છત્તીસગઢમાં આવેલું ભોરમદેવ મંદિર ભારતભરમાં પ્રસિદ્ધ છે. છત્તીસગઢનું આ મંદિર કબીરધામ જિલ્લાના ચૌરાગામમાં આવેલું એક પ્રાચીન મંદિર છે જે અંદાજે 1000 વર્ષ કરતાં પણ ઘણું પુરાણું માનવામાં આવે છે. મૂળ આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે. આ મંદિરને લઈને આશ્ચર્યની વાત તો એ છે કે, આ મંદિરની સંરચના ભારતના કોણાર્ક મંદિર ઉપરાંત ખજુરાહોના મંદિર સાથે ઘણીબધી રીતે મળતી આવે છે. આ કારણસર જ ભોરમદેવ મંદિરને છત્તીસગઢનું ખજુરાહો તરીકે પણ વિશેષ રીતે ઓળખવામાં આવે છે. ભોરમદેવ મંદિર નાગર શૈલી અને જટિલ નકશીકામથી સૌ કોઈ શ્રદ્ધાળુઓને આકર્ષી લે છે, તદુપરાંત તે અન્ય પ્રવાસીઓને પણ એટલા જ આકર્ષે છે. માત્ર ભારતભરમાંથી જ નહીં વિદેશથી પણ કેટલાક શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ ભોરમદેવના મંદિરે દર્શનાર્થે આવતા હોય છે.
ભોરમદેવના મંદિરનો ઇતિહાસ
ઐતિહાસિક અને પુરાતન વિભાગ દ્વારા કરવામાં આવેલી શોધથી આ મંદિર વિશે ઘણું જાણી શકાયું છે. અહીં મુખ્યત્વે જે શિલાલેખો મળી આવ્યા છે તે પરથી સ્પષ્ટપણે જાણી શકાયું છે કે, આ મંદિર એટલે કે ભોરમદેવ મંદિરનો ઇતિહાસ 10થી 12મી શતાબ્દીનો છે. જેને કલચુરી કાળનો સમય માનવામાં આવે છે. ભોરમદેવ એ ભગવાન શિવનું જ બીજું નામ છે તેથી જ આ મંદિરનું નામ ભોરમદેવ રાખવામાં આવ્યું હતું. અલબત્ત, આ મંદિરનું નિર્માણ નાગ વંશના રાજા રામચંદ્રજીએ કરાવ્યું હતું. એવું પણ કહેવાય છે કે આ રાજાઓ મુખ્યત્વે ભગવાન શિવજીના મોટા ઉપાસક હતા. આ મંદિરમાં સ્થાપિત શિવલિંગ પર જે નકશીકામ કરવામાં આવ્યું છે તે નકશીકામની ચર્ચા ભારતભરમાં છે. ઉલ્લેખનીય છે કે ભોરમદેવ મંદિર કોણાર્કના સૂર્યમંદિર અને ખજુરાહોના મંદિર સાથે મળતું આવે છે. આ મંદિરની સંરચનાને જોઈને કેટલાક ઇતિહાસકારોનું એમ પણ માનવું છે કે, આ મંદિર ખજુરાહોનાં મંદિરો કરતાં ખૂબ પુરાણું છે!
ભોરમદેવ મંદિરની વાસ્તુકલા
ઇતિહાસકારોના જણાવ્યા પ્રમાણે ભોરમદેવ મંદિરના આર્કિટેક્ચરની વાત કરીએ તો મંદિર અન્ય કોણાર્ક મંદિર તેમજ ખજુરાહોને મળતું આવે છે, કારણ કે આ મંદિરમાં પણ કોણાર્ક મંદિર અને ખજુરાહોનાં મંદિરોમાં સ્થાપેલી કામુક મૂર્તિઓ જેવી મૂર્તિઓ સ્થાપેલી છે. વધુમાં ભોરમદેવ મંદિર અને કોણાર્ક-ખજુરાહો મંદિરનું વાસ્તુશિલ્પ પણ એકબીજાને મળતું આવે છે. આ મંદિરના ગર્ભગૃહમાં શિવલિંગની પૂજા કરવામાં આવે છે. મંદિરના પૂર્વની તરફ એક પ્રવેશદ્વાર બનાવવામાં આવેલું છે. જ્યારે દક્ષિણ અને ઉત્તર દિશાઓમાં પણ દરવાજા બનાવવામાં આવેલા છે. જોકે, પશ્ચિમ દિશામાં કોઇ દરવાજો બનાવવામાં આવેલો નથી. મંદિરના મુખ્ય પ્રવેશદ્વારમાં ગંગા-યમુનાની પ્રતિમાઓ જોવા મળે છે. તેમજ મંદિરમાં ભગવાન શિવ અને ભગવાન ગણેશની સાથે સાથે ભગવાન વિષ્ણુના દસ અવતારોને દીવાલોમાં ચિત્રિત કરવામાં આવ્યા છે.
ભોરમદેવ મંદિરનાં અન્ય આકર્ષણો
મંદિર પરિસરની અંદર એક ઓપન-એર સંગ્રહાલય પણ છે, આ સંગ્રહાલયમાં પુરાતાત્ત્વિક કલાકૃતિઓનો એક વિશાળ સંગ્રહ પણ જોવા મળે છે. જે ઇતિહાસમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ અને અન્ય લોકો માટે વિશેષ રીતે મદદરૂપ નીવડી શકે છે. અહીં સતિ સ્તંભ પણ છે જે સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર છે. તેની પાસે એક અન્ય વાસ્તુશિલ્પ છે જે મૂળ રીતે એક જોડીમાં છે પરંતુ આ જોડી થોડી શોકપૂર્ણ મુદ્રામાં દેખાય છે! વધુમાં આ સંગ્રહાલયમાં એવાં ઘણાં ચિત્રો છે જે તમને આશ્ચર્યમાં ગરકાવ
કરી શકે છે.
હનુમાન મંદિર અને મડવા મહેલ
ભોરમદેવ મંદિરના પરિસરમાં થોડાક દિવસ પહેલાં જ ભગવાન હનુમાનજીના મંદિરનું નિર્માણ કરવામાં આવેલું છે. આ મંદિરની કોતરણી પણ આકર્ષનારી છે, શ્રદ્ધાળુઓ ભગવાન શિવનાં દર્શન કર્યા બાદ ભગવાન હનુમાનજીનાં દર્શન કરે છે. મંદિરના થોડા અંતરેથી જ મડવા મહેલ આવેલો છે. જેનું નિર્માણ નાગવંશી રાજા, રામચંદ્રજી અને રાજકુમારી અંબિકા દેવી દ્વારા કરવામાં આવ્યું હતું. આ મહેલની રચના કોઈ મેરેજ હોલ જેવી છે.
ભોરમદેવ મહોત્સવ
ભોરમદેવ મંદિરમાં વાર-તહેવાર કે કોઈ ધાર્મિક પ્રસંગોની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે તેમજ અહીં વર્ષમાં બે વાર મોટા મેળાનું પણ આયોજન કરવામાં આવે છે. આ મેળો મહાશિવરાત્રીમાં અને બીજો મેળો ચૈત્ર કૃષ્ણ તેરસના દિવસે યોજવામાં આવે છે. આ મેળામાં આસપાસનાં ગામના લોકો ઉપરાંત ભારતભરમાંથી લોકો આવે છે. આ તહેવારોમાં મંદિર અને મંદિર આસપાસની જગ્યાને ફૂલો અને અન્ય સામગ્રીઓથી શણગારવામાં આવે છે. મંદિરમાં કરવામાં આવતો ફૂલનો શણગાર મન મોહી લે તેવો હોય છે. આ બે દિવસોમાં શ્રદ્ધાળુઓ ભગવાન શિવની પૂજા કરીને ધન્યતા અનુભવે છે. આ બંને દિવસે ભગવાન શિવની પૂજા-અર્ચના કરવાથી ભગવાન શિવ તેમની પર પ્રસન્ન થાય છે.


