- પત્રિકામાં યુવતીનું નામ અધુરુ હોય તપાસ કરતા ભાંડો ફૂટયો
- આમંત્રણ પત્રિકા રજુ કરી બે દિવસની રજા પણ મેળવી લીધી હતી
- તપાસ દરમિયાન તેની સગાઇ નહી હોવાનું બહાર આવ્યુ
ગાંધીનગરના કરાઇ પોલીસ અકાદમીમાં તાલીમ લઇ રહેલા એક પીએસઆઇએ ખોટી રીતે રજા મેળવવા માટે પોતાની સગાઇનું તરકટ રચ્યાનો ભાંડો ફુટયો હતો. આ બાબતને ગંભીરતાથી લઇને તેને તાત્કાલીક અસરથી ડીસમીસ કરી દેવાયો હતો. રજા મેળવવા માટે પીએસઆઇએ આમંત્રણ પત્રિકા પણ બનાવી હતી. જેમાં જે યુવતીનું નામ લખવામાં આવ્યુ હતું. તેના કારણે શંકા જતા તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન તેની સગાઇ નહી હોવાનું બહાર આવ્યુ હતું. તેણે આચરેલી ગેરશિસ્ત મામલે ડભોડા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.તાલીમી પીએસઆઇને ડીસમીસ કરવાની ઘટના ટોક ઓફ ધ ટાઉન રહી હતી.ગેર શિસ્ત સાંખી નહી લેવા મામલે ભરવામાં આવેલા આ શિક્ષાત્મક પગાલાથી કરાઇ પોલીસ એકેડમીમાં તાલીમ લઇ રહેલા અન્ય કેટલાક તાલીમી પીએસઆઇમાં ફફડાટ વ્યાપી ગયો છે.
આ મામલે કરાઇ અકાદમીમાં ઇન્ડોર વ્યાખ્યાતા તરીકે ફરજ બજાવતા પોલીસ ઇન્સપેક્ટર હરદેવસિંહ ભગવતસિંહ વાઘેલાએ આ તાલીમી પીએસઆઇ મુન્ના હમીરભાઇ આલ (રહે. સાંગ્રા, પાલનપુર ) સામે ડભોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.તાલીમી પીએસઆઇ મુન્ના આલ જાન્યુઆરી-2023થી કરાઇ પોલીસ અકાદમીમાં બિનહથિયારી તાલીમી પોલીસ બસ ઇન્સપેક્ટર તરીકે તાલીમ લઇ રહ્યો છે. તેણે આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઇન્ડોરની વહીવટી શાખામાં બે દિવસ માટે પરચુરણ રજાનો રીપોર્ટ રજુ કર્યો હતો. રીપોર્ટમાં રજા લેવાનું કારણ પોતાની સગાઇ હોવાનું અને સામાજીક રીતરીતરીવાજ પ્રમાણે ભોજન સમારંભ હોવાનું જણાવ્યુ હતું. આ પ્રસંગ માટે તેણે તેણે 1લી અને 2જી ડીસેમ્બર (2023 ) એમ બે દિવસ માટે રજા માંગી હતી. રજાની અરજી સાથે તેણે પોતાની સગાઇની એક આમંત્રણ પત્રિકા રજુ કરી હતી જેમાં તારીખ, વાર તેમજ સમયનો પણ ઉલ્લેખ કર્યો હતો. જોકે તાલીમાર્થી પીએસઆઇએ રજા મેળવવા માટે સગાઇની જે આમંત્રણ પત્રિકા રજુ કરી હતી તેમાં યુવતીનું નામ નિમિ જણાવ્યુ હતુ. જે નામ અધિકારીને પ્રથમ દ્રસ્ટીએ જ શંકાસ્પદ લાગ્યુ હતુ. આ ઉપરાંત આમંત્રણ પત્રિકામાં યુવતીના માતા કે પિતાનું નામ કે સરનામુ જણાવ્યુ નહોતુ. આ મામલે ઉપરી અધિકારીની નોંધ સાથે પ્રાથમિક તપાસ કરવાનો નિર્ણય કરાયો હતો. તપાસ દરમિયાન તાલીમાર્થી પીએસઆઇ મુન્ના આલે બે દિવસની રજા મેળવવા માટે જે રિપોર્ટ અને આમંત્રણ પત્રિકા રજુ કરી હતી તે રજા રીપોર્ટ ખોટો અને આમંત્રણ પત્રિકા પણ ખોટી બનાવી હોવાની પોલ ખુલી હતી. કરાઇ પોલીસ અકાદમી દ્વારા આ મામલે ગંભીર શિક્ષાત્મક પગલા ભર્યા હતા અને ગેરશિસ્ત આચરનાર તાલીમી પીએસઆઇ મુન્ના આલને ગત 3 જીએ પોલીસ ખાતામાંથી રૂખસદ આપીને ડીસમીસ કરાયો હતો. આ ઘટનાથી તાલીમ લઇ રહેલા અન્ય પોલીસ કર્મીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો.
અમદાવાદનો મિત્ર બનાવટી આમંત્રણ પત્રિકા આપી ગયો હતો
ઉપરોક્ત ભાંડો ફુટયા બાદ તાલીમી પીએસઆઇ મુન્ના આલની આ મામલે પુછપરછ કરવામાં આવી હતી. જેમાં તેણે પોતાની સગાઇની ખોટી વિગતો જણાવ્યાનુ અને આમંત્રણ પત્રિકા ખોટી છપાવી હોવાની કબુલાત કરી હતી. રજા રિપોર્ટ સાથે રજુ કરેલી સગાઇની આમંત્રણ પત્રિકા તેની વિનંતીથી અમદાવાદનો તેનો મિત્ર બનાવીને આપી ગયો હતો. તાલીમી પીએસઆઇના વતનમાં તપાસ કરતા તેના માતાપિતા તથા તેના ઘરની આસપાસ રહેતા રહીશોની પુછપરછમાં જાણવા મળ્યુ હતુ કે છેલ્લા છ માસમાં ક્યારેય મુન્ના આલની સગાઇનો પ્રસંગ કે કોઇ આયોજન કરાયુ નહોતુ.
તાલીમી PSIને માસિક 50 હજારનું વેતન પણ મળતુ હતું
કરાઇ પોલીસ અકાદમી દેશની નામાંકિત સંસ્થાઓ પૈકીની એક માનવામાં આવે છે તેમાં તાલીમ લેતા પીએસઆઇથી માંડીને આઇપીએસ કક્ષાના અધિકારીઓને કાયદાકીય (ઇન્ડોર) અને શારીરીક ઘનિષ્ટ તાલીમ અપાય છે. તાલીમાર્થીઓ પાસેથી ઉચ્ચસ્તરની શિસ્તનો આગ્રહ રખાય છે.મુન્ના આલ પાયાની તાલીમ લઇ રહ્યો હતો અને માસિક આશરે 50 હજારનું વેતન મેળવતો હતો તેમજ મફત રહેઠાણ,નિયમોનુસાર રજાઓ સહીતની રાજ્ય સેવકની ફરજ બજાવતો હતો. સામાન્ય સંજોગોમાં રજા નહી મળે એ વિચારથી તેણે ઉપરોક્ત તરકટ રચી ઉચ્ચ અધિકારીઓની આંખમાં ધુળ નાખવાનો પ્રયાસ કર્યો હતો.
તાલીમ દરમિયાન અગાઉ 17 વખત ગેરશિસ્ત પકડાઇ હતી
તાલીમી પીએસઆઇ મુન્ના આલ દ્વારા ખોટી હકીકતને સાચી ઠેરવીને તથા ખોટા દસ્તાવેજ રજુ કરીને ઉપરી અધિકારીઓને ગેરમાર્ગે દોરી રજા મેળવવા જે તરકટ રચ્યુ હતું તેની ઉપરી અધિકારીઓએ ગંભીર નોંધ લીધી હતી. દરમિયાન તેનો તાલીમ દરમિયાનનો રેકોર્ડ ચેક કરવામાં આવ્યો હતો. જેમાં પોલીસ અકાદમીમાં સમગ્ર તાલીમ દરમિયાન મુન્ના આલ દ્વારા અલગ અલગ બનાવોમાં કુલ 17 વખત ગેરશિસ્ત આચરાઇ હોવાનું ખુલ્યુ હતું.


