- મધ્યપ્રદેશના ગ્વાલિયરના જીવાજી ગંજ વિસ્તારમાં આવેલું આ મંદિર ભગવાન કાર્તિકેયનું દેશનું ખૂબ જ પ્રાચીન મંદિર માનવામાં આવે છે. આ મંદિર આશરે 400થી 450 વર્ષ જૂનું છે
ભારતમાં ભગવાન કાર્તિકેયના ખૂબ જ ઓછો મંદિર જોવા મળે છે. દેવોના દેવ કહેવાતા ભગવાન મહાદેવના બે પુત્રો છે, એક ભગવાન ગણેશ અને બીજા છે ભગવાન કાર્તિકેય. આ બંને પુત્રોમાંથી ભગવાન ગણેશની પૂજા દેવતાઓમાં સૌથી પ્રથમ થાય છે. જ્યારે પુરાણોમાં ભગવાન કાર્તિકેયને દેવતાઓના પ્રધાન સેનાપતિ તરીકે ઓળખવામાં આવ્યા છે. ભગવાન કાર્તિકેયને સુબ્રમણ્યમ, મુરુગન અને સ્કંદ તરીકે પણ ઓળખવામાં આવે છે. દક્ષિણના મંદિરોમાં ભગવાન કાર્તિકેયને ભગવાન સુબ્રમણ્યમ અથવા તો ભગવાન મુરુગન તરીકે શ્રદ્ધાપૂર્વક સંબોધવામાં આવે છે.
મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં ભગવાન કાર્તિકેયનું સૌથી જૂનું-પુરાણું મંદિર આવેલુ છે. આ મંદિર અંદાજિત 400 થી 450 વર્ષ જૂનું છે એમ માનવામાં આવે છે. આ મંદિરની વિશેષતા એ છે કે, આ મંદિર માત્ર કાર્તિક પૂર્ણિમાના દિવસે જ ખોલવામાં આવે છે. ભગવાન કાર્તિકેયના આ મંદિરે ભગવાનના આશીર્વાદ લેવા ભારતભરમાંથી જ નહીં, પરંતુ દુનિયાભરમાંથી શ્રદ્ધાળુઓ આવે છે.
કાર્તિક પૂર્ણિમાને ભગવાન શિવ અને માતા પાર્વતીના પુત્ર તેમજ ભગવાન ગણેશના ભાઇ કાર્તિકેયનો જન્મદિવસ માનવામાં આવે છે. માત્ર મધ્ય પ્રદેશ જ નહીં, પરંતુ કાર્તિક પૂર્ણિમાના દિવેસ દેશભરમાં જ્યાં જ્યાં ભગવાન કાર્તિકેયના મંદિરો છે ત્યાં તેમની ધામધૂમથી અને વિધિવત્ રીતે પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ તરફ મધ્ય પ્રદેશના ગ્વાલિયરનાં મંદિરમાં પણ વિધિવત્ રીતે ભગવાન કાર્તિકેયની પૂજા કરવામાં આવે છે. માત્ર કાર્તિક પૂર્ણિમાના દિવસે દર્શનાર્થે ખુલ્લુ રાખવામાં આવતું આ મંદિર આ દિવસે 24 કલાક ખુલ્લુ રાખવામાં આવે છે. જેથી શ્રદ્ધાળુઓ ભગવાન કાર્તિકના આશીર્વાદ મેળવી શકે. કાર્તિક પૂર્ણિમાના આગલા દિવસથી જ અહીં શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળતી હોય છે. આગલા દિવસથી જ તેઓ મંદિરમાં દર્શન કરવાની લાઇનમાં લાગી જાય છે.
ચાર સદી જૂનું મંદિર
મધ્યપ્રદેશના ગ્વાલિયરના જીવાજી ગંજ વિસ્તારમાં આવેલું આ મંદિર ભગવાન કાર્તિકેયનું દેશનું ખૂબ જ પ્રાચીન મંદિર માનવામાં આવે છે. આ મંદિર આશરે 400થી 450 વર્ષ જૂનું છે. આ મંદિરના 80 વર્ષીય પુજારી પંડિત જમુના પ્રસાદના જણાવ્યા પ્રમાણે આ મંદિર 400 વર્ષ કરતાં પણ વધુ જૂનું છે. જોકે, આ મંદિરની સ્થાપના ક્યારે કરવામાં આવી તેવો કોઇ ઉલ્લેખ ક્યાંય જોવા મળતો નથી. બીજી તરફ પૂજારીના જણાવ્યા પ્રમાણે ગ્વાલિયરમાં સિંધિયા રાજાઓનું શાસન હતું અને તેમણે જ્યારે પોતાની રાજધાની બનાવી ત્યારે તાત્કાલીન સિંધિયા શાસકોએ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો અને ત્યારથી જ સતત આ મંદિરમાં પૂજા-અર્ચના કરવામાં આવે છે.
વર્ષમાં એકવાર જ દર્શન
ભગવાન કાર્તિકેય મંદિરના પટ માત્ર કાર્તિક પૂર્ણિમાના દિવસે જ ખુલે છે. આમ તો બધા મંદિરના પટ સવારે જ ખુલતા હોય છે અને પછી ભગવાનની પૂજા-અર્ચના થતી હોય છે. જ્યારે અહીં ભગવાન કાર્તિકના પટ કાર્તિક પૂર્ણિમાના દિવસે મધ્યરાત્રિએ બરાબર બારના ટકોરે જ ખોલવામાં આવે છે અને ત્યારથી જ ભગવાન કાર્તિકેયના દર્શન કરવા ભક્તોની ભીડ જામી જાય છે. આ વર્ષે પણ રાત્રીના બાર વાગે જ મંદિરના પટ ખોલવામાં આવ્યા હતા.
ગત વર્ષે એક દિવસ વહેલા પટ ખોલ્યા હતા
ગત વર્ષે કાર્તિક પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી ગ્વાલિયરના કાર્તિકેય મંદિરના પટ એક દિવસ પહેલા જ ખોલી નાખવામાં આવ્યા હતા. ચંદ્ર ગ્રહણના દિવસે સવારથી જ તમામ મંદિરોના પટ બંધ કરવામાં આવતા હોય છે, તેથી પંચાગ અનુસાર ગત વર્ષે વર્ષના એક દિવસ પહેલા જ કાર્તિક પૂર્ણિમા સંબંધિત પૂજા-વિધાન કરવામાં આવ્યા હતા.
ભગવાન કાર્તિકેયની પૌરાણિક માન્યતા
ભગવાન કાર્તિકેય ત્રણ લોકની પરિક્રમા પૂર્ણ કરીને જ્યારે પરત આવ્યા ત્યારે ભગવાન ગણેશજીને પ્રથમ પૂજ્ય દેવતાના સ્વરૂપે જયજયકાર જોવા મળી રહ્યો હતો. સૌ કોઇએ તેમને પ્રથમ પૂજ્ય ભગવાન માની લીધા હતા. તેથી ભગવાન કાર્તિકેય માતા પાર્વતીથી ખૂબ જ નારાજ થયા અને પોતાની જાતને એક ગુફામાં બંધ કરી દીધા. ગુફામાં બંધ થતા સમયે ભગવાન કાર્તિકેય કોઇને પણ દર્શન ન દેવાના પ્રણ લે છે, સાથેસાથે તેઓ શાપ પણ આપે છે કે, જે સ્ત્રી તેમના દર્શન કરશે તે વિધવા થઇ જશે અને પુરુષ સાત જન્મ સુધી નર્કમાં જશે. ભગવાન કાર્તિકેયના આવા શાપથી માતા પાર્વતી અને શિવ ભગવાન તેમને સમજાવે છે. જ્યારે ભગવાન કાર્તિકેયનો ગુસ્સો શાંત થાય છે ત્યારે તેમને પશ્ચાતાપ થાય છે, આ સમયે માતા પાર્વતી તેમને વર્ષમાં એકવાર શ્રદ્ધાળુઓને દર્શન આપવા માટે મનાવી લે છે અને ભગવાન શંકર તેમને વરદાન આપે છે કે કાર્તિકેયના જન્મદિવસ પર એટલે કે કાર્તિક પૂર્ણિમાના દિવસે ભગવાન કાર્તિકેયના દર્શનમાત્રથી તેમની ઇચ્છાઓ પૂરી થશે. તેથી ગ્વાલિયરનું આ મંદિર વર્ષમાં એકવાર ખૂલે છે.
દેશના અન્ય પ્રસિદ્ધ ભગવાન કાર્તિકેયના મંદિરો
ઉતરાખંડ : રુદ્રપ્રયાગ મંદિર
ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં રુદ્રપ્રયાગ-પોખરી માર્ગ પર કનક ચૌરી ગામની પાસે 3050 મીટરની ઊંચાઇના પહાડ પર ભગવાન કાર્તિક સ્વામીનું મંદિર આવેલું છે.
હરિયાણા : કુરુક્ષેત્ર કાર્તિકેય મંદિર
હરિયાણાના કુરુક્ષેત્ર જિલ્લાના પિહોવામાં ભગવાન કુમાર કાર્તિકેયનું મંદિર આવેલું છે. અહીં મહિલાઓને મંદિર પરિસરમાં પ્રવેશવાની પરવાનગી છે, પરંતુ ગર્ભગૃહમાં જવાની પરવાનગી નથી. જે માટેની પૌરાણિક માન્યતા ઉપર દર્શાવેલ છે.
તમિલનાડુ : પલની મુરુગન મંદિર
ભગવાન કાર્તિકેયને દક્ષિણ ભારતમાં ભગવાન મુરુગન તરીકે ઓળખવામાં આવે છે. ભગવાન કાર્તિકેયનું સૌથી વિશાળ મંદિર અહીં આવેલું છે. તમિલનાડુના ડિંડિગુલ જિલ્લાના પલની શહેરમાં આ મંદિર આવેલું છે. આ મંદિર અંદાજીત 560 ફૂટ ઊંચાઇ પર શિવગિરિ પર્વત પર બનાવવામાં આવ્યું છે.