ભારતના કર્ણાટક રાજ્યમાં અનેક મંદિરો આવેલાં છે. આ મંદિરોમાં કેટલાંક પ્રાચીન તો કેટલાંક અર્વાચીન મંદિરો પણ આવેલાં છે. અલબત્ત, અહીં નિર્માણ પામેલાં તમામ મંદિરોનું પોતાનું અનેરું ધાર્મિક મહત્ત્વ પણ છે. આ મંદિરો પૈકી એક નામ છે વિજયનગરના હમ્પીમાં આવેલું `વિઠ્ઠલ મંદિર’. આ મંદિરનું નિર્માણ 16મી સદીમાં કરવામાં આવ્યું હતું.
ભગવાન વિઠ્ઠલનું આ મંદિર શ્રી વિષ્ણુને સમર્પિત છે. મૂળ હમ્પી દક્ષિણ ભારતના જૂના શહેર વિજયનગરમાં આવેલું નાનું ગામ છે. સંસ્કૃતમાં વિજયનગરનો અર્થ જીતનું નગર થાય છે. ઈ.સ. 1336થી ઈ.સ. 1565 સુધી આ શહેર વિજયનગર સામ્રાજ્યની રાજધાની હતું.
કર્ણાટકમાં આવેલું હમ્પી સુંદર ધાર્મિક સ્થળ છે. ભારતભરના મોટાભાગના શ્રદ્ધાળુઓ અહીંના પૌરાણિક, પ્રાચીન-અર્વાચીન મંદિરોમાં પૂજા-અર્ચના અર્થે અને મંદિરોનું ધાર્મિક માહાત્મ્ય જાણવા વર્ષ દરમિયાન આવતા હોય છે. અલબત્ત, અહીં અન્ય દેશોમાંથી પણ પર્યટકો મંદિરની રચનાઓ જોવા આવતા હોય છે. વધુમાં વિઠ્ઠલ મંદિરની સુંદરતા, નકશીકામ અને એકદમ આકર્ષક વાસ્તુકલા સૌ કોઇ શ્રદ્ધાળુ, પર્યટકોને આકર્ષે તેવાં છે. નોંધનીય છે કે, તુંગભદ્રા નદીના દક્ષિણ કિનારા પર આવેલું આ મંદિર મૂળ દક્ષિણ ભારતીય દ્રવિડ મંદિરોની સ્થાપત્ય શૈલીનું પ્રતિનિધિત્વ કરે છે.
મંદિરમાં આવેલી મૂર્તિઓ અને રથ
વિઠ્ઠલ મંદિરમાં મૂર્તિઓને ગર્ભગૃહમાં નિહાળી શકાય છે. આ ગર્ભગૃહમાં માત્ર મંદિરનો પૂજારી જ પ્રવેશ કરી શકે છે. જોકે, મંદિરનું નાનું ગર્ભગૃહ શ્રદ્ધાળુઓ અને સામાન્ય જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. તેમ છતાં બહારથી પણ ગર્ભગૃહને વ્યવસ્થિતપણે નિહાળી શકાય છે. મંદિરમાં એક જ પથ્થરમાંથી કંડારેલી મૂર્તિઓમાં દેવી લક્ષ્મી, ભગવાન નરસિંહ અને ભગવાન ગણેજીની મૂર્તિઓનો સમાવેશ થાય છે. આ મંદિરનું અન્ય મુખ્ય આકર્ષણ મંદિર પરિવેશમાં કંડારવામાં આવેલો એક વિશાળ પથ્થરનો રથ છે. અહીં દર્શનાર્થે આવનારની સૌથી પહેલી નજર મંદિરના પરિવેશમાં આવેલા પથ્થરના રથ પર જાય છે. આશ્ચર્યની વાત એ છે કે, આ પથ્થરના રથને તેનાં પૈડાંની મદદથી અન્ય જગ્યાએ પણ ફેરવી શકાય છે. જો આ રથની વાત કરીએ તો ભારતમાં પથ્થરોમાંથી નિર્માણ પામેલા ત્રણ રથ પ્રસિદ્ધ છે. આ રથોમાં બે રથ કોણાર્ક (ઓડિશા) ઉપરાંત મહાબલીપુરમ (તમિલનાડુ)માં આવે છે. હમ્પી રથનું નિર્માણ 16મી સદીમાં વિજયનગરના શાસક રાજા કૃષ્ણદેવરાયે કરાવ્યું હતું. મંદિરની બાજુમાં કેટલાય મંડપ અને નાનાં નાનાં મંદિરો પણ આવેલાં છે. આ સિવાય કેટલાક મોટા ઓરડા પણ મંદિરની પાસે આવેલા છે.
સંગીતમય થાંભલાઓ
વિઠ્ઠલ મંદિરના અન્ય મુખ્ય આકર્ષણમાં સંગીતમય થાંભલાઓનો પણ સમાવેશ થાય છે. 16મી સદીમાં રાજા દેવરાય દ્વિતીયના શાસનકાળમાં આ સંગીતમય થાંભલાઓનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ થાંભલાઓમાં પણ મંદિરની જેમ જ બારીકાઈથી નકશીકામ અને કોતરણી કરવામાં આવી છે. આ મંદિરમાં કુલ 56 સંગીતમય થાંભલા છે, જે શ્રદ્ધાળુઓ અને પર્યટકોને વિશેષ રીતે આકર્ષે છે. નોંધનીય છે કે આ થાંભલાઓને હથેળી વડે થપથપાવવામાં આવે તો સંગીતમય ધ્વનિ સંભળાય છે. અહીં આવેલા શ્રદ્ધાળુઓ અને પર્યટકો પોતે પણ થાંભલાઓ પર હાથ થપથપાવીને સંગીતમય ધ્વનિ સંભળાયાનો વિશેષ આનંદ લે છે.
મંદિરોની નાગર તથા દ્રવિડ વાસ્તુકલા
અને અન્ય શૈલી
છઠ્ઠી સદીમાં ઉત્તર ભારતમાં અને દક્ષિણ ભારતનાં મંદિરોની વાસ્તુકલા શૈલી લગભગ સરખી જ હતી. જોકે, ત્યારબાદ તેમાં વિસ્તાર પ્રમાણે થોડો ઘણો સુધારો અને ઉમેરો જોવા મળ્યો હતો, પરંતુ મૂળ તો મંદિરોમાં મુખ્ય ત્રણ પ્રકારની શૈલીનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ શૈલીમાં નાગર, દ્રવિડ અને બેસર શૈલીનો સમાવેશ થાય છે. હમ્પી મંદિરમાં પણ આ શૈલીઓનો મહત્તમ ઉપયોગ કરવામાં આવ્યો છે. અલબત્ત, ભારતનાં મોટાભાગનાં મંદિરોમાં નાગર અને દ્રવિડ વાસ્તુકલાનો મોટાભાગે ઉપયોગ કરવામાં આવતો રહ્યો છે.
નાગર શૈલી
નાગર શબ્દ નગરમાંથી બનાવવામાં આવ્યો છે. જેમાં સર્વપ્રથમ નગરમાં નિર્માણ પામેલું મંદિર કે ઇમારતને નાગર શૈલી કહેવામાં આવે છે. આ સંરચનાત્મક મંદિર સ્થાપત્યની જ એક શૈલી છે, જે હિમાલયથી લઇને વિંધ્ય પર્વત સુધી પ્રચલિત હતી. આ શૈલીમાં બનેલાં મંદિરોને ઓડિશામાં કલિંગ, ગુજરાતમાં લાટ અને હિમાલય ક્ષેત્રના વિસ્તારોમાં પર્વતીય તરીકે ઓળખવામાં આવે છે.
દ્રવિડ શૈલી
ભારતમાં કૃષ્ણા નદીથી લઇને કન્યાકુમારી સુધી દ્રવિડ શૈલીનાં મંદિરો જોવા મળે છે. દ્રવિડ શૈલીની શરૂઆત 8મી સદીમાં થઇ હતી અને સુદુર દક્ષિણ ભારતમાં તેનું આયુષ્ય 18મી સદી સુધી રહ્યું. એટલે કે આ શૈલી 18મી સદી સુધી વપરાતી હતી. દ્રવિડ શૈલીનાં મંદિરોમાં માળની સંખ્યા વધારે જોવા મળે છે. આ શૈલીમાંથી નાયક શૈલીનો પણ ઉદ્ભવ થયો હતો, જેમાં મીનાક્ષી મંદિર(મદુરાઇ), રંગનાથ મંદિર (શ્રી રંગમ, તમિલનાડુ), રામેશ્વર મંદિરનો સમાવેશ થાય છે.