- પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં ચૂંટણી રેલીમાં બોમ્બ બ્લાસ્ટ
- પીટીઆઇ પાર્ટીના 3 કાર્યકરો સહિત 4 લોકોના મોત. 7 ઘાયલ
- 8મી ફેબ્રુઆરીએ પાકિસ્તાનમાં યોજાનાર ચૂંટણી પહેલા દહેશત
પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં મંગળવારે 30 જાન્યુઆરીના રોજ એક ભીષણ બોમ્બ વિસ્ફોટ થયો. જેમાં પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના 3 નેતાઓ સહિત 4 લોકોના મોત થયા છે. ઈમરાન ખાનને 10 વર્ષની જેલની સજા ફટકાર્યાના કલાકો બાદ પાર્ટી દ્વારા આયોજિત રેલી દરમિયાન આ વિસ્ફોટ થયો હતો.
પીટીઆઈ પાર્ટીના બલૂચિસ્તાનના પ્રાંતીય મહાસચિવ સાલાર ખાન કાકરે પાર્ટીના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરેલા એક વીડિયોમાં જણાવ્યું છે કે આ ઘટનામાં તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના ત્રણ કાર્યકરો શહીદ થયા છે જ્યારે 7 ઘાયલ થયા છે.
હજુ વધી શકે છે મોતનો આંકડો
આ સંદર્ભે સિબી જિલ્લા મુખ્યાલય હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. બાબરે જણાવ્યું કે વિસ્ફોટમાં 5 લોકો ઘાયલ થયા છે. રિપોર્ટ અનુસાર ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે મોટાભાગના ઘાયલ લોકોની હાલત ગંભીર છે અને મૃત્યુઆંક વધી શકે છે.
ઘટના સ્થળે અફરાતફરી
બ્લાસ્ટની આ ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વિડીયોમાં જોઈ શકાય છે કે ઘટનાસ્થળે જોરદાર અવાજ આવ્યા બાદ પીટીઆઈના સભ્યોમાં અફરાતફરી મચી ગઈ હતી. પીટીઆઈના નેતા સાલાર ખાન કાકરે જણાવ્યું હતું કે પાર્ટી સમર્થિત ઉમેદવાર સદ્દામ તારીન દ્વારા આયોજિત ચૂંટણી રેલીમાં વિસ્ફોટ થયો હતો. તેમણે વધુમાં કહ્યું કે અમે આ હૃદયદ્રાવક ઘટનાની સખત નિંદા કરીએ છીએ અને માંગ કરીએ છીએ કે પીટીઆઈ કાર્યકરોને બદલે આતંકવાદીઓને કચડી નાખવા માટે ધ્યાન આપવામાં આવે.
8મી ફેબ્રુઆરીએ પાકિસ્તાનમાં યોજાશે ચૂંટણી
આ વિસ્ફોટ 8 ફેબ્રુઆરીએ યોજાનારી સામાન્ય ચૂંટણીના માત્ર નવ દિવસ પહેલા થયો હતો. દરમિયાન, પાકિસ્તાનના ચૂંટણી પંચે કહ્યું કે તેણે આ ઘટનાની નોંધ લીધી છે અને બલૂચિસ્તાનના મુખ્ય સચિવ અને પોલીસ વડા પાસેથી તાત્કાલિક રિપોર્ટ માંગ્યો છે.


