ્રીઓનો ઉપયોગ મંદિરમાં માપસરનો કરવામાં આવ્યો છે અને તેમાંથી જ મંદિરની મૂર્તિઓ, દીવાલો, સ્તંભો અને છતોને કંડારવામાં આવી છે.
તરતી ઈંટો (પથ્થર)
કાકતીય મંદિરનું ગોપુરમ એટલે કે શિખર માટે ખાસ પ્રકારની ઈંટોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઈંટોની વિશેષતા એવી છે કે, તે પાણીમાં નાખ્યા બાદ પણ તરતી રહે છે. આ ઈંટોનું અંદાજે વજન 0.85થી 0.9 ગ્રામ/સીસી આંકવામાં આવ્યું છે. જેનું ઘનત્વ પાણીના ઘનત્વથી (1 ગ્રામ/સીસી) ઓછું છે! અલબત્ત, આ ઈંટોને બાવળની લાકડી, ભૂસું અને હરડ (એક પ્રકારનું ફળ)ને માટીમાં ભેળવીને ખાસ પ્રકારથી બનાવવામાં આવે છે. જેથી તેની રચના એકદમ સ્પંજની જેમ થાય છે. તેનાં આ જ કારણસર તે પાણીમાં પણ સરળતાથી તરી શકે છે.
સ્તંભમાંથી સંગીત સંભળાય છે
આ મંદિરની અનેક વિશેષતાઓમાં એક એવી વિશેષતા છે જેનાથી સમગ્ર દુનિયા આશ્ચર્ય પામી ઊઠી છે. આ મંદિરમાં જે સ્તંભ છે તે ખૂબ જ ખાસ છે. મંદિરના એક સ્તંભ પર ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ છે. જેમાં તેઓ એક વૃક્ષ પર બેસીને વાંસળી વગાડી રહ્યા છે. તેમજ તે ગોપિકા વસ્ત્રહરણની પૌરાણિક કથાને દર્શાવે છે. આ ભગવાનની મૂર્તિને થપથપાવતા જ સપ્તસ્વર એટલે કે સા,રે,ગ,મ,પ… સંભળાય છે, જે મોટું કુતૂહલ સર્જે છે.
નર્તકોનું નકશીકામ
કાતકીય મંદિરની સમગ્ર કોતરણી મંત્રમુગ્ધ કરનારી તો છે જ, પણ તેમાંય સૌથી વિશેષ નર્તકોનું નકશીકામ છે. અહીં કંડારવામાં આવેલા નકશીકામની વચ્ચે ત્રણ નર્તકો છે, પરંતુ તેમના પગ માત્ર ચાર જ કંડારવામાં આવ્યા છે! જો તમે વચ્ચેવાળી નર્તકના શરીરને બંધ કરો તો તમે બે છોકરીઓ નૃત્ય કરતી જોઈ શકો છો, પરંતુ જો તમે છોકરીઓના શરીરને બંને તરફથી બંધ કરો છો તો વચ્ચેના પગ વચમાં નર્તકના પગ બની જાય છે! ટૂંકમાં, આ નર્તકીનું નકશીકામ તમને એક રીતે સ્તબ્ધ કરી દે છે.
ગર્ભગૃહનો પ્રકાશ
મૂળ તો આ મંદિર ભગવાન ભોળાનાથને સમર્પિત હોવાથી શ્રદ્ધાળુઓ અહીં બારેમાસ આવતા હોય છે. આ મંદિરના ગર્ભગૃહમાં ચાર ગ્રેનાઇટ સ્તંભો દ્વારા પ્રતિબિંબિત કરવામાં આવે છે અને તેને આંતરિક ગર્ભગૃહની તરફ વાળવામાં આવ્યા છે, જેથી દિવસભર અહીં કુદરતી પ્રકાશ મળતો રહે છે.
તારાના આકારનું મંદિર
રુદ્રેશ્વર મંદિરનું નિર્માણ કાકતીય રાજા રુદ્રદેવે 12મી સદીમાં કરાવ્યું હતું. નોંધનીય છે કે, આ મંદિરમાં કુલ એક હજાર સ્તંભ છે. તેથી તેને સ્તંભવાળા મંદિર તરીકે પણ સંબોધવામાં આવે છે. દક્ષિણ ભારતનાં સૌથી પ્રાચીન મંદિરોની સૂચિમાં આ મંદિરનું સ્થાન પહેલી
હરોળમાં આવે છે.
કાકતીય મંદિર મૂળ તારાના આકારનું મંદિર હોવાથી જગતભરમાં પ્રસિદ્ધ તો છે જ, પણ સાથેસાથે તે એકમાત્ર એવું મંદિર છે જેમાં ભગવાન શિવની સાથે ભગવાન વિષ્ણુ અને સાથે જ સૂર્ય દેવની પણ મૂર્તિ છે. આ ત્રણેય મૂર્તિનો સંગમ એટલે કે ત્રણેય મૂર્તિ સાથે હોવાથી તેને `ત્રિકુટલ્યમ’ પણ કહેવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, અન્ય કેટલાંક મંદિરોમાં ભગવાન શિવની સાથે ભગવાન વિષ્ણુ અને ભગવાન બ્રહ્માજીની મૂર્તિઓ જોવા મળતી હોય છે.
મંદિરના નંદી
રુદ્રેશ્વર મંદિર વારંગલના હમન કોંડાના પહાડો પર સ્થિત છે. મંદિરના મુખ્ય દરવાજા પર ભગવાન ભોળાનાથના પ્રિયમાં પ્રિય એવા નંદીની વિશાળ મૂર્તિ કાળા પથ્થરથી કંડારવામાં આવી છે.
કેવી રીતે પહોંચશો?
જો તમે અહીં રેલમાર્ગે આવવા માંગતા હોવ તો નજીકનું રેલવે સ્ટેશન વારંગલ છે જે મંદિરથી અંદાજે 60થી 75 કિમી.આસપાસ આવેલું છે. જ્યારે તમે અહીં વિમાનમાર્ગે આવવા માંગતા હોવ તો નજીકનું એરપોર્ટ હૈદરાબાદના વારંગલથી અંદાજિત 140થી 150 કિમી. દૂર આવેલું છે તેમજ રામપ્પા મંદિર વારંગલ શહેરથી આશરે 65થી 75 કિમી. દૂર આવેલું છે. આ તમામ સ્થળેથી રામપ્પા મંદિર દર્શનાર્થે જવા માટે પ્રાઇવેટ વાહનો, કેબ કે ટેક્સી ખૂબ જ સરળતાથી મળી શકે છે.